રિલેશનશિપ સમયે બન્ને વચ્ચે ખૂબ સારા સંબંધો, પણ જૉબ માટે છોકરો કૅનેડા ગયા પછી ધીમે-ધીમે એવું બનવા માંડ્યું કે બન્ને વચ્ચે ફોન પર ઝઘડા થાય
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
આ પ્રશ્ન સીધી ને સરળ રીતે કોઈએ પૂછ્યો હોય એવું યાદ નથી, પણ આ પ્રશ્નના જવાબની અસર ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે અને એટલે જ હમણાં એક કપલ મળવા આવ્યું ત્યારે તેમની સાથે એ વિશે વાત કરી.
એ કપલનાં હજી મૅરેજ નહોતાં થયાં. બન્નેની રિલેશનશિપ ફૅમિલીએ સ્વીકારી લીધી એટલે અનઑફિશ્યલી, પણ એ બન્ને ઑફિશ્યલી હતાં. છોકરો છે તે કૅનેડા જૉબ કરે અને છોકરી છે તે મુંબઈમાં રહે. રિલેશનશિપ સમયે બન્ને વચ્ચે ખૂબ સારા સંબંધો, પણ જૉબ માટે છોકરો કૅનેડા ગયા પછી ધીમે-ધીમે એવું બનવા માંડ્યું કે બન્ને વચ્ચે ફોન પર ઝઘડા થાય. ઝઘડાની માત્રા શરૂઆતમાં રીઝનેબલ કહેવાય એવી, પણ જેમ-જેમ દિવસો પસાર થતાં જાય એમ-એમ એ ઝઘડાની ઇન્ટેન્સિટી પણ તીવ્ર થવા માંડે. છથી આઠ મહિના આવું ચાલે અને પછી બન્નેને મળવાનો અવસર મળે એટલે પાછું બધું નૉર્મલ થઈ જાય. આ વખતે એ લોકો વચ્ચેનો કજિયો થોડા મોટા સ્વરૂપમાં આવી ગયો અને બન્નેએ નક્કી કર્યું કે આપણે આ રિલેશન પૂરા કરીએ. કોઈ ડાહ્યા માણસે તેમને સલાહ આપી કે આવું જાતે નક્કી કરી લેવા કરતાં બેટર છે તમે કોઈ કાઉન્સેલરને મળો.
બન્ને મળવા આવ્યાં અને તેમના પ્રશ્નની ચર્ચા શરૂ થઈ. થોડી વાત થઈ ત્યાં જ એક તારણ હાથ પર આવ્યું અને એ તારણની સાથે પ્રશ્નોત્તરીઓ શરૂ થઈ. બન્ને વચ્ચે ફિઝિકલ રિલેશન સિવાયના સંબંધમાં આત્મીયતાનો અભાવ હતો. બન્નેની ચૅટ સાવ ફૉર્મલ હતી તો બન્ને વચ્ચે દિવસ કે વીક દરમ્યાન ક્યારેય એવી કોઈ ઇમોશનલ અટેચમેન્ટ સાથે વાતો પણ થતી નહીં. સ્વભાવિક છે કે જો તમારી વચ્ચે લાગણીઓ દૃઢતાના રૂપમાં આવે નહીં તો તમે જે-તે સંબંધોની સાથે પછી ફૉર્મલ થવા માંડો. એ બન્ને સાથે પણ એ જ થયું હતું.
હું ઘણાં યંગ કપલને કહેતો હોઉં છું કે ઇન્ટિમેટ રિલેશન જેટલા મહત્ત્વના છે એટલો જ મહત્ત્વનો બે વ્યક્તિ વચ્ચેનો રોમૅન્સ છે અને આપણી સંસ્કૃતિની વાત કરીએ તો આપણે રોમૅન્સના આધારે જ ટક્યા છીએ. ઘણાની ફરિયાદ છે કે મેસેન્જરમાં ઘણા લોકો હોય એટલી અમારી વાતો એકધારી થઈ નથી શકતી. મારું કહેવું હોય છે કે તમે તમારી દુનિયા બનાવો, તમે સરળતા સાથે એવા મેસેન્જર પર જાઓ જ્યાં બીજા કોઈની હાજરી હોય નહીં. એકાદ એવું મેસેન્જર હોવું જોઈએ, જેમાં તમારે એવું રાખવાનું કે બીજા કોઈ અલાઉડ નહીં, માત્ર તમે બે અને તમારી પ્રાઇવસી. આજની હાડમારી વચ્ચે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ નવી વાત નથી, પણ તમે એકબીજાને મળો નહીં ત્યાં સુધી એકમેક પ્રત્યે તમારાં ઇમોશન અકબંધ રહે એ જરૂરી છે, નહીં તો પછી સંબંધો કોહવાઈ શકે છે.