મળમાં લોહી પડવાનો મુખ્ય અર્થ એ થાય કે પાચન પ્રક્રિયામાં કોઈ ગરબડ છે. પાચનને સંબંધિત અન્નનળીથી લઈને મળદ્વાર સુધીનો ભાગ બધામાંથી કોઈ એકમાં કંઈક ગરબડ છે
પ્રતીકાત્મક તસવીર
મળમાં લોહી પડવું એ ટાળી શકાય એવું લક્ષણ નથી. જે પણ વ્યક્તિને આ લક્ષણ સામે આવે એ વ્યક્તિએ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. મળમાં લોહી પડવાનો મુખ્ય અર્થ એ થાય કે પાચન પ્રક્રિયામાં કોઈ ગરબડ છે. પાચનને સંબંધિત અન્નનળીથી લઈને મળદ્વાર સુધીનો ભાગ બધામાંથી કોઈ એકમાં કંઈક ગરબડ છે, જેને લીધે મળમાં લોહી આવે છે. મહત્ત્વની વાત એ છે કે જ્યારે આ લક્ષણ દેખાય ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ અને જરૂરી ટેસ્ટ કરાવી એ તપાસે કે પાચનતંત્રના કયા ભાગમાં તકલીફ છે અને તમને ક્યાં ઇલાજની જરૂર છે.
જો મળ લાલ રંગનો હોય, કમોડમાં એકદમ લાલ લોહી દેખાઈ આવે, ટૉઇલેટ પેપર પર લોહી હાથમાં આવે તો મળમાં લોહી છે એ સરળતાથી સમજી શકાય છે પરંતુ બને કે એવું ન થાય તો? મળમાં લોહી પડે છે એ બિલકુલ જરૂરી નથી કે સરળતાથી ખબર પડે. જો આંતરડાથી ઉપરના ભાગમાં કોઈ તકલીફ હોય અને એ ઉપરના ભાગોમાંથી લોહી નીકળતું હોય તો એ લોહી જઠરમાં રહેલા પાચકરસો સાથે ભળીને પોતાનો લાલ રંગ ગુમાવી બેસે છે. પછી એ કૉફી કે કથ્થઈ રંગ જેવું કે પછી કાળા રંગમાં પરિણમે છે અને મળનો રંગ કાળો કે કૉફી કલર બની જાય છે. સામાન્ય રીતે કાળા રંગનો મળ હોય તો કોઈ વ્યક્તિ એ સમજી નથી શકતી કે એ મળમાં લોહી છે. આમ જો મળ કાળા રંગનો હોય અને ટેસ્ટમાં ખબર પડે કે મળમાં લોહી જ છે તો એનો અર્થ એ થાય કે જઠરની ઉપરના ભાગમાં તકલીફ છે, પરંતુ જો મળમાં લાલ રંગનું લોહી જોવા મળે તો સમજવું કે જઠરથી નીચેના ભાગમાં તકલીફ છે.
ADVERTISEMENT
ઘણી વાર લોહી મળમાં એટલી ઓછી માત્રામાં ભળેલું હોય છે કે એ નરી આંખે સમજી શકાતું નથી કે મળમાં લોહી છે. જ્યાં સુધી એની ટેસ્ટ ન કરાવીએ બિલકુલ સમજમાં આવતું નથી કે મળમાં લોહી પડે છે. આ સ્ટેજ પર જો પકડી પાડીએ કે મળમાં લોહી છે તો રોગનું નિદાન અને એનો ઇલાજ બન્ને ખૂબ સારી રીતે થઈ શકે અને નુકસાનથી પણ બચી શકાય. મળમાં લોહીની સમસ્યા મોટા ભાગે ૫૦ વર્ષથી ઉપરના લોકોને વધુ સતાવે છે. આ સિવાય વ્યક્તિને પોતાની પેટ સાફ કરવાની આદતમાં અચાનક જ કોઈ ખાસ ફેરફાર જણાય તો પણ તેણે રિસ્ક લીધા વગર સ્ટૂલ ટેસ્ટ કરાવી લેવી જોઈએ. આદર્શ રીતે તો ૩૦ વર્ષની ઉંમર પછીથી દર વર્ષે વ્યક્તિએ સ્ટૂલ ટેસ્ટ કરાવવી જરૂરી છે. એ ટેસ્ટ દ્વારા વ્યક્તિના પાચનને લગતી કોઈ પણ જાતની સમસ્યા હોય તો એ સમજી શકાય છે.

