વિશ્વમાં સૌથી વધુ પિવાતું આ પીણું બેધારી તલવાર જેવું છે. આજે ઇન્ટરનૅશનલ કૉફી દિવસ નિમિત્તે કૉફી કઈ રીતે પીવામાં આવે તો બેસ્ટ ફાયદા આપે એ જાણી લો
લિવરની બીમારી થતાં બચાવે કૉફી
આવો દાવો કર્યો છે અમેરિકન રિસર્ચરોએ. અલબત્ત, આ વાત સાંભળીને રોજ કૉફી પીવાથી ફૅટી લિવર સારું થઈ જશે એવું માની લેવાની જરૂર નથી. વિશ્વમાં સૌથી વધુ પિવાતું આ પીણું બેધારી તલવાર જેવું છે. આજે ઇન્ટરનૅશનલ કૉફી દિવસ નિમિત્તે કૉફી કઈ રીતે પીવામાં આવે તો બેસ્ટ ફાયદા આપે એ જાણી લો
ચાના રસિયા તો ભારતમાં જ જોવા મળશે પણ કૉફીનો ક્રેઝ તો આપણા દેશની સાથે આખી દુનિયામાં જોવા મળે છે. કૉફીનું અતિસેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય એ વિશે તો બધા બોલે છે, પણ એનું મર્યાદિત સેવન શરીર માટે અમૃત સમાન છે એ ગણ્યાગાંઠ્યા લોકોને જ ખબર છે. લેટેસ્ટ અમેરિકન સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે ફૅટી લિવર માટે કૉફી દવાનું કામ કરે છે. જોકે આ કંઈ પહેલો દાવો નથી. આ પહેલાં પણ કૉફીના અનેક હેલ્થ બેનિફિટ્સ ગણાવાયા છે. જેમ કે ચોક્કસ માત્રામાં કૉફી પીવાથી ટાઇપ-ટૂ ડાયાબિટીઝમાં શુગર કન્ટ્રોલ થાય છે. પાર્કિન્સન્સ ડિસીઝના દરદીઓનો ચેતાતંતુઓ પરનો કન્ટ્રોલ કૉફીથી સુધરે છે. હાર્ટ-ડિસીઝ અને હાર્ટ-ફેલ્યરના શરૂઆતના ફેઝમાં કૉફીથી ફાયદો થાય છે. કૉફી પીનારાઓમાં સ્ટ્રોકનું જોખમ ઘટે છે એટલું જ નહીં, અમુક કૅન્સર્સના પ્રિવેન્શનમાં પણ કૉફી ભાગ ભજવે છે એવું કહેવાય છે. તો ચાલો આજે બહુ વગોવાયેલી કૉફીના ફાયદાઓ છે એ વિશે નિષ્ણાત સાથે વાત કરીએ.
ADVERTISEMENT
લિવરની બીમારી થતાં બચાવે કૉફી
કૉફી પીવાથી લિવરની બીમારીમાં અને ખાસ તો એમાં સંઘરાયેલી ચરબીમાં ઘટાડો થાય છે એવો દાવો અમેરિકન સ્ટડી દ્વારા થાય છે. લિવર માટે કૉફીનું સેવન કઈ રીતે ફાયદાકારક છે એ વિશે મુલુંડમાં રહેતાં ડાયટિશ્યન સલોની ભટ્ટ કોરડિયા કહે છે, ‘ફૅટી લિવરની સમસ્યા ધરાવતી વ્યક્તિને જો બ્લેક કૉફી આપવામાં આવે એ ડેફિનેટલી ફાયદાકારક જ છે. ફૅટી લિવર એટલે લિવરની આસપાસ જરૂરિયાત કરતાં વધુ જમા થતી ચરબી. આ સમસ્યાને કારણે ખોરાકને પચવામાં મુશ્કેલી થાય છે. કૉફીનું સેવન કરવાથી લિવરમાં જમા થયેલી ચરબી ઓછી થાય છે. કૉફી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે લિવરમાં ફૅટ જમા થવા દેતાં નથી. ફૅટી લિવરની સમસ્યા ન પણ હોય તો કૉફી આ સમસ્યા થવા દેતી નથી. દૂધ અને સાકર વગરની બ્લૅક કૉફીમાં ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી ગુણો હોય છે જે લિવરનાં ફંક્શન્સ નૉર્મલ કરે છે. લિવરમાં પણ લાઇફસ્ટાઇલ ડિસીઝમાં અલગ-અલગ પ્રકારની બીમારી લોકોને થતી હોય છે. એમાં મોટા ભાગના લોકોને NAFLD (નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝ) થાય છે. બ્લૅક કૉફીનું મર્યાદિત અને નિયમિત સેવન કરવામાં આવે તો આ બીમારી થશે જ નહીં. સિરૉસિસની બીમારીમાં પણ કૉફી લિવરને પ્રોટેક્ટ કરે છે. ફૅટી લિવર વર્ષો સુધી હોય ત્યારે લિવર ઠપ્પ થઈ જાય છે અને એ કડક થવા લાગે એને સિરૉસિસ કહેવાય. ફૅટી લેવરનું ધ્યાન રાખવામાં ન આવે તો એના પછીના તબક્કામાં સિરૉસિસ થાય. લિવરનું ધ્યાન ન રાખવામાં આવે ત્યારે આ પ્રકારની બીમારીઓ થઈ શકે. લિવરનું સીધું કનેક્શન હાર્ટ સાથે હોય છે. તેથી કૉલેસ્ટરોલની સમસ્યા ધરાવતા દરદીને પણ જો કૉફી પીવડાવવામાં આવે તો એ લિવરના કામની સાથે-સાથે કૉલેસ્ટરોલનું મેકૅનિઝમ પણ બેટર કરે છે.
