હાઇડ્રોનેફ્રોસિસ એક ટિપિકલ કન્ડિશન છે, જેમાં યુરિનની નૉર્મલ ડ્રેનેજ સિસ્ટમ ફેલ્યરને કારણે કિડની પર સોજો આવે છે કે કિડનીની સાઇઝ મોટી થઈ જાય છે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હાલમાં મારે ત્યાં દીકરી આવી છે. પ્રેગ્નન્સી દરમ્યાન ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યું ત્યારે જોયું હતું કે બાળકીના મૂત્રમાર્ગમાં કોઈ જગ્યાએ અવરોધ છે, જેને લીધે તેને જન્મથી જ હાઇડ્રોનેફ્રોસિસ છે. મારી દીકરી ફક્ત ૧૦ દિવસની છે. ડૉક્ટર કહે છે કે તેની સર્જરી કરાવવી ખૂબ જરૂરી છે, પણ જન્મની સાથે હજી કોઈ તકલીફ સામે આવી નથી. શું તે મોટી થાય ત્યારે એની મેળે ઠીક નહીં થઈ શકે? હું તમને એનાં સ્કૅન મોકલાવું છું એ જોઈને જણાવશો.
સારી બાબત એ છે કે તમારા બાળકની આ પરિસ્થિતિની જાણ તમને તે ગર્ભમાં હતું ત્યારથી જ છે, જેને લીધે જન્મ પછી તરત જ તેની સર્જરી થઈ શકે છે. હાઇડ્રોનેફ્રોસિસ એક ટિપિકલ કન્ડિશન છે, જેમાં યુરિનની નૉર્મલ ડ્રેનેજ સિસ્ટમ ફેલ્યરને કારણે કિડની પર સોજો આવે છે કે કિડનીની સાઇઝ મોટી થઈ જાય છે. મૂત્રમાર્ગમાં જન્મજાત ખોડને કારણે આવું થાય છે. સામાન્ય રીતે યુરિન પાસ થાય ત્યારે મૂત્રમાર્ગ સાવ થોડું પ્રેશર હોય છે, પરંતુ જ્યારે આ માર્ગમાં વચ્ચે ક્યાંક અવરોધ આવે તો સહજ છે કે પ્રેશર વધવાનું છે. આ અવરોધ બે જગ્યાએ મોટા ભાગે જોવા મળે છે જેમાં રેનલ પેલ્વિસ અને યુરેટર વચ્ચેનો અવરોધ વધુ કૉમન છે અને બીજો અવરોધ છે યુરેટર અને બ્લૅડર એટલે કે મૂત્રાશય વચ્ચેનો. તમારી દીકરીને રેનલ પેલ્વિસ અને યુરેટર વચ્ચે અવરોધ છે.
ADVERTISEMENT
જ્યારે અવરોધને લીધે સમય જતાં યુરિનનો ભરાવો થાય એમ કિડની મોટી થાય છે અને જેમ-જેમ એમાં યુરિન ભરાતું જાય અને એ એટલી મોટી થાય કે એની બાજુમાં આવેલા અવયવો પર એ પ્રેશર આપવાનું ચાલુ કરી દે છે. જો આ પરિસ્થિતિનો ઇલાજ કરવામાં ન આવ્યો તો કિડની પોતાનું કામ કરી શકતી નથી અને ધીમે-ધીમે ખરાબ થતી જાય છે. આ જ રીતે એ ફેલ્યર થઈ શકે છે.
આ રોગ જો ઑબ્સ્ટ્રક્શનને કારણે થયો છે તો સર્જરી જ એકમાત્ર ઉપાય છે. સર્જરી દ્વારા આ અવરોધને દૂર કરવામાં આવે છે અને બાકીના ભાગને જોડીને યુરિનનો ફ્લો નૉર્મલ કરવામાં આવે છે. તમારી જેમ ઘણા લોકો વિચારે છે કે નાનાં બાળકોને જન્મતાં જ સર્જરી કરાવવી ઠીક નથી, પરંતુ હકીકત એ છે કે આ સર્જરી જેટલી જલદી થાય એટલું બાળક માટે ફાયદાકારક છે, માટે સર્જરીથી ગભરાઓ નહીં. સર્જરી પછી બાળક એકદમ નૉર્મલ થઈ જશે.