ફેફસાંનો આ રોગ શા કારણે થાય છે એ હજી સુધી વિજ્ઞાન જાણી શક્યું નથી, પરંતુ ફેફસાંને કાયમ માટે ડૅમેજ કરવાની ક્ષમતા ધરાવતા આ રોગને જડથી દૂર કરી શકાતો નથી
ઘણા વખતથી પલ્મનરી ફાઇબ્રોસિસ હોય તેમને ફેફસાંનું કૅન્સર પણ થઈ શકે છે એટલું જ નહીં, આ રોગને કારણે ફેફસાંમાં બ્લડ ક્લૉટ થઈ શકે છે. આમ આ બધી જ પરિસ્થિતિ જીવલેણ સાબિત થાય છે.
ફેફસાંનો આ રોગ શા કારણે થાય છે એ હજી સુધી વિજ્ઞાન જાણી શક્યું નથી, પરંતુ ફેફસાંને કાયમ માટે ડૅમેજ કરવાની ક્ષમતા ધરાવતા આ રોગને જડથી દૂર કરી શકાતો નથી. આ રોગ થયો એટલે મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ ઇલાજ દ્વારા રોગને કારણે થતી પીડાને ઓછી કરી શકીએ છીએ અને મૃત્યુને થોડું દૂર ધકેલી શકીએ છીએ
ભારતનાં ઉચ્ચતર સન્માનો પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ ત્રણેયથી જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, દુનિયાના ખૂણે-ખૂણે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને પહોંચાડ્યું અને અખૂટ નામના પ્રાપ્ત કરી એવા ઉસ્તાદ ઝાકિર હુસેનનું મૃત્યુ હાલમાં સૅન ફ્રાન્સિસ્કોમાં થયું. તેમના મૃત્યુ પાછળનું કારણ હતું તેમની બીમારી જેને કારણે તેઓ ત્યાંના ICUમાં દાખલ થયા હતા અને આ બીમારી હતી પલ્મનરી ફાઇબ્રોસિસ. આ ફેફસાંની બીમારી છે. આજે જાણીએ કે ઉસ્તાદ ઝાકિર હુસેનને આપણાથી દૂર લઈ જનારી આ બીમારી છે શું અને કોને થઈ શકે છે.
ADVERTISEMENT
બીમારી
માનવશરીરમાં આપણાં ફેફસાં એકદમ સ્થિતિસ્થાપક છે. એમાં હવા જાય એટલે એ ફુગ્ગાની જેમ ફૂલે અને હવા બહાર જાય એટલે એ સંકોચાય. આ ક્રિયા બરાબર થતી રહે એના માટે આ સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે એ જરૂરી છે. ફેફસાં અને એના આ રોગ વિશે સમજાવતાં બૉમ્બે હૉસ્પિટલનાં પલ્મનોલૉજિસ્ટ ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘આ રોગમાં થાય છે એવું કે ફેફસાંની માંસપેશી એટલે કે એની અંદરના ટિશ્યુ કોઈ પણ કારણસર ડૅમેજ થઈ જાય છે જેને કારણે એ જકડાઈ જાય છે અને ફેફસાં એની સ્થિતિસ્થાપકતા ધીમે-ધીમે ગુમાવતાં જાય છે. એટલે કે સામાન્ય રીતે જો સમજીએ તો એક શ્વાસ લઈએ ત્યારે અંદર હવા ભરાવવા માટે ફેફસાંએ જેટલું ફૂલવું જોઈએ એટલું એ ફૂલી શકતું નથી એટલે હવા ઓછી ભરાય છે, જેને કારણે ઑક્સિજન ઓછો મળે છે. આ પરિસ્થિતિને જ પલ્મનરી ફાઇબ્રોસિસ કહે છે. ખાસ કરીને આવા દરદીઓને બેઠા હોય કે સૂતા હોય ત્યારે તકલીફ થતી નથી. જેવું તે ચાલવાનું શરૂ કરે એટલે તેમને તકલીફ થાય છે કારણ કે ત્યારે શરીરને ઑક્સિજનની જરૂર વધુ માત્રામાં હોય છે.’
લક્ષણો શું જોવા મળે?