બ્લૅક કૉફી સુપર હેલ્ધી
ફાયદા વિશે સાંભળીને જો તમે કૉફીના ગ્લાસ પેટમાં ઠાલવવાનું શરૂ કરી દેવાના હો તો થોભો. કેવા પ્રકારની કૉફી પીવી જોઈએ એ સમજાવતાં સલોની કહે છે, ‘માર્કેટમાં અનેક પ્રકારની દેશીવિદેશી કૉફી ટ્રેન્ડમાં છે. સાઉથ ઇન્ડિયાની ફેમસ ફિલ્ટર કૉફી હોય કે પછી અમેરિકાની સ્પેશ્યલ કૅપુચીનો, એસ્પ્રેસો અને લાતે અને કોલ્ડ કૉફી; બધી જ કૉફીમાં દૂધ અને સાકરનું પ્રમાણ તો હોય જ છે. સાકરનું પ્રમાણ ઓછું અથવા નહીંવત્ રાખીને દૂધવાળી કૉફી પીવામાં કોઈ નુકસાન નથી, પણ હા, એને વ્યસન ન બનાવતાં મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું હિતકારી રહેશે. રહી વાત કોલ્ડ કૉફીની, તો એને ખાલી પેટે લેવી ન જોઈએ. સાંજે અથવા રાતે એક નાનો કપ લઈ શકાય પણ મારા મતે બ્લૅક કૉફી હેલ્થ માટે સુપર હેલ્ધી છે. આ કોઈ પણ વ્યક્તિ પી શકે છે. પાંચ ગ્રામ જેટલા કૉફી પાઉડરને દોઢસો ml જેટલા ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી શરીરને કોઈ નુકસાન પહોંચતું નથી. સામાન્યપણે દિવસમાં બે વાર એટલે કે સવાર અને સાંજ એમ આ પ્રકારની કૉફી પી શકાય છે. જો કોઈને ઍસિડિટીનો પ્રૉબ્લેમ હોય તો તેણે ખાલી પેટ કૉફી પીવી નહીં. કૉફીનો નેચર ઍસિડિક હોવાથી સવારે કૉફી લેવામાં આવે તો એની રિવર્સ ઇફેક્ટ થઈ શકે છે અને તબિયત બગડી શકે છે. તેથી કૉફી પીતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.’
એનર્જી બૂસ્ટર
કૉફીમાં વિટામિન B2, B5 અને B1 હોય છે જે રોગો સામે લડવાની તાકાત આપે છે. વર્કઆઉટ દરમિયાન કૉફી બહુ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. કૉફીમાં રહેલા કૅફિનને કારણે મેન્ટલ અલર્ટનેસને બૂસ્ટ કરે છે એટલે કે મગજને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે, એડ્રિનલિન લેવલને વધારે છે જેને કારણે ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની કૅપેસિટી વધે. ટૂંકમાં કહીએ તો જિમ શું, કોઈ પણ પ્રકારના ફિઝિકલ વર્કઆઉટને બેટર કરવા માટે કૉફી ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત હૅપી હૉર્મોન્સને રિલીઝ કરવામાં પણ કૉફી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ હૉર્મોનને સેરોટોનિન કહેવાય છે. ઘણી વાર સુસ્ત વાતાવરણ અને આળસને કારણે કંઈ કામ કરવાનું મન નથી થતું ત્યારે કૉફી પીએ તો થોડું ફ્રેશ ફીલ થાય છે. મૂડને સારો બનાવવા માટે કૉફી પીવામાં આવે તો એ એનર્જી બૂસ્ટ કરવાનું કામ કરે છે.
