જે કૂતરાને પોતાને ઇન્ફેક્શન છે એ કૂતરું કોઈ વ્યક્તિને કરડે ત્યારે એની લાળ મારફત વ્યક્તિના શરીરમાં ખાસ કરીને સીધા લોહીમાં આ ઇન્ફેક્શનના વાઇરસ ઘૂસી જાય છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય માણસો સમજે છે કે હડકાયા કૂતરાના કરડવાથી થતો રોગ એટલે હડકવા, પરંતુ ફક્ત એવું નથી. જે કોઈ પ્રાણીને રેબીઝનું ઇન્ફેક્શન થયું હોય તેમના કરડવાથી આ રોગ થાય છે. આમ તો ૯૦ ટકા શેરીમાં રખડતા કૂતરાઓથી જ આ રોગ ફેલાય છે, પરંતુ કૂતરાઓ સિવાય બિલાડી, વાંદરા, શિયાળ અને ચામાચીડિયાના કરડવાથી પણ આ રોગ થાય છે.
જે કૂતરાને પોતાને ઇન્ફેક્શન છે એ કૂતરું કોઈ વ્યક્તિને કરડે ત્યારે એની લાળ મારફત વ્યક્તિના શરીરમાં ખાસ કરીને સીધા લોહીમાં આ ઇન્ફેક્શનના વાઇરસ ઘૂસી જાય છે. આ વાઇરસ લોહીમાંથી સીધા નર્વસ સિસ્ટમ એટલે કે જ્ઞાનતંતુઓ પર હુમલો કરે છે અને સીધા કરોડરજ્જુ સુધી પહોંચી જઈ ત્યાંથી સીધો મગજ પર વાર કરે છે. આમ એ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને શરીરની સાથે-સાથે મગજ પર પણ અસર કરે છે. વ્યક્તિને જ્યારે કૂતરું કરડે છે એના ૨-૩ દિવસમાં હડકવાની અસર દેખાવા લાગે છે. વ્યક્તિને શરીરની નસો ખેંચવા લાગે છે સાથે-સાથે શરીરના લગભગ બધા જ સ્નાયુઓ ખૂબ ખેંચાય છે અને પીડા આપે છે. જેની શરૂઆત ઉદર-પટલના સ્નાયુઓથી થાય છે. આ ઉપરાંત જ્યારે વ્યક્તિ કઈ ખાય કે પીવે એટલે કે મોઢામાં કઈ પણ નાખે તો એના સ્નાયુઓ અત્યંત પેઇન કરે છે આથી આવા દરદીઓમાં ખાસ કરીને જોવા મળે છે કે તેમને હાઇડ્રોફોબિયા થઈ જાય. પાણી પીવાથી એટલું બધું પેઇન થાય કે વ્યક્તિ પાણી પીતા પણ ડરે. સાથે-સાથે તેને શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થાય અને અંતે આપણી શ્વસનક્રિયા પર એની એવી અસર થાય કે શ્વાસ જ બંધ થઈ જાય અને વ્યક્તિ મરી જાય.
ADVERTISEMENT
એક વખત વ્યક્તિને હડકવા થયો પછી એનો કોઈ ઇલાજ નથી અને ઊલટું આ રોગની સાથે-સાથે તે વ્યક્તિનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ જાય છે. સામાન્ય રીતે હડકાયું કૂતરું કરડ્યાના ૭ દિવસની અંદર વ્યક્તિ મૃત્યુ પામે છે, જો તે પ્રૉપર ઇલાજ ન કરાવે તો. કરડ્યા બાદ ૧૦ દિવસની અંદર તે કૂતરું પણ મરી જાય છે. હડકવા કેટલા સમયમાં થઈ જશે એ આમ તો કૂતરાએ કેટલું જોરથી બટકું ભર્યું છે એના પર પણ રહે છે એવું પણ વિજ્ઞાન કહે છે. ઘણા લોકો કૂતરાને ઓળખવાની કોશિશ કરતા હોય છે કે એ હડકાયું કૂતરું નથી એવું સમજીને તેઓ ઇન્જેક્શન નથી લેતાં, જે એક મોટી ભૂલ છે. કોઈ પણ કૂતરું, બિલાડી કે વાંદરું કરડે તો તરત જ ઇન્જેક્શન લેવાં જરૂરી છે. સૌથી મોટી વાત તો એ છે કે આ ઇન્જેક્શન સરકારી દવાખાનાં કે સ્વાસ્થ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક મળે છે.