વિદેશી ભૂમિનો વધુ એક ડાયટ-પ્લાન ચર્ચામાં છે ત્યારે જાણીએ કૉફી ડાયટ કેટલી સ્ટ્રૉન્ગ છે અને કેટલી માઇલ્ડ
પ્રતીકાત્મક તસવીર
એક સમયે કૉફી માત્ર શ્રીમંત લોકોનાં ખિસ્સાંને પરવડે એવું પીણું હતું, પરંતુ આજે એની લોકપ્રિયતા અને સ્પર્ધાત્મકતામાં વધારો થવાને લીધે કૉફીના ચાહકવર્ગમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એક અહેવાલ પ્રમાણે આજે દુનિયામાં દરરોજ બે અબજથી વધુ કપ કૉફી વપરાય છે અને દુનિયામાં દર વર્ષે કૉફીનો ૯૦ અબજ ડૉલરનો વેપાર થાય છે. આ તો વાત થઈ એના વ્યાપની, પણ તમને ખબર છે કૉફી વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે? જોકે આ વાતને હજી સુધી સાયન્ટિફિક અપ્રૂવલ મળ્યું નથી, પરંતુ વિદેશમાં કૉફી ડાયટનો ટ્રેન્ડ ખૂબ જોરમાં ચાલી રહ્યો છે જેની અસર અહીં પણ જોવા મળી રહી છે. ત્યારે જાણીએ આ કૉફી ડાયટના એ-ટુ-ઝેડ વિશે.
કૉફી ડાયટ એટલે શું?
ADVERTISEMENT
કૉફી ડાયટ વજન ઘટાડવાનો ટ્રેન્ડ છે જેમાં ભૂખ લાગ્યાની થોડીક સેકન્ડોમાં બ્લૅક કૉફી પીવાનો સમાવેશ થાય છે. એમાં ઘણી વાર તજ, લીંબુ અથવા લાલ મરચું જેવા ઘટકો ઉમેરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે એ ભૂખને કાબૂમાં રાખે છે. ભૂખ લાગે ત્યારે માત્ર બ્લૅક કૉફી પીવાની રહે છે. એના માટે અનેક દાવાઓ અને સંભવિત ફાયદા ગણાવવામાં આવે છે.
શરીર પર કેવી અસર થાય?
ચા, દૂધ નહીં ને કૉફી જ શું કામ ડાયટ માટે ટ્રેન્ડમાં આવી છે? આ વિશે જાણકારી આપતાં હોમિયોપૅથિક ડૉક્ટર અને ડાયટિશ્યન ડૉ. અંકિતા શાહ કહે છે, ‘કૉફીનું મુખ્ય ઘટક કૅફીન છે. કૉફી ટેમ્પરરી મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે જેનાથી તમને ભૂખ ન લાગે. એટલે સ્વાભાવિક રીતે તમે ઓછું ખાઓ અને સરળતાથી કૅલરી બર્ન થઈ જાય. એને લીધે કૉફી ડાયટ અત્યારે ઘણી ટ્રેન્ડમાં આવી છે, ખાસ કરીને વિદેશમાં. આ સિવાય કૉફીમાં રહેલા કૅફીનના લીધે મસલ્સ અને માઇન્ડ એકદમ ઍક્ટિવ રહે અને સતર્કતા વધે છે. આનાથી લાંબા સમય સુધી એકાગ્રતા વધી શકે છે. ઘણા લોકો થાક ઘટાડવા અને શારીરિક પ્રદર્શનમાં સુધાર લાવવા પણ કૉફી પીતા હોય છે. જેમ કે ઍથ્લીટ્સ ક્યારેક-ક્યારેક કૉફીને સપ્લિમેન્ટરી ડાયટ તરીકે લે છે. કૉફીમાં રહેલું કૅફીન ભૂખ દબાવનાર તરીકે કામ કરે છે, જે ભૂખ અને તરસને સંભવિત રીતે ઘટાડે છે. કેટલાક સમર્થકો દાવો કરે છે કે કૉફી અને ઉમેરાયેલા ઘટકો ચયાપચયને વેગ આપવામાં અને વધુ કૅલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે. જોકે માત્ર બ્લૅક કૉફી પીવાથી આમ થાય છે, જો એમાં દૂધ કે પછી સાકર કે પછી ક્રીમ વગેરે ઉમેરવામાં આવે તો એ વર્ક નહીં કરે. બીજું એ કે વિદેશમાં જે કૉફી મળે છે અને અહીં જે કૉફી મળતી હોય છે એમાં પણ ઘણો ફરક હોય છે એટલે ડીટેલમાં અભ્યાસ કર્યા વગર આવા પ્રકારની ડાયટ કરવાની હું સલાહ આપતી નથી. જોકે ટેમ્પરરી વેઇટલૉસ કરવા માટે આવા પ્રકારની ડાયટ એક વખત ચાલે, બાકી શિસ્તબદ્ધ રીતે અને હેલ્ધી વેથી ડાયટ કરવી હોય તો પ્રૉપર ડાયટ-પ્લાન જ ફૉલો કરવો જોઈએ.’
અતિની ગતિ નહીં
હદથી વધુ કૉફી લેવા પર કૅફીનને કારણે અનિદ્રા, ચિંતા, હૃદયના ધબકારા વધવા, પેટમાં તકલીફ, ઊલટી કરવાની ઇચ્છા અને માથાના દુખાવા જેવા દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. તમે દિવસમાં ૩ કે ૪ કપ કૉફી પી શકો છો, પરંતુ તમારે ખાંડ કે ક્રીમનો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમે કૉફી ડાયટ ફૉલો કરો છો તો એ પહેલાં એ જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે આ ડાયટ કેવી રીતે કાર્ય કરે છે અને એ કેવી રીતે યોગ્ય રીતે કાર્ય કરે છે. વધુપડતા કૅફીનનું સેવન ચિંતા, અનિદ્રા અને પાચનસમસ્યાઓ જેવી નકારાત્મક આડઅસરો તરફ દોરી શકે છે.
