બને કે તમારા બાળકને પણ આવી જ કોઈ તકલીફ હોય.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી દીકરી પાંચ વર્ષની છે. તેણે આખું વર્ષ સ્કૂલમાં ખૂબ ધમાલ કરી છે. તેના શિક્ષકો કહે છે કે તે સાંભળતી નથી, ભણતી નથી. અત્યારે તેના ક્લાસમાં બધાને રીડિંગ આવડે છે, તેને નથી આવડતું. બુક્સ જોઈને જ જાણે તેને ગુસ્સો આવવા લાગે છે. તે પ્લે-ગ્રુપમાં હતી ત્યારે તેને સ્કૂલ ખૂબ જ ગમતી હતી. મારી દીકરી ખૂબ જ હોશિયાર અને શાંત છે, પણ હું સમજી નથી શકતી કે એક વર્ષમાં એવું શું થઈ ગયું કે તે તોફાની બની ગઈ. એવું પણ નથી કે તેને સ્કૂલમાં કોઈ હેરાન કરતું હોય. અત્યારે વેકેશન હોવાથી તેને ઘરે પણ મેં રીડિંગ પ્રૅક્ટિસ કરાવી, પરંતુ તેને એ કરવું જ નથી. મારે શું કરવું?
સામાન્ય રીતે બાળક સ્કૂલમાં જાય અને ભણવામાં કોઈ પ્રૉબ્લેમ થાય તો મા-બાપ વિચારતા હોય છે કે તેનું ભણવામાં ધ્યાન નથી, તે ખૂબ રમતિયાળ છે, તે તોફાની છે વગેરે વગેરે. પરંતુ ઘણી વાર બાળકને કોઈ તકલીફ હોય છે. ઘણા કેસમાં અમે જોયું છે કે લર્નિંગ ડિસેબિલિટી હોવાને કારણે બાળક ભણવાનું ટાળતું હોય છે. બને કે તમારા બાળકને પણ આવી જ કોઈ તકલીફ હોય. કોઈ બાળકને કોઈ વસ્તુ સમજાતી જ નથી, છતાં એનો મારો ચલાવવામાં આવે તો બાળમાનસ પર એની ખરાબ અસર પડી શકે છે. તેનો આત્મવિશ્વાસ હલી જાય છે. તે લઘુગ્રંથિથી પીડાવા લાગે છે. એમાંથી બહાર આવવા તે ખૂબ તોફાની બની જાય કે જીદ્દી બની જાય એવું પણ બને. લર્નિંગ ડિસેબિલિટીની સાઇકોલૉજિકલ અસરો ખૂબ ઊંડી હોય છે માટે મા-બાપે વધુ સતર્ક રહેવું જરૂરી છે. બાળકના દરેક વર્તન પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે એ સમજવું જરૂરી છે. થોડું એને ઊંડાણથી સમજશો તો સમજાશે કે ખરેખર તેની તકલીફ શું છે.
ADVERTISEMENT
જો તમારું બાળક હોશિયાર હોય, કોઈ પણ વસ્તુ સારી રીતે સમજી શકતું હોય, સ્માર્ટ હોય છતાં ભણવામાં તેને કોઈ તકલીફ હોય તો તેને તરત જ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પાસે લઈ જાઓ. જ્યાં અલગ-અલગ પદ્ધતિથી એ વાતનું નિદાન થઈ શકે કે બાળકને તકલીફ ક્યાં છે. જેટલી જલદી તકલીફ હાથમાં આવે એટલી બાળક માટે ફાયદાકારક સાબિત થઈ શકે. લર્નિંગ ડિસેબિલિટીની મોટી તકલીફ એ જ છે કે એનું યોગ્ય નિદાન થવું જોઈએ, જેના માટે માતા-પિતા અને શિક્ષકોએ જાગ્રત થવું જોઈએ.