કૉર્ટિકૉસ્ટિરૉઇડ એવા પ્રકારનાં ઇન્જેક્શન છે જે સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઘૂંટણના સાંધાની કાર્ટિલેજ ધીમે-ધીમે ઘસાય એવી પરિસ્થિતિ એટલે ઘૂંટણનું ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસ. શરૂઆતમાં તમે ડૉક્ટર પાસે જાઓ તો આ તકલીફ માટે એટલે ફિઝિયોથેરપી, દવાઓ કે જીવનશૈલીમાં પરિવર્તન કરવાની સલાહ તમને આપવામાં આવે છે જેનાથી ઘૂંટણની અવસ્થાને તમે બગડતી ધીમી પાડી શકો છો, પરંતુ એનો છેલ્લો ઇલાજ ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી જ છે, પરંતુ અમુક પ્રકારનાં ઇન્જેક્શન છે જે સર્જરી પહેલાંનો થોડો સમય દરદીને સારી રીતે કાઢવામાં મદદરૂપ થઈ શકે છે.
કૉર્ટિકૉસ્ટિરૉઇડ એવા પ્રકારનાં ઇન્જેક્શન છે જે સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. એ ઘૂંટણના સાંધામાં મારવામાં આવે છે. ન વ્યક્તિને ઘણાં અઠવાડિયાં કે મહિનાઓ સુધીની રાહત આપવા સક્ષમ છે. એની અસર વ્યક્તિગત છે. જ્યારે વ્યક્તિનો દુખાવો અસહ્ય હોય અને સોજો વધારે હોય એવી પરિસ્થિતિમાં એ ઘણું ઉપયોગી સાબિત થાય છે. જે દુખાવો તો ઘટાડે જ છે અને એની સાથે-સાથે ઘૂંટણના હલનચલનમાં પણ ફાયદો આપે છે. જોકે આ કોઈ લાંબા ગાળાનો ઉપાય નથી. માટે વધુ પડતો ઉપયોગ ન જ કરવો, કારણ કે એ ઘૂંટણને ડૅમેજ કરી શકે છે. બીજું એ કે ઍડ્વાન્સ લેવલના ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસમાં કારગત નથી.
ADVERTISEMENT
આ સિવાય બીજું ઇન્જેક્શન છે હાયલ્યુરૉનિક ઍસિડ ઇન્જેક્શન. સાંધામાં એક પ્રવાહી રહેલું હોય છે જેને સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય છે. આ ઇન્જેક્શન આ ફલ્યુઇડ માટે સપ્લિમેન્ટનું કામ કરે છે. લુબ્રિકેશન વધારે છે અને શૉકઍબ્સૉર્બ કરવામાં મદદરૂપ થાય છે. જે વ્યક્તિને માઇલ્ડ ટુ મોડરેટ પ્રકારનું ઘૂંટણનું ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસ હોય તેમને માટે એ મહત્ત્વનું છે જે દુખાવાને ઘટાડે છે અને હલનચલનને સરળ બનાવે છે.
ત્રીજા પ્રકારનું ઇન્જેક્શન છે પ્લેટલેટ રિચ પ્લાઝમા ઇન્જેક્શન - લોહીમાં રહેલા પ્લેટલેટને અલગ કરીને સીધું ઘૂંટણના સાંધામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે કારણ કે પ્લેટલેટ ગ્રોથ માટે અતિ મહત્ત્વનું ફૅક્ટર છે જેને કારણે તૂટી ગયેલા ટિશ્યુ સાંધી શકાય છે, એટલું જ નહીં, નવા પણ બનવા માંડે છે. આમ એ ફક્ત દુખાવો ઓછો નથી કરતું પરંતુ ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસની ઝડપને પણ મંદ કરે છે. આ ઇન્જેક્શન ઘણાં સેફ છે.
એ સિવાય સ્ટેમ સેલ ઇન્જેક્શન પણ છે, જેમાં સ્ટેમ સેલ્સ જેને દરદીના ખુદના બોનમેરોમાંથી પ્રાપ્ત થાય છે એને સીધા ઘૂંટણના સાંધામાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે, પરંતુ આ પ્રયોગ અને એને કારણે થતા ફાયદા હજી રિસર્ચ સુધી સીમિત છે. વ્યક્તિને કયા પ્રકારનાં ઇન્જેક્શન મદદરૂપ થઈ શકે છે એનું માર્ગદર્શન ડૉક્ટર પાસેથી લઈ લેવું.
- ડૉ. અમિત મહેતા (ડૉ. અમિત મહેતા જાણીતા ઑર્થોપેડિક સર્જ્યન છે. પ્રતિભાવ માટે ઈ-મેઈલ કરી શકો છો.)

