આમ તો મધ બારેમાસ ખાઈ જ શકાય છે, પણ ગરમીની સીઝનમાં ખાવાના અઢળક ફાયદા છે
મધ
ઉનાળાની ઋતુમાં ગરમી અને ઉકળાટને કારણે પાચનક્રિયા ધીમી અથવા નબળી પડતી હોવાથી શરીરને વધુ ઠંડક આપે અને પચે એવા હળવાફૂલ આહારનું સેવન કરવું જોઈએ એવું કહેવાતું હોય છે. જોકે ઉનાળામાં ખવાતા હેલ્ધી ફૂડમાં મધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મધના ગુણો શરીરને ઠંડક આપે એવા હોવાથી એ આ સીઝનમાં શા માટે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે એ ડાયટ ક્ષેત્રે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતી ડાયટિશ્યન માનસી પડેચિયા પાસેથી જાણીએ.
એનર્જી-બૂસ્ટર
ADVERTISEMENT
ઉનાળામાં તાપમાન વધવાને કારણે થાક અનુભવાય છે. આપણે કંઈ કામ ન કરીએ તો પણ ઉનાળાની ઋતુમાં કારણ વગર થાક લાગતો હોય છે એટલે કે ફ્રેશ ફીલ થતું નથી. આવું એટલા માટે થાય છે કારણ કે ગરમ અને ભેજવાળી હવામાં આપણી એનર્જી શોષાઈ જાય છે. આવું એક વાર નહીં પણ સમર સીઝન દરમિયાન છાશવારે થતું હોય છે. મધમાં ગ્લુકોઝ અને ફ્રક્ટોઝ નામની પ્રાકૃતિક શુગર હોય છે; જે સામાન્યપણે મધ, ફળો અને શાકભાજીમાંથી મળી આવે છે. જો એનું મર્યાદિત અને નિયમિત સેવન કરવામાં આવે તો એ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અથવા તો શરીરમાં રહેલી એનર્જીને જાળવી રાખે છે. આથી આપણે એમ કહી શકીએ કે મધ એક પ્રકારનું એનર્જી-બૂસ્ટર છે. આ ઉપરાંત મધમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ એટલે કે બૅક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ હોવાથી એ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. ઋતુ ચેન્જ થાય એટલે આહારમાં પણ બદલાવ આવે છે. આ સમયગાળામાં શરીર નબળું પડે છે અને એ સમયે જો મધ ખાવામાં આવે તો એ ઇમ્યુન-સિસ્ટમને સ્ટ્રૉન્ગ રાખવાનું કામ કરે છે. મધમાં ફ્રી રૅડિકલ્સ દ્વારા થતા નુકસાનથી રક્ષણ આપનારાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે, એમાંથી વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી રહે છે.
અનિદ્રાની સમસ્યા દૂર કરે
ગરમીની ઋતુમાં બફારો અને ઉકળાટ વધુ રહેતો હોવાથી સારી ઊંઘ આવતી નથી અને એને લીધે અનિદ્રાની સમસ્યા સર્જાય છે. અનિદ્રા માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ બગાડવાનું કામ કરે છે. આવામાં ઘરગથ્થુ નુસખાઓ તરીકે મમ્મી કે દાદી રાત્રે સૂતા પહેલાં એક ચમચી મધ ખાવાનું કહેતાં હોય છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે મધના સેવનથી શરીરમાં રહેલું ઇન્સ્યુલિન-લેવલ વધે છે અને એમાં રહેલું ટ્રિપ્ટોફન નામનું અમીનો ઍસિડ સરળતાથી બ્રેઇનમાં એન્ટર થાય છે અને સ્લીપ રેગ્યુલેટ કરે છે. બેડ પર જતાં પહેલાં એક ચમચી મધનું સેવન બૉડીને રિલૅક્સ કરવાનું કામ કરે છે અને ઊંઘની ક્વૉલિટીને સુધારે છે.
ઇન્ટર્નલ હાઇડ્રેશન આપે
ઉનાળામાં શરીરમાંથી પાણી અને એનર્જી શોષાતાં હોવાથી એને હાઇડ્રેટ રાખવું બહુ જ જરૂરી હોય છે. હાઇડ્રેશનનું કામ પાણી અને એનર્જી ડ્રિન્ક્સ તો કરે જ છે પણ મધમાં ભરપૂર પ્રમાણમાં પોટૅશિયમ અને સોડિયમ જેવાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે હાઇડ્રેશન માટે બહુ જરૂરી માનવામાં આવે છે. મધમાં નૅચરલ શુગર અને કાર્બોહાઇડ્રેટ્સ પણ હોવાથી ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની સાથે હાઇડ્રેશન લેવલને પણ જાળવી રાખે છે.
વેઇટ-મૅનેજમેન્ટ માટે ઉપયોગી
મધમાં શુગર હોવા છતાં વેઇટલૉસ માટે ફિટનેસ એક્સપર્ટ મધ ખાવાની સલાહ આપે છે એનું કારણ એ છે કે મધમાં શુગર હોય છે, પણ એ શરીરને નુકસાન પહોંચાડે એવી નથી. એ નૅચરલ શુગર હોવાથી શરીરને ફાયદા આપશે, પણ એનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવામાં આવે તો જ. મધમાં ફૅટનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અને હેલ્ધી ડાયટ મેઇન્ટેન કરવાની સાથે મધનું સેવન કરવામાં આવે તો ફૅટલૉસ થશે જ.
સ્કિન રિફ્રેશ કરે
મધ શરીરની ઇન્ટરલ હેલ્થની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. ઉનાળામાં સનબર્નને લીધે ત્વચા ડૅમેજ થતી હોય છે ત્યારે મધમાં રહેલા કૂલિંગ એજન્ટ્સ ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે અને સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે. આ ઉપરાંત ખીલ માટે કારણભૂત ગણાતા બૅક્ટેરિયાને મારી નાખીને ચહેરા પરના ડાઘ હટાવીને ત્વચાને વધુ ચમકદાર બનાવે છે. મધનું સેવન શરીર અને ત્વચાને અંદરથી તો પોષણ આપે જ છે અને સ્કિનકૅરમાં પણ મધનો વ્યાપક ઉપયોગ થાય છે. સનટૅનને દૂર કરવા માટે મધમાં દહીં મિક્સ કરીને ટૅન થયેલી જગ્યાએ લગાવીને ૧૫-૨૦ મિનિટ સુધી રાખવું અને પછી ધોઈ નાખવું. આવું કરવાથી સનટૅન દૂર થાય છે. ઘણા લોકોને ઉનાળામાં રૅશિઝ અને અળાઈની સમસ્યા હોય છે ત્યારે મધને ઍલોવેરા જેલમાં મિક્સ કરીને લગાવવાથી એ ત્વચાને ઠંડક આપવાની સાથે અળાઈને પણ દૂર કરે છે. ઘણા લોકો સ્કિનને હાઇડ્રેટેડ રાખવા મધને ચહેરા પર થોડી વાર લગાવીને ઠંડા પાણીથી ધોઈ નાખે છે એ પણ બહુ સારું કહેવાય. એને દૂધમાં મિક્સ કરીને અઠવાડિયામાં એક વાર ફેસપૅક તરીકે લગાવવામાં આવે તો ત્વચાના ડેડ સ્કિન સેલ્સ રિમૂવ થતા જાય છે. મધને ગ્રીન ટી કે લેમન ટીમાં નાખીને પણ લઈ શકાય, એ પણ શરીર અને સ્કિનને બેનિફિટ્સ આપશે.
આયુર્વેદમાં મધનું મહત્ત્વ
આયુર્વેદમાં મધને મધુ તરીકે ઓળખવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર મધ વાત, પિત્ત અને કફને સંતુલિત કરતું હોવાથી એને ત્રિદોષનાશક કહેવાયું છે. એ રુચિકર એટલે કે ભૂખ વધારનાર અને પાચનશક્તિને સુધારનારું છે. શરદી, ઉધરસ અને શ્વસનસંબંધિત રોગોમાં મધનું સેવન બહુ લાભકારી માનવામાં આવે છે. ઈજા પહોંચી હોય અને એવા સમયે જો મધને લગાવવામાં આવે તો એની રિકવરી ઝડપથી થાય છે. એનું નિયમિત અને મર્યાદિત સેવન લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. શરીરમાં જમા થતાં ટૉક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને ત્વચાની ચમકને વધારે છે. જો કોઈને મધથી ઍલર્જી હોય અથવા ડાયાબિટીઝ હોય તેમને મધના સેવનની સલાહ અપાતી નથી. આમ તો મધમાં પ્રાકૃતિક શુગર હોવાથી ડાયાબેટિક પેશન્ટ એને ખાઈ શકે, પણ એને આરોગતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
ઘેરબેઠાં કરો શુદ્ધતાની ચકાસણી
બજારમાં મળતું મધ શુદ્ધ હોય જ એવું જરૂરી નથી. ઘણી બ્રૅન્ડ્સ એમાં પ્રોસેસ્ડ સાકર, ગ્લુકોઝ અને કેમિકલની ભેળસેળ કરતી હોય છે. પરિણામે મધથી થતા ફાયદાઓ શરીરને મળતા નથી. કેમિકલયુક્ત અથવા ભેળસેળવાળું મધ ખાવાથી કોઈને પાચનસંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને એનું અતિસેવન ભવિષ્યમાં પેટસંબંધિત નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. શુદ્ધ શહદની ઓળખ કરવા માટે ઘરે બેઠાં કેટલીક ટેસ્ટ કરી શકાય.
વૉટર ટેસ્ટ : એક ગ્લાસ પાણી લો. એમાં અડધી ચમચી મધ નાