રેગ્યુલર બેઝિસ પર પ્લાસ્ટિકના ટિફિનનો ઉપયોગ કરવાથી કઈ રીતે એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે
પ્રતીકાત્મક તસવીર
તમે ઑફિસમાં લઈ જવા માટે ભલે હેલ્ધી ફૂડ પ્રિપેર કરતા હો પણ જો એને તમે પ્લાસ્ટિકના ટિફિનમાં પૅક કરી રહ્યા છો તો એ ફૂડ અનહેલ્ધી બરાબર છે. પ્લાસ્ટિક બનાવવા માટે જે ટૉક્સિક કેમિકલનો ઉપયોગ થાય છે એ ભોજન સાથે ભળીને ગંભીર બીમારીનો ભોગ બનાવે છે. આજે એક્સપર્ટ પાસેથી જાણીએ કે રેગ્યુલર બેઝિસ પર પ્લાસ્ટિકના ટિફિનનો ઉપયોગ કરવાથી કઈ રીતે એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેમ જ એના વિકલ્પ તરીકે બીજાં કેવા પ્રકારનાં લંચબૉક્સ માર્કેટમાં અવેલેબલ છે
તાજેતરમાં જ ઍક્ટર ગુરમીત ચૌધરીએ હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ એક કદમ આગળ વધારીને પ્લાસ્ટિકના બદલે સ્ટીલનું લંચબૉક્સ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું એની વાત સોશ્યલ મીડિયા પર શૅર કરીને સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘મેં પ્લાસ્ટિકના ટિફિન-બૉક્સનો ઉપયોગ કરવાનું બંધ કરીને સ્ટીલનું ટિફિન-બૉક્સ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. તમારે પણ સ્ટીલના ટિફિન-બૉક્સનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. પ્લાસ્ટિકની સરખામણીમાં આ એક હેલ્ધી વિકલ્પ છે, કારણ કે સ્ટીલના ટિફિન-બૉક્સમાં હાનિકારક કેમિકલ્સ આપણા ભોજનમાં ભળવાનો ભય રહેતો નથી. પ્લાસ્ટિકની તુલનામાં સ્ટીલના ટિફિન-બૉક્સમાં ભોજન ફ્રેશ રહે છે અને એનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે. સાથે જ સ્ટીલનાં ટિફિન-બૉક્સ ઇકો-ફ્રેન્ડ્લી છે. એ સરળતાથી રીસાઇકલ થઈ જતાં હોવાથી પર્યાવરણ માટે પણ એ સારાં છે.’
ADVERTISEMENT
પ્લાસ્ટિકની આપણા સ્વાસ્થ્ય પર થતી અસરને લઈને અનેક રિસર્ચ થયાં. આપણે આપણા રોજિંદા જીવનમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ ન કરી શકીએ, પણ એને સીમિત કરી શકીએ. આના જ એક ઉપાય તરીકે આપણે ઑફિસમાં સ્ટીલના ટિફિનમાં લંચ પૅક કરીને લઈ જઈએ તેમ જ બાળકોને પ્લાસ્ટિકને બદલે સ્ટીલના ડબ્બામાં નાસ્તો ભરીને આપીએ એ ખૂબ જરૂરી છે.
ગુરમીત ચૌધરીએ પ્લાસ્ટિકના લંચ-બૉક્સ છોડીને સ્ટીલના ડબ્બા વાપરવાનું શરૂ કર્યું છે.