સૌથી મહત્ત્વની વાત એ છે કે ફેફસાંમાં કોઈ પણ તકલીફ થાય તો લક્ષણો સરળતાથી તરત જ સામે આવી જાય એવું બનતું નથી. પલ્મનરી ફાઇબ્રોસિસમાં પણ આ જ તકલીફ છે. એ વિશે વાત કરતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘આ રોગ શરૂઆતમાં પકડાતો જ નથી કારણ કે તરત જ કોઈ ચિહ્નો સામે આવતાં નથી. જ્યારે ચિહ્નો આવવાની શરૂઆત થાય અને વ્યક્તિ ડૉક્ટર પાસે જાય અને એનું યોગ્ય નિદાન થાય ત્યારે સમજો કે ૬ મહિનાથી લઈને એકાદ વર્ષ વીતી ચૂક્યું હોય છે. એટલે કે વ્યક્તિને આ રોગ છેલ્લા એક વર્ષથી છે અને ખબર આજે પડે છે એવું બને. મુખ્ય ચિહ્નો જોઈએ તો વ્યક્તિને સૂકી ખાંસી થાય અને શ્વાસ ટૂંકો પડે. આ ચિહ્નોથી શરૂઆત થઈને રોગ જેમ-જેમ આગળ વધે એમ શ્વાસની તકલીફ વધતી જાય. શરીર વધુ ને વધુ ઑક્સિજન માગે અને ફેફસાં એ આપવા અસમર્થ બનતાં જાય, જેને કારણે વ્યક્તિ ખૂબ થાકી જાય, વજન ઊતરી જાય, સ્નાયુ અને સાંધા દુખવા લાગે. બાથરૂમ જવા જેવું નાનકડું કામ પણ તેમના માટે મૅરથૉન દોડવા સમાન થઈ જાય. વ્યક્તિ લગભગ પથારીવશ બની જાય અને ધીમે-ધીમે પરિસ્થિતિ મૃત્યુ તરફ આગળ વધતી જાય.’
ગંભીરતા
ઘણી વાર એવું પણ થાય છે કે આ રોગ જેને હોય તેમને ઍસિડ રિફ્લક્સની સમસ્યા હેરાન કરતી હોય છે. એ વિશે વાત કરતાં ગ્લોબલ હૉસ્પિટલનાં પલ્મનોલૉજિસ્ટ ડૉ. નમ્રતા જસાણી કહે છે, ‘જો તમને શ્વાસ ટૂંકો પડતો હોય અને ઍસિડ રિફ્લક્સની તકલીફ પણ હોય તો આ રોગ હોવાની શક્યતા વધુ છે. એના માટે હાઈ રેઝલ્યુશન (HR) ચેસ્ટ CT સ્કૅન ટેસ્ટ કરાવવી પડે છે. આ રોગમાં જ્યારે શ્વાસ ઓછો પડે ત્યારે ઉપરથી ઑક્સિજન આપવાથી રાહત તો મળે છે, પરંતુ એ લાંબા સમયની રાહત હોતી નથી. ફેફસાં ઑક્સિજન પૂરો પાડી શકે એમ નથી એટલે શરીરને જેટલી જરૂર છે એટલો ઑક્સિજન મળી નથી રહ્યો, જેને કારણે હાર્ટને બમણી મહેનત કરવી પડી રહી છે. એવું પણ બનતું હોય છે કે આ દરમિયાન વ્યક્તિને ફેફસાંનું કોઈ ઇન્ફેક્શન લાગી ગયું અને ન્યુમોનિયા થઈ ગયો તો એ પરિસ્થિતિ પણ જીવલેણ હોઈ શકે છે.’
બચાવ
જે રોગનું કારણ આપણે જાણતા નથી એવા રોગનો ઇલાજ અને એનાથી બચાવ બન્ને મુશ્કેલ જ હોય એ સહજ છે. જો બચાવની વાત કરીએ તો ડૉ. નમ્રતા જસાણી કહે છે, ‘જો તમારા ઘરમાં તમારાં મમ્મી કે પપ્પાને આ રોગ હોય તો જિનેટિકલી તમને આ રોગ આવી શકે છે. ઘણા કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે જીન્સને કારણે યુવાન વયે આ રોગ આવી ગયો હોય. પરંતુ મોટા ભાગે આ રોગ ૫૦ વર્ષની ઉંમર પછીના પુરુષોમાં જ વધુ જોવા મળે છે. એની પાછળ પણ કોઈ ખાસ કારણ જાણી શકાયું નથી. આમ કોઈને જો આ રોગથી બચવું હોય તો સ્મોકિંગ ન કરવું અને હવાના પ્રદૂષણથી બચવું જરૂરી છે. બાકી બીજી કોઈ પદ્ધતિ છે નહીં જેનાથી આ રોગ ન થાય કે એનાથી બચી શકાય.’