ફાઇબર ઇઝ મસ્ટ
ડૉ. અંકિતા શાહ કહે છે, ‘માત્ર કૉફીનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એટલે કૉફીની સાથે તમારા આહારમાં ઘરે બનાવેલો ઉચ્ચ ફાઇબરવાળો ખોરાક, ફળો અને લીલી શાકભાજીનો પણ સમાવેશ કરો કેમ કે માત્ર કૉફી કૉન્સ્ટિપેશન કરે છે. એટલે પેટ સાફ રાખવા ફાઇબર ઇઝ મસ્ટ છે. આ ઉપરાંત ખોરાકમાં ઓછી કૅલરી અને સારી ચરબીવાળા સ્વસ્થ નાસ્તા, આખાં અનાજ તમારા આહારમાં સામેલ હોવાં જોઈએ. આમાં તમારે પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડથી દૂર રહેવું પડશે. અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ, પૂરતી ઊંઘ અને કસરત શરીર માટે મૅજિકનું કામ કરે છે.’
ડાયટ-પ્લાન પસંદ કરતાં પહેલાં આના પર વિચાર કરજો
જીવનશૈલી : પ્લાન પર આગળ વધવા માટે તમારી દિનચર્યા અને પસંદગીઓને અનુરૂપ યોજના પસંદ કરો.
સ્વાસ્થ્ય : લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને પર્યાવરણીય પ્રભાવને પ્રાથમિકતા આપતા આહાર પસંદ કરો.
તમારા શરીરને સાંભળો : વિવિધ ખોરાક તમને કેવો અનુભવ કરાવે છે એના પર ધ્યાન આપો અને એ મુજબ ગોઠવણ કરો.
પ્રોફેશનલ સલાહ લો : ન્યુટ્રિશનિસ્ટ અથવા ડાયેટિશ્યન તમને તમારી અનન્ય જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વિકલ્પો આપી માર્ગદર્શન આપી શકે છે.
કૉફી ડાયટ સિવાયના ટ્રેન્ડમાં રહેલા અન્ય ડાયટ-પ્લાન
ઍટ્લાન્ટિક ડાયટ : ઍટ્લાન્ટિક ડાયટ ઉત્તરી પોર્ટુગલ અને ઉત્તર-દક્ષિણ સ્પૅનિશ સમુદાયની દેન છે જેમાં ફળો, શાકભાજી, આખાં અનાજ અને સીફૂડનો સમાવેશ થાય છે. ઍટ્લાન્ટિક ડાયટને ફૉલો કરવાના અનેક ફાયદા છે. એ ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડે છે, પેટની ચરબી ઘટાડે છે અને સ્થૂળતા દૂર કરે છે. એ તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપે છે. એ કાર્ડિયોવૅસ્ક્યુલર રોગોને અટકાવે છે. એનાથી ડિપ્રેશન પણ ઓછું થાય છે.
ગ્લુટન-ફ્રી ડાયટ : એમાં રૉ ફૂડ નથી ખાવામાં આવતું નથી. છેલ્લા થોડા સમયથી સોશ્યલ મીડિયા પર ‘નો રૉ ડાયટ’ (No Raw Diet) ટ્રેન્ડ થવા લાગી છે. નો રૉ ડાયટ એવા પ્રકારની ડાયટ છે જેમાં કાચા ખોરાકનો સમાવેશ થતો નથી. સામાન્ય રીતે આ ડાયટમાં તમામ ખાદ્ય પદાર્થો સારી રીતે રાંધવામાં આવે છે. કેટલીક વાર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ, ચોક્કસ ઍલર્જી ધરાવતા લોકો વગેરે માટે અમુક પ્રકારના કાચા ખોરાકની મનાઈ કરવામાં આવે છે.
મેડિટરેનિયન ડાયટ : એમાં ફળો, શાકભાજી, બદામ, અનાજ અને ઑલિવ તેલનો સમાવેશ થાય છે અને એને સૌથી આરોગ્યપ્રદ ડાયટ ગણવામાં આવે છે.
લો-કાર્બ ડાયટ : મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં આંતરડાંની ચરબી વધવાની શક્યતા વધુ હોય છે. લો-કાર્બ ડાયટ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે એવી ધારણા છે. લો-કાર્બ ડાયટમાં શાકભાજી, ફળો અને બદામનો સમાવેશ થાય છે.
DASH ડાયટ : એનો અર્થ છે ડાયેટરી અપ્રોચિસ ટુ હાઇપરટેન્શન. આ આહાર મુખ્યત્વે હાઈ બ્લડ-પ્રેશરને નિયંત્રિત કરવા માટે રચાયેલો છે પરંતુ એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આમાં ઓછું મીઠું, તાજાં ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળાં ડેરી-ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ફ્લેક્સિટેરિયન ડાયટ : આ એવા લોકો માટે છે જેઓ શાકાહારી ખોરાક પસંદ કરે છે. તેમનો આહાર તાજાં ફળો, શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર છે જે માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી કરતાં પરંતુ શરીરને જરૂરી પોષક તત્ત્વો પણ પ્રદાન કરે છે.