પ્લાસ્ટિક આ રીતે પહોંચાડે નુકસાન
મોટા ભાગનાં ઘરોમાં પ્લાસ્ટિકનું ટિફિન-બૉક્સ યુઝ કરવાનું ખૂબ સામાન્ય છે. પ્લાસ્ટિકનાં ટિફિન-બૉક્સ પ્રમાણમાં થોડાં સસ્તાં હોય છે. ઉપરથી એ વજનમાં પણ હળવાં હોય. સાથે જ એ સાઇઝમાં પણ કૉમ્પૅક્ટ હોય એટલે સરળતાથી એને બૅગમાં લઈને જઈ શકાય. એથી લોકો પ્લાસ્ટિકનાં ટિફિન-બૉક્સ લઈ જવાનું વધારે પ્રિફર કરે છે. જોકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એવો ખ્યાલ પણ નથી કરતા એ લાંબા ગાળે આપણી હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વાર આવી નાની-નાની વસ્તુની પણ શરીરના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડતી હોય છે. પ્લાસ્ટિકનું લંચ-બૉક્સ કઈ રીતે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. વર્ષા પટેલ જોશી કહે છે, ‘પ્લાસ્ટિકના ટિફિન-બૉક્સનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે ત્યારે ધીમે-ધીમે એનું પ્લાસ્ટિક ડીગ્રેડ થવા લાગે છે. ઝીણા-ઝીણા માઇક્રોપ્લાસ્ટિક એમાં જે ફૂડ પૅક કરીએ એમાં મિક્સ થવા લાગે છે. આમ માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરની અંદર દાખલ થાય છે. એ સિવાય પ્લાસ્ટિક બનાવવા માટે અનેક પ્રકારનાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થાય છે એટલે પ્લાસ્ટિકના ટિફિનમાં કોઈ ગરમ વસ્તુ ભરવામાં આવે અથવા તો એને માઇક્રોવેવમાં રાખીને ગરમ કરવામાં આવે ત્યારે એમાં રહેલાં કેમિકલ્સ રિલીઝ થઈને આપણા ફૂડમાં ભળે છે. એટલે જ ઘણી વાર પ્લાસ્ટિકના ટિફિન-બૉક્સમાં આપણે જે ફૂડ ભર્યું હોય એની ફ્રેશનેસ જળવાયેલી રહેતી નથી. એમાં રહેતાં કેમિકલ્સને કારણે ઘણી વાર આપણને એના ટેસ્ટમાં ફેર લાગતો હોય છે. એ સિવાય પ્લાસ્ટિકના ટિફિનને આપણે ગમેએટલું ધોઈને સાફ કરીએ એમ છતાં એમાં વિશેષ પ્રકારનાં ડાઘ અને ગંધ રહી જતાં હોય છે. એમાં સરળતાથી સ્ક્રૅચિસ પણ પડી જતા હોય છે એટલે એને હાઇજીનિક અને ક્લીન રાખવાનું અઘરું થઈ પડે છે. આ બધાં કારણોસર પ્લાસ્ટિકના ટિફિનમાં બૅક્ટેરિયા જમા થવાનું રિસ્ક પણ વધી જતું હોય છે.’
BPA-ફ્રી પ્લાસ્ટિક કેટલું સેફ?
છેલ્લાં અમુક વર્ષોમાં લોકોમાં જાગરૂકતા વધી છે. પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વપરાતું બિસ્ફેનોલ A (BPA) સબસ્ટન્સ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સર્જી શકે છે એવું અનેક રિસર્ચમાં પણ બહાર આવ્યું છે. એટલે જ આજકાલ પ્લાસ્ટિકનાં ટિફિન-બૉક્સનું માર્કેટિંગ BPA-ફ્રી પ્રોડક્ટ તરીકે કરવામાં આવે છે. અહીં સવાલ એ છે કે શું BPA-ફ્રી પ્લાસ્ટિકના ટિફિનનો ઉપયોગ કરવો સેફ છે? આનો જવાબ આપતાં ડૉ. વર્ષા કહે છે, ‘પ્લાસ્ટિકની પ્રોડક્ટને મજબૂત અને ટકાઉ બનાવવા માટે BPA જેવાં કેમિકલનો ઉપયોગ થાય છે. અનેક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે BPA જેવા કેમિકલનું એક્સપોઝર ઇન્ફર્ટિલિટી, અસંતુલિત હૉર્મોન્સ, હૃદય સંબંધિત બીમારી, ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, ઓબેસિટી, કૅન્સર જેવા રોગોનું જોખમ વધારી શકે છે. આને લઈને લોકોમાં આવેલી અવેરનેસને ધ્યાનમાં લઈને BPA-ફ્રી પ્લાસ્ટિકનાં ટિફિન-બૉક્સ, બૉટલ, કપ વગેરે જેવી પ્રોડક્ટ્સ બનાવતી થઈ છે. જોકે વાસ્તિવકતા એ છે કે કોઈ પ્રોડક્ટ BPA-ફ્રી છે એટલે વાપરવા માટે એ સુરક્ષિત છે એવું નથી. એમાં ભલે BPAનો ઉપયોગ ન થયો હોય, પણ એના વિકલ્પ તરીકે જે પણ ટૉક્સિક કેમિકલ વપરાયાં હોય એ પણ હાનિકારક તો હોય જ છે. એવી જ રીતે ઘણાં પ્લાસ્ટિકનાં ટિફિન-બૉક્સ માઇક્રોવેવ-સેફ હોવાના ટૅગ સાથે વેચવામાં આવે છે. જોકે વાસ્તિવકતામાં માઇક્રોવેવની અંદર પ્લાસ્ટિકનું ટિફિન રાખ્યા બાદ એમાંથી હાનિકારક કેમિકલ રિલીઝ થતાં જ હોય છે. એમાં પણ જો રેગ્યુલર બેઝિસ પર પ્લાસ્ટિકના ટિફિનને માઇક્રોવેવમાં રાખવામાં આવતું હોય તો સમય સાથે એનો હીટ રેઝિસ્ટન્ટ પાવર પણ ઓછો થતો જ હોય છે. એટલે જ પ્લાસ્ટિકના પર્યાય તરીકે સ્ટીલના ટિફિન-બૉક્સનો ઉપયોગ કરવો જ હિતકારક છે.’
