વયસ્કોમાં આપણે સામાન્ય રીતે એવું જોતા હોઈએ છીએ કે તેઓ જીવનમાં સાવ નિષ્ક્રિય થઈ જાય છે. એને કારણે તેમનું જીવન હતાશા અને નિરાશામાં ધકેલાઈ જાય છે. આ બધામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે એ છે જિજ્ઞાસાવૃત્તિ
પ્રતીકાત્મક તસવીર
નાનાં બાળકો જિજ્ઞાસુ હોય છે. દુનિયાને સમજવા માટે ઉત્સુક હોય છે. તેમને જે વસ્તુની ખબર ન હોય એને લઈને તેઓ સતત માતા-પિતાને સવાલ પૂછતાં રહે છે એટલે તેમનો વિકાસ થાય છે. આપણે મોટા થઈએ એ પછી જિજ્ઞાસાવૃત્તિ ઓછી થતી જાય છે. એમાં પણ વયસ્ક થયા પછી તો વ્યક્તિને જીવનમાં નવું જાણવાની કે શીખવાની ઇચ્છા જ થતી નથી. આ જ કારણ છે કે તેઓ નિષ્ક્રિય બનતા જાય છે. અનેક રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે વ્યક્તિ જેટલી જિજ્ઞાસુ હોય એટલું તે સુખી અને લાંબું જીવન જીવી શકે છે.
જે વ્યક્તિમાં જિજ્ઞાસાવૃત્તિ હોય તે નવી-નવી વસ્તુ શીખવામાં રસ ધરાવતી હોય. એને કારણે તેનું બ્રેઇન ઍક્ટિવ રહે છે. તેની મેમરી સારી થાય. એટલે તેને ઑલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારીનું જોખમ ઓછું થતું જાય છે. બીજું એ કે જિજ્ઞાસાને કારણે લાઇફ વધુ ઍક્ટિવ થાય છે. નવા-નવા માણસો સાથે મુલાકાત થાય. તેમની સાથે બહાર હળવા-મળવાનું થાય. એને કારણે શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે. એટલે આ રીતે વ્યક્તિમાં જિજ્ઞાસા હોય તો તેનું શારીરિક અને માનસિક બન્ને સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
ADVERTISEMENT
જિજ્ઞાસા કઈ રીતે જગાવવી?
તમને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાનો શોખ હોય, ડાન્સ શીખવાનો શોખ હોય, ગાવાનો શોખ હોય તો એ શીખો.
જ્ઞાનમાં વધારો કરવા તેમ જ જીવનમાં નવો દૃષ્ટિકોણ મેળવવા માટે વિવિધ પ્રકારનાં પુસ્તકો વાંચો. પઝલ્સ, ક્રૉસવર્ડ્સ જેવી ગેમ રમો, જે તમારું માઇન્ડ શાર્પ રાખે.
હરવા-ફરવાનું રાખો. નવી જગ્યાએ જાઓ. ત્યાંની સંસ્કૃતિ વિશે જાણો. નવા લોકો સાથે હળોમળો એટલે તમારા સામાજિક સંબંધો મજબૂત થાય. તેમની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરો.
આજના ડિજિટલ યુગમાં ટેક્નૉલૉજીથી દૂર ભાગવાને બદલે એ શીખવાનો પ્રયત્ન કરો. એનાથી તમે તમારી આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર રહેશો.

