હેલ્થ-કૉન્શિયસ લોકો બ્રાઉન બ્રેડ ખાવાનું પસંદ કરે છે કેમ કે એ ઘઉંમાંથી બને છે. જોકે માર્કેટમાં મળતી બધી જ બ્રાઉન બ્રેડ ઘઉંની નથી હોતી.
બ્રાઉન બ્રેડ
હેલ્થ-કૉન્શિયસ લોકો બ્રાઉન બ્રેડ ખાવાનું પસંદ કરે છે કેમ કે એ ઘઉંમાંથી બને છે. જોકે માર્કેટમાં મળતી બધી જ બ્રાઉન બ્રેડ ઘઉંની નથી હોતી. હેલ્ધી બ્રેડની વધી રહેલી ડિમાન્ડને પગલે મેંદાની બ્રેડમાં આર્ટિફિશ્યલ કલર નાખીને બનાવેલી બનાવટી બ્રેડનો રાફડો ફાટ્યો છે ત્યારે સાચી બ્રાઉન બ્રેડની પરખ કેવી રીતે કરવી એ વિશે ફૂડ-ઍનૅલિસ્ટ પાસેથી જાણીએ
આરોગ્યપ્રદ જીવનશૈલી માટે હેલ્ધી ડાયટ અપનાવવાનું ચલણ વધ્યું છે. મેંદાથી બનતી વાઇટ બ્રેડને બદલે ઘઉંથી બનતી ફાઇબરયુક્ત બ્રાઉન બ્રેડ ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે, પણ શું આ બ્રેડ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે સારી છે? માર્કેટમાં બ્રાઉન બ્રેડની ડિમાન્ડ વધતાં નકલી બ્રેડ પણ આવી રહી છે તેથી તમારી ડાયટમાં જે બ્રાઉન બ્રેડ સામેલ કરી છે એ અસલી છે કે નકલી એ જાણવું બહુ જરૂરી છે. તાજેતરમાં એક ડાયટિશ્યને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર નકલી બ્રાઉન બ્રેડ મેકિંગ પ્રોસેસનો વિડિયો શૅર કર્યો હતો. એમાં કલર નાખીને બ્રેડ બનાવવામાં આવી રહી હતી. વિડિયો સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું હતું કે બ્રાઉન બ્રેડ જેટલી પૌષ્ટિક હોવાના દાવા થતા હોય છે એ હકીકતમાં પૌષ્ટિક હોતી નથી. બ્રાઉન બ્રેડ અસલી છે કે નકલી એ જાણવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે એ વિશે થાણેમાં રહેતાં ફૂડ-ઍનૅલિસ્ટ જાસવંદી શિંદે પાસેથી જાણીએ.
ADVERTISEMENT
કેવી રીતે ઓળખશો?
બ્રાઉન બ્રેડ એટલે લોકોને લાગે કે થોડી ચૉકલેટી કલરની બ્રેડ હશે અને એ જ અસલી હોય છે તો એવું નથી. જ્યારે ઘઉંના દાણા પીસાઈને લોટ બહાર આવે છે તો એ ઑફવાઇટ કલરનો હોય છે. એ ૧૦૦ ટકા મેંદાના લોટની ન બનતી હોવાથી એને બ્રાઉન બ્રેડ કહેવાય છે. ૧૦૦ ટકા ઘઉંથી બનેલી બ્રેડમાંથી શરીરને ફાઇબર મળે છે. એ મેંદાની બ્રેડ કરતાં થોડી ડાર્ક એટલે બિસ્કિટ બ્રાઉન કલરની હોય છે. એ બેક થયા બાદ થોડી બ્રાઉન દેખાય છે, જ્યારે મેંદાની બ્રેડ વાઇટ કલરની જ હોય છે. મેંદાની બ્રેડ કરતાં બ્રાઉન બ્રેડ બનાવવાનો ખર્ચ વધુ હોવાથી વધુ નફો કમાવાની લાયમાં દુકાનદારો એમાં આર્ટિફિશ્યલ કલર નાખીને બ્રાઉન બ્રેડના નામે વેચે છે. આવી બ્રેડમાં શુગરનું પ્રમાણ પણ વધુ હોવાથી ભવિષ્યમાં બ્લડ-શુગર સ્પાઇક, પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ, અચાનક વજન વધવાની સમસ્યાઓ થઈ શકે છે.