સ્ટીલ કેમ બેસ્ટ?
માર્કેટમાં પ્લાસ્ટિક, સિલિકૉન, ગ્લાસ, સ્ટીલ જેવાં ડિફરન્ટ મટીરિયલનાં ટિફિન-બૉક્સ અવેલેબલ છે. એ બધામાંથી સ્ટીલનાં ટિફિન-બૉક્સ જ સૌથી સારો વિકલ્પ છે એ વિશે માહિતી આપતાં ડૉ. વર્ષા કહે છે, ‘પ્લાસ્ટિકનાં ટિફિન-બૉક્સ લાઇટવેઇટ અને લીક-પ્રૂફ હોય એટલે ટ્રાવેલિંગ દરિમયાન એને સાથે લઈ જવાં સારાં પડે, પણ એ આપણા અને પર્યાવરણ બન્ને માટે હાનિકારક છે. આજકાલ સિલિકૉનના ટિફિનની બોલબાલા વધી છે. પ્લાસ્ટિકની સરખામણીમાં સિલિકૉનનાં ટિફિન-બૉક્સ એક સારો વિકલ્પ છે. એ પણ લીક-પ્રૂફ અને લાઇવેઇટ હોય છે, પણ એમાં પણ પેટ્રોકેમિકલ્સ હોય છે અને એને રીસાઇકલ કરવાનું પણ એટલું સરળ નથી. ગ્લાસનાં ટિફિન-બૉક્સ પણ વાપરવામાં સારાં હોય છે, કારણ કે એ નૉન-ટૉક્સિક, રીસાઇક્લેબલ અને સાફ કરવામાં સરળ હોય છે. જોકે કાચનું ટિફિન-બૉક્સ તૂટી-ફૂટી ન જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે સૌથી સારો વિકલ્પ સ્ટીલનાં ટિફિન-બૉક્સ જ છે. એક તો એ નૉન-રીઍક્ટિવ મટીરિયલમાંથી બનેલાં હોય છે એટલે કેમિકલ રીઍક્શનનો કોઈ ભય હોતો નથી. બીજું, એને સાફ કરવાનું ખૂબ સરળ છે એટલે એમાં બૅક્ટેરિયા જમા થવાનું જોખમ નથી. ત્રીજું, પ્લાસ્ટિકના ટિફિનની જેમ સ્ટીલના ટિફિનમાં ભોજનની ગંધ બેસી જતી નથી. ચોથું, એ ટકાઉ અને ઇકો-ફ્રેન્ડ્લી હોય છે. સ્ટીલના લંચબૉક્સનો ફક્ત એટલો ગેરલાભ છે કે એ વજનમાં થોડાં ભારે હોય છે. અગાઉ સ્ટીલનાં લંચબૉક્સમાં લીકેજનો પ્રૉબ્લેમ હતો, પણ હવે એવું નથી રહ્યું. માર્કેટમાં લીક- પ્રૂફ સ્ટીલનાં ટિફિન ઈઝીલી અવેલેબલ છે. સ્ટીલના ટિફિનમાં લાંબા સમય સુધી જમવાનું ગરમ રહેતું નથી એ પણ સત્ય છે. આજકાલ એનું પણ સોલ્યુશન આવી ગયું છે. ઇન્સ્યુલેટેડ સ્ટીલના ટિફિનમાં આરામથી લાંબો સમય સુધી જમવાનું ગરમ રહે. એક કદમ આગળ વધીને આજકાલ ઇલેક્ટ્રિક ટિફિન-બૉક્સ માર્કેટમાં આવી ગયાં છે. એમાં તો ફૂડને ગરમ કરવા માટે માઇક્રોવેવની જરૂર પણ પડતી નથી. ડાયરેક્ટ તમે પાવર કેબલને પ્લગ ઇન કરીને તમારું જમવાનું ઇન્સ્ટન્ટ્લી ગરમ કરી શકો છો.’
મોટા ભાગે લોકો સ્ટીલના ડબ્બાનો ઉપયોગ એટલા માટે નથી કરતા કેમ કે એ માઇક્રોવેવમાં મૂકી શકાતા નથી. જોકે હવે અંદરથી સ્ટીલનાં અને બહારથી ઇન્સ્યુલેશન ધરાવતાં ટિફિન-બૉક્સ પણ આવી ગયાં છે. બૅટરી ઑપરેટેડ હીટરથી સંચાલિત હોય છે એટલે બટન દબાવતાં જ અંદરનું ફૂડ ગરમ થઈ જાય છે.