જો ૬ મહિનાથી દોઢ વર્ષ સુધીની ઉંમરમાં તેને જો દરેક સ્વાદ આપવામાં આવે તો આવાં બાળકો મોટાં થાય ત્યારે ખાવામાં નખરાં કરતાં નથી
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
૬ મહિનાથી લઈને દોઢ વર્ષની ઉંમર સુધીનાં બાળકોના ખોરાક અત્યંત મહત્ત્વના હોય છે. પહેલાં તો એક વસ્તુ સમજવી જરૂરી છે કે બાળકને માના દૂધની સાથે-સાથે બાહ્ય ખોરાકમાંથી પોષણ દેવાનું આ ઉંમરમાં જ શરૂ થાય છે. આ એ ઉંમર છે જ્યારે બાળકને દાંત હોતા નથી માટે ફક્ત લિક્વિડ ખોરાક જ તે ખાઈ શકે છે. બાળક જન્મે અને ૧ વર્ષનું થાય એ ૧ વર્ષની અંદર તેનું વજન પાંચ ગણું વધે છે એટલે કે એનો વિકાસ એટલો થાય છે. આ સમયમાં જો પોષણ ઘટ્યું તો એ વિકાસ પર અસર પડે છે માટે જરૂરી છે કે આ દરમ્યાન તેના ખોરાકનું ઘણું ધ્યાન રાખવામાં આવે.
બાળકને દૂધ છોડીને બીજી વસ્તુઓ ખવડાવવી અઘરી છે, કારણ કે મોટા ભાગનાં બાળકો જેટલી સરળતાથી દૂધ પીએ છે એટલી સરળતાથી ખાતાં નથી, પરંતુ એ માટે માના પ્રયત્નો અગત્યના છે. અમુક બાળકો શરૂઆતમાં ખાતાં જ નથી. મોઢામાંથી કાઢી નાખે, રડવા લાગે, ચમચી માટે મોઢું ખોલે જ નહીં વગેરે, પરંતુ આવા સમયે ધીરજ રાખવી જરૂરી છે. પહેલી જ વારમાં એવું ન સમજો કે તેને ભાવતું નથી એટલે તે ખાતું નથી. હકીકત એ છે કે એ ભાવે એ માટે એનો ટેસ્ટ અત્યારે ડેવલપ કરવાનો છે. તેને ખવડાવશો તો જ તેને ભાવશે, બાકી નહીં ખાય. બાળક ખાઈ લે એ માટે જ્યારે તેને ભૂખ લાગી હોય, જ્યારે તે ખુશ થઈને રમતું હોય ત્યારે જ તેને ખવડાવવું. જો તે એક વખત મોઢામાંથી કાઢી નાખે તો પણ તેને ખવડાવવું. પ્રયત્ન સતત કરવા જરૂરી છે.
ADVERTISEMENT
ઘણા પેરન્ટ્સની ફરિયાદ હોય છે કે તેમનાં બાળકોના ખાવામાં ખૂબ નખરાં છે. જો ૬ મહિનાથી દોઢ વર્ષ સુધીની ઉંમરમાં તેને જો દરેક સ્વાદ આપવામાં આવે તો આવાં બાળકો મોટાં થાય ત્યારે ખાવામાં નખરાં કરતાં નથી. મને આ ભાવે અને આ ન ભાવે એવું આ બાળકોમાં જેને પહેલેથી જ બધાં શાકભાજી અને ફળો ખાધાં છે તેમનામાં જોવા મળતું નથી. જો તેને નહીં ખવડાવો તો ટેસ્ટ ડેવલપ નહીં થાય અને આગળ જતાં મુશ્કેલી થશે. બીજું એ કે ગળ્યો અને ખારો ટેસ્ટ બાળકને ૧ વર્ષની ઉંમર પછી જ ખબર પડે છે. ત્યાં સુધી એ ટેસ્ટ જ બાળકના મોઢામાં આવતો નથી એટલે ૧ વર્ષથી નાનાં બાળકોને ગળ્યું કે ખારું આપવાની જરૂર નથી. ઘણા લોકો આજકાલ બાળકને ૧ વર્ષ સુધી મીઠું આપતા જ નથી એનું આ જ કારણ છે. જોકે આપો તો પણ કઈ નુકસાન નથી.
- ધ્વનિ શાહ