દિવાળીમાં અને દિવાળી પછી પણ શ્વાસ સંબંધિત તકલીફોની ફરિયાદ લઈને અમારી પાસે પહોંચી જનારા દરદીઓ ઘણા વધારે પ્રમાણમાં હોય છે. ફટાકડાના ધુમાડામાં ટૉક્સિક ડસ્ટ હોય છે જે શ્વાસ મારફત સરળતાથી ફેફસાંમાં જતી રહે છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
દિવાળીમાં અને દિવાળી પછી પણ શ્વાસ સંબંધિત તકલીફોની ફરિયાદ લઈને અમારી પાસે પહોંચી જનારા દરદીઓ ઘણા વધારે પ્રમાણમાં હોય છે. ફટાકડાના ધુમાડામાં ટૉક્સિક ડસ્ટ હોય છે જે શ્વાસ મારફત સરળતાથી ફેફસાંમાં જતી રહે છે. જ્યારે આ ધુમાડો નાકમાં શ્વાસ સાથે જાય ત્યારે પહેલાં એ શ્વાસનળીમાં જાય છે. એ ધુમાડામાં રહેલાં કેમિકલ શ્વાસનળીને ઇરિટેટ કરે છે જેને લીધે એ ભાગમાં સોજો આવી શકે છે. સોજો આવી જવાને કારણે ટ્યુબ નાની થઈ જાય છે એટલે કે શ્વાસને જવાનો રસ્તો ઘટી જાય છે. એને લીધે તમને ખાંસી શરૂ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઘણી વાર વ્યક્તિને છાતી ભીંસાતી હોય એમ લાગે અને અસ્થમાનો અટૅક આવ્યો હોય એવું પણ થઈ શકે છે.
આ ધુમાડાથી સૌથી વધુ અસરગ્રસ્ત બીમાર લોકો થાય છે. એ સિવાય બાળકો અને વૃદ્ધોને પણ ખૂબ જલદી અસર થાય છે. જેમનું શ્વસનતંત્ર સેન્સિટિવ હોય એટલે કે જેમને શ્વાસ સંબંધી કોઈ તકલીફ હોય, અસ્થમા કે ઍલર્જીની તકલીફ હોય, COPD હોય તેમના એરવે આમ પણ નાના જ હોય છે. એટલે તેમને આ ધુમાડાની ખૂબ જલદી અસર થાય છે. શ્વાસની તકલીફ આમ તો કોઈ પણને થઈ શકે છે, પરંતુ મોટા ભાગે અસ્થમાના દરદીઓને અને જે લોકો વધુ સ્મોક કરે છે તેમને તો થાય જ છે. કારણ કે અસ્થમાના દરદીઓમાં શ્વસનનો આખો માર્ગ હાઇપર સેન્સિટિવ હોય છે. થોડો પણ પ્રૉબ્લેમ તેમને તરત જ અસર કરે છે. જ્યારે સ્મોકર્સની વાત કરીએ તો એ લોકોના શ્વસનમાર્ગમાં પહેલેથી જ સોજો હોય છે એટલે થોડો પણ આ ઝેરી ધુમાડો તેમના શ્વાસમાં જાય કે એ લોકો તરત બ્રેથલેસ થઈ શકે છે એટલે કે તેમને શ્વાસમાં તકલીફ થઈ શકે છે, છાતી એકદમ ભીંસાતી હોય અને અસ્થમા-અટૅક જેવું પણ આવી શકે છે. દિવાળીમાં બ્રૉન્કાઇટિસ અને અસ્થમાની તકલીફમાં મહત્ત્વપૂર્ણ વધારો જોવા મળે છે. એ સિવાય નાનાં બાળકોના એરવે આમ પણ ખૂબ નાના હોય છે અને સંવેદનશીલ પણ હોય છે તેમને આ પ્રકારની અસર ખૂબ જલદી થઈ જાય છે.
ADVERTISEMENT
દિવાળીના દિવસોમાં જે લોકો આ બાબતે સેન્સિટિવ છે તેઓએ રાતે ઘરની બહાર ન જ નીકળવું. ઘરમાં પણ બારી-બારણાં બંધ જ રાખવાં. આદર્શ રીતે વહેલી સવારે પણ બહાર ન નીકળવું. ખાસ કરીને જે લોકો વૉક કરવા જતા હોય તેમણે દિવાળી અને એના પછીના પાંચ દિવસ મૉર્નિંગ વૉક ન કરવું. ખાસ કરીને પાંચ વર્ષથી નાનાં બાળકો અને ૬૦ વર્ષથી ઉપરના લોકોની ખૂબ કાળજી લેવી જરૂરી છે. આ લોકોને ફટાકડાને કારણે શ્વાસની તકલીફ થવાની સંભાવના વધારે હોય છે. -ડૉ. અમિતા દોશી નેને