વૃદ્ધાવસ્થામાં ઘૂંટણની તકલીફ ઘણી સામાન્ય છે અને એ થવા પાછળ મોટા ભાગે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ જ જવાબદાર હોય છે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૭૦ વર્ષનો થયો. મારું વજન આમ તો પહેલેથી જ થોડું વધુ હતું, પણ એને લીધે કોઈ તકલીફ નહોતી. હવે ચાલુ છું તો ઘૂંટણનો દુખાવો શરૂ થઈ ગયો છે. ડૉક્ટરે કહ્યું કે આર્થ્રાઇટિસની શરૂઆત છે. હાડકાં ઘસાવાનાં શરૂ થઈ ગયાં છે, જેમાં મારો ઘૂંટણ સૌથી પહેલાં ખરાબ થવાનો શરૂ થયો છે. હું એકલો હોવાથી કોઈને આધીન થઈને રહેવું પોસાય એમ નથી. આ ઘસારાને રોકવા શું કરું, કારણ કે પથારીવશ થવું મને પોસાય એમ નથી. હું જાણું છું કે ઉંમરને રોકી નથી શકાતી, પરંતુ શું એવું કઈ કરી શકું જેથી હું મારા કામ જાતે કરવાની ક્ષમતા જીવનભર ધરાવી શકું? હાલમાં ડૉક્ટરના કહેવા મુજબ મેં કૅલ્શિયમ, વિટામિન ‘ડી’નાં સપ્લિમેન્ટ્સ શરૂ કર્યાં છે.
ઉંમર સાથે શરીરમાં જે ઘસારો લાગે એ સ્વાભાવિક છે. ઘૂંટણ આપણા શરીરનું એ અંગ છે જે આખા શરીરનો ભાર ઉપાડે છે. જો તમે ઇચ્છતા હો કે મોટી ઉંમરે પણ તમારું હલન-ચલન જરાય અસર ન પામે તો ઘૂંટણની માવજત જરૂરી છે. દરેક સિનિયર સિટિઝન ઇચ્છે છે કે કોઈને આધીન થઈને ન રહેવું પડે. પોતાનું કામ તે જાતે કરી શકે અને પથારીવશ જીવન ન વિતાવે. આ માટે ઘૂંટણ સશક્ત રાખવા જરૂરી છે. વૃદ્ધાવસ્થામાં ઘૂંટણની તકલીફ ઘણી સામાન્ય છે અને એ થવા પાછળ મોટા ભાગે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ જ જવાબદાર હોય છે. તમે પ્રયત્ન સાથે આ દુખાવાને ઓછો કરી શકો છો અને તમારા હલનચલનને અસર ન પડે એનું ધ્યાન રાખી શકો છો. હાડકાંના ઘસારાને રોકી ન શકાય, પરંતુ એની સ્પીડ ધીમી પાડી શકાય છે, જે જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઍપેન્ડિક્સની સર્જરી ટાળી ન શકાય?
આ માટે તમે સપ્લિમેન્ટ્સ લેવાનાં શરૂ કરી દીધાં એ સારું કર્યું. એ સિવાય ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓને તમે મજબૂત કરો. જો આ સ્નાયુઓની તાકાત વધારવામાં આવે તો ઘૂંટણના ઘસારાને રોકી શકાય છે. જો તમને ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ છે તો તમારે તાત્કાલિક વજન ઓછું કરવાની જરૂર છે. જો તમે મેદસ્વી હો તો સીડી ઊતર-ચડ કરવાનું રિસ્ક લેવું મુર્ખામી છે. આ જ રીતે નીચે ન બેસો, પલાઠી ન વાળો. તમારે ક્યારેય જાતે એક્સરસાઇઝ ન કરવી, ખાસ કરીને ત્યારે જ્યારે તેમને એક્સરસાઇઝ વિશે વધુ સમજ નથી. એક્સપર્ટની સલાહ મુજબ ઘૂંટણને બિલકુલ નુકસાન ન થાય, પરંતુ ફાયદો થાય એવી જ એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ.