મોટા ભાગનાં બૅકપેઇન પાછળનાં કારણોમાં લાઇફસ્ટાઇલ પ્રૉબ્લેમ્સ જ વધુ હોય છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
મુખ્યત્વે બેઠાડું જીવનને કારણે, પોશ્ચર પ્રૉબ્લેમને કારણે કે પછી પીઠના સ્નાયુઓ નબળા હોય એને કારણે બૅકમાં પ્રૉબ્લેમ શરૂ થાય છે. મોટા ભાગે લોકો કામ પર ગયા હોય અને રાત્રે ઘરે પાછા આવે ત્યારે તેમને આ પેઇન થતું હોય છે. ખાસ કરીને જ્યારે રિલેક્સ થવા માટે પલંગ પર આડા પડે ત્યારે તેમને આ પેઇન મહસૂસ થતું હોય છે જે સવારે ઊઠે ત્યારે જતું રહ્યું હોય છે. પહેલાં આવું ક્યારેક થતું હોય પછી એના પર ધ્યાન ન આપો એટલે એ વધે અને પછી દરરોજ આ પેઇન થવા લાગે છે. ધીમે-ધીમે દિવસ દરમ્યાન પણ આ પેઇન અનુભવાય છે. આમ, આ પ્રકારનું પેઇન ક્રૉનિક એટલે કે લાંબા ગાળાનું છે. મોટા ભાગે લોકો એને સહન કર્યા કરે છે. ધીમે-ધીમે એ વધતું જાય છે.
જો તમને બૅકપેઇન શરૂ થઈ ગયું હોય તો એની પાછળનું કારણ જાણો. મોટા ભાગનાં બૅકપેઇન પાછળનાં કારણોમાં લાઇફસ્ટાઇલ પ્રૉબ્લેમ્સ જ વધુ હોય છે. જો ખબર પડી જાય કે તમારી લાઇફસ્ટાઇલ અને બેઠાડું જીવનને કારણે જ તમને બૅકપેઇન રહે છે તો એના ઉપાય માટે અમુક વસ્તુઓ કરો. વિટામિન D હાડકાં અને સ્નાયુઓને સશક્ત બનાવવા માટે અત્યંત જરૂરી વિટામિન છે જે માટે દરરોજ સવારે ૨૦ મિનિટ સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે અને સનસ્ક્રીન ઑન ઉપયોગ ટાળવો પણ એટલો જ જરૂરી છે, કારણ કે સારા દેખાવા કરતાં સશક્ત હોવું વધારે મહત્ત્વનું છે.
ADVERTISEMENT
બૅકપેઇન શરૂ થઈ ગયું હોય તો ખોરાક પર ધ્યાન દેવું પણ મહત્ત્વનું છે. કૅલ્શિયમ કે બીજાં કોઈ તત્ત્વોની કમી હોય તો તકલીફ વધી શકે છે. એની પૂરતી થવી જરૂરી છે. ઘરમાં નાનાં-મોટાં કામ જાતે કરવા, બે કલાકથી વધારે એક જગ્યાએ બેસવું નહીં. ઑફિસમાં પણ એક નાની લટાર મારી લેવી. પગ છુટ્ટા થશે તો પણ ફાયદો થશે. સવાર-સાંજ ચાલવા જઈ શકાય તો બેસ્ટ ગણાશે અને એક વ્યવસ્થિત રૂટીન જાળવવું. ફોન પર વાત ચાલતાં-ચાલતાં કરો, પાસેની જગ્યાઓએ ચાલીને જાઓ, ઘરની નાની-મોટી જરૂરિયાતની વસ્તુઓ જેમ કે શાક કે કરિયાણું તમે જ ઉપાડીને લાવો. જો દાદર ચડી શકતા હો તો લિફ્ટનો ઉપયોગ ન જ કરો. સ્ટ્રેસને કારણે પણ બૅકપેઇન થતું હોય છે. આ સ્ટ્રેસથી છુટકારો મેળવવો પણ એટલો જ જરૂરી છે. ફક્ત ફિઝિકલ નહીં, મેન્ટલ સ્ટ્રેસને કારણે પણ બૅકપેઇન થતું હોય છે. યોગ, પ્રાણાયામ શારીરિક અને માનસિક હેલ્થ માટે ઘણા ઉપયોગી સાબિત થશે. ચાલવું અને સ્વિમિંગ કરવું આ બન્ને કસરતો સાવ સેફ છે જેમાં ઇન્જરીની શક્યતા ઘણી ઓછી છે એટલે એ કરી શકાય. તમને ફાવે અને માફક આવે એવી કોઈ પણ એક્સરસાઇઝ દિવસના ૪૫ મિનિટ કરવી અત્યંત જરૂરી છે જેને કારણે સ્નાયુઓ સશક્ત રહે.
- ડૉ. વિભૂતિ કાણકિયા