આ તકલીફો હોય તો કૉફીથી અંતર જાળવજો
ઍસિડિટીની સમસ્યા ધરાવતા હોય તેમણે સવારે કૉફી પીવાની આદત હોય તો પહેલાં કાળી દ્રાક્ષનું પાણી પીવું જોઈએ અને એની ૧૫ મિનિટ પછી કોઈ પણ કૉફી પી શકાય. તેમ છતાં પણ જો તકલીફ થાય તો કૉફી ન પીવી જોઈએ.
ડાયાબિટીઝના દરદીઓને સાકર અને દૂધવાળી કૉફીનું સેવન ટાળવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓને કૉફીનું સેવન કરવાની સલાહ અપાતી નથી, કારણ કે એ શરીરમાં રક્ત પરિભ્રમણ પર અસર કરે છે અને લોહીનો પૂરતો પુરવઠો ગર્ભ સુધી પહોંચી શકતો નથી અને બાળકને નુકસાન પહોંચે છે.
જો તમને સ્ટ્રેસની સમસ્યા હોય તો તમારે કૉફી વિશે વિચારવું પણ ન જોઈએ. નિષ્ણાતોના મતે વધારે પડતી કૉફી પીવાથી શરીરમાં કૉર્ટિઝોલ હૉર્મોન અનિયંત્રિત થઈ જાય છે, જે સમસ્યામાં વધારો કરે છે.
કૉફીના જેટલા ફાયદાઓ છે એટલાં નુકસાન પણ છે. કૅફિનનું અતિસેવન અથવા સ્ટ્રૉન્ગ કૉફી પીવાની આદત ડિહાઇડ્રેશન તરફ દોરી જાય છે. તેથી ૧૦ ગ્રામથી વધુ કૉફીનું સેવન કરવું ન જોઈએ.
કૉફી અને સાકરનું કૉમ્બિનેશન હાનિકારક હોય છે. સલોની કહે છે કે શરૂઆતમાં સાત દિવસ સાકર વગરની કૉફી પીઓ તો નહીં ભાવે પણ પછી સાકરવાળી પીશો તો નહીં ભાવે.
બુલેટપ્રૂફ કૉફી પીધી છે?
માર્કેટમાં આમ તો ઘણા પ્રકારની કૉફી મળે છે, એમાં હેલ્ધી કૉફી કઈ છે અને એને બનાવવાની પદ્ધતિ વિશે વાત કરતાં સલોની જણાવે છે, ‘આજકાલ માર્કેટમાં બુલેટપ્રૂફ કૉફી ટ્રેન્ડમાં છે. નામ જાણીને લોકોને એના વિશે વધુ જાણવાની આતુરતા થાય છે એ સ્વાભાવિક છે. હું મારા ક્લાયન્ટ્સને આ પ્રકારની હેલ્ધી કૉફી પીવાની સલાહ આપું છું. બુલેટપ્રૂફ કૉફી બનાવવા માટે પાંચ ml જેટલું દેશી ઘી અથવા કોકોનટ ઑઇલ બ્લૅક કૉફીમાં નાખો અને સરખી રીતે બ્લેન્ડ કરો. ઘી અને ઑઇલને બદલે ગ્રાસફેડ બટરનો વપરાશ પણ કરી શકાય. આ કૉફીનું સેવન ખાલી પેટ કરી શકાય. ઍસિડિટી હોય તેણે આ કૉફી પીવી નહીં પણ ડાયાબિટીઝ, હાઈ BP, PCOS, કૉલેસ્ટરોલ, વેઇટલૉસ અને વર્કઆઉટ કરતા હોય એ લોકો દિવસની શરૂઆતમાં બુલેટપ્રૂફ કૉફી પી શકે છે. આ કૉફી શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઓછું કરે છે. બુલેટપ્રૂફ કૉફી આખા દિવસના ઇન્સ્યુલિનને મેઇન્ટેન કરવાનું કામ કરે છે. આ રીતે દિવસ ચાલુ કરવામાં આવે તો એને કારણે ભૂખ ઓછી લાગશે અને વેઇટલૉસ થશે. દૂધ અને સાકર વગરની નૉર્મલ બ્લૅક કૉફીમાં ઝીરો કૅલરી હોય છે ત્યારે બુલેટપ્રૂફ કૉફી ૪૫ કૅલરી આપશે. આ કૉફીને સૌથી હલ્ધી માનવામાં આવે છે. આમ તો સાકર વગરની કૉફી પીવી સારી છે.