ફૂડ-લેબલ બહુ મહત્ત્વનાં
નકલી બ્રાઉન બ્રેડની ઓળખ કરવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે અને એમાંથી સૌથી મહત્ત્વનું છે બ્રેડના પૅકેજિંગ પર છાપેલી માહિતી. દુકાનમાંથી બ્રૅન્ડેડ બ્રેડ ખરીદતા પહેલાં એને બનાવવા માટે નાખેલી સામગ્રીઓનું લિસ્ટ ધ્યાનથી જોવાં. જો બ્રાઉન બ્રેડમાં ઘઉંના લોટને બદલે રિફાઇન્ડ ફ્લોર કે મેંદાનો સમાવેશ હોય તો એ બ્રેડ બનાવટી છે. આ ઉપરાંત એમાં ફૂડમાં કલર ફ્લેવર અને ટેક્સ્ચરને વધારવા માટે નખાતાં કેમિકલ, પ્રિઝર્વેટિવ્સ કે આર્ટિફિશ્યલ કલરનું પ્રમાણ લખેલું હોય તો એ બ્રેડનો સમાવેશ પણ નકલી બ્રાઉન બ્રેડમાં જ થાય છે. તેથી આવી બ્રેડને ખરીદવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ગ્રાહક માટે સૌથી મહત્ત્વની ચીજ હોય છે ફૂડ પૅકેટનું લેબલ. એના પર દર્શાવેલી સામગ્રીના આધારે નક્કી થાય છે કે એ હેલ્ધી છે કે નહીં. તેથી જો બ્રેડના પૅકેટ પર સામગ્રી અને એના પ્રમાણની માહિતી ન હોય તો એને ખરીદવી નહીં.
ટેક્સ્ચરથી પણ ખબર પડી શકે
વાઇટ બ્રેડ અને બ્રાઉન બ્રેડનાં ટેક્સ્ચર અલગ-અલગ હોય છે. તેથી બ્રાઉન બ્રેડના નામે જો મેંદાની બ્રેડ આપે તો ટેક્સ્ચર પરથી અંદાજ લગાવી શકાય કે બ્રાઉન બ્રેડ અસલી છે કે નકલી. મેંદાથી બનેલી બ્રેડનું ટેક્સ્ચર સ્પન્જ જેવું હોય છે, પણ બ્રાઉન બ્રેડનું ટેક્સ્ચર થોડું મૉઇશ્ચરવાળું હોય છે. જો બ્રાઉન બ્રેડ ખરીદો અને તમને સ્પન્જી ટેક્સ્ચર લાગે તો સમજી લેવું કે એ બ્રેડ નકલી છે.
ઘરે બનાવી શકો હેલ્ધી બ્રેડ
લોકલ એરિયાની બેકરીમાં બનતી બ્રેડ સારી ક્વૉલિટીની હોય છે, પણ બધા કેસમાં એવું હોતું નથી. તેથી જો લોકલ બેકરીમાંથી બ્રાઉન બ્રેડ ખરીદો છો તો એને ખરીદતી વખતે બેકિંગ પ્રોસેસ અને એમાં યુઝ થતી સામગ્રી વિશે જાણી લેવું. હજી એક સોલ્યુશન એ પણ છે કે તમે ઘરે જ ઘઉંના લોટમાંથી બ્રેડ બનાવો. એમાં ૧૦૦ ટકા ક્વૉલિટી કન્ટ્રોલ તમારા હાથમાં હશે અને હેલ્થ માટે પણ બેસ્ટ રહેશે. આ ઉપરાંત ઓટ્સ અને બાજરા અથવા મલ્ટિગ્રેન લોટની બ્રેડ પણ સ્વાસ્થ્યવર્ધક હોવાથી વધુ પોષક તત્ત્વો મળશે.