જટિલતા ખૂબ હોય
આ રોગને કારણે દરદીને પલ્મનરી હાઇપરટેન્શન જેવી જટિલ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. નમ્રતા જસાણી કહે છે, ‘આ એ પ્રકારનું હાઇપરટેન્શન છે જેને લીધે ફેફસાંની નળીઓ અસરગ્રસ્ત થાય છે. આ રોગમાં નળીઓ જો જાડી થઈ ગઈ કે જકડાઈ ગઈ તો એમાંથી લોહી ઓછી માત્રામાં પસાર થઈ શકે અને કોઈ વાર બંધ જ પડી જાય, જેને કારણે ફેફસાંની નળીઓમાં અને હૃદયની જમણી બાજુએ પ્રેશર વધે છે. આ પરિસ્થિતિમાં હૃદયના જમણા ભાગે વધુ પ્રેશર આપીને કામ કરવું પડે છે જેથી લોહીનું પરિભ્રમણ શક્ય બને. આ સિવાય જ્યારે ઑક્સિજન લેવલ ખૂબ જ નીચે જતું રહે ત્યારે આ રોગના દરદીને રેસ્પિરેટરી ફેલ્યર પણ થઈ શકે. જેમને ઘણા વખતથી પલ્મનરી ફાઇબ્રોસિસ હોય તેમને ફેફસાંનું કૅન્સર પણ થઈ શકે છે એટલું જ નહીં, આ રોગને કારણે ફેફસાંમાં બ્લડ ક્લૉટ થઈ શકે છે. આમ આ બધી જ પરિસ્થિતિ જીવલેણ સાબિત થાય છે. રોગ વધુ ને વધુ જટિલ બને છે અને દરદીની પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે.
ઇલાજ નથી, મૅનેજમેન્ટ મસ્ટ
પલ્મનરી ફાઇબ્રોસિસ જેવા જીવલેણ રોગનો શું ઇલાજ છે આપણી પાસે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. નમ્રતા જસાણી કહે છે, ‘આ રોગને જડથી દૂર કરી શકાય એ માટેનો કોઈ ઇલાજ આપણી પાસે નથી. એક વખત ફેફસાં બગડવાનું શરૂ થાય એટલે એ રોગને રિવર્સ કરી શકાય કે ફેફસાંને ફરીથી પહેલાં જેવાં કરી શકાય એ શક્ય જ નથી, પરંતુ આ રોગની વધવાની ગતિને ધીમી પાડી શકાય છે. એવી દવાઓ છે જે દરદીને આ રોગ સાથે કઈ રીતે મૅનેજ કરવું એમાં સહાયક થાય છે અને બીજું એ કે થોડી આયુ વધારવામાં પણ મદદરૂપ થાય છે. બાકી જો ખરેખર કોઈ ટ્રીટમેન્ટ આ રોગ માટે હોય તો એ છે લંગ ટ્રાન્સપ્લાન્ટ. ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ સહેલું તો નથી જ પરંતુ શક્ય છે એના વડે દરદીને નવજીવન આપી શકાય.’
કારણની જાણ નથી
પલ્મનરી ફાઇબ્રોસિસ થવા પાછળ અમુક જાણીતાં કારણોમાં ટૉક્સિનનું વધુપડતું એક્સ્પોઝર, રેડિયેશન થેરપી, અમુક પ્રકારની દવાઓ કે અમુક મેડિકલ કન્ડિશનનો સમાવેશ થાય છે. કોવિડ પછી ઘણા પલ્મનરી ફાઇબ્રોસિસના કેસ આમે આવેલા જેની પાછળનું કારણ કોવિડ જ હતો. આ સિવાય કબૂતરના ચરકને કારણે ફેફસાં પર થતી અસરથી પણ આ રોગ થઈ શકે છે. આ બધાં જ કારણોસર જે રોગ થાય એનું નિદાન થાય તો ચોક્કસ એનો ઇલાજ છે અને દરદીને બચાવી શકાય એમ જણાવતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘પલ્મનરી ફાઇબ્રોસિસની આગળ ઇડિયોપૅથિક લાગે એનો અર્થ એ થાય છે કે આ રોગ શા કારણે થાય છે એ હજી સુધી સાયન્સ જાણી શક્યું નથી. અમુક કારણો છે જે વ્યક્તિને આ જીવલેણ રોગ સુધી દોરી જાય છે, પરંતુ મોટા ભાગે જે લોકોને આ રોગ થાય છે એમાં વધુપડતા લોકોના રોગ પાછળનું કારણ જાણી શકાયું નથી. એટલે કે ફાઇબ્રોસિસ ઘણા પ્રકારનાં હોય પણ એમાં ઇડિયોપૅથિક ફાઇબ્રોસિસ અતિ ગંભીર પ્રકાર છે. આ રોગ ફેફસાંને હંમેશા માટે ડૅમેજ કરી દે છે. એના ઠીક થવાની શક્યતા હોતી નથી. આ એવો રોગ છે. આ રોગ સમય જતાં વકરતો જાય છે. એની વકરવાની ઝડપ દરેક દરદીની પોતાની હોય છે. કોઈને ખૂબ જલદી વકરી જાય છે તો કોઈને ધીમે-ધીમે હાલત ખરાબ થતી જાય છે. મોટા ભાગે આ રોગનું નિદાન થયાનાં ૩-૫ વર્ષની અંદર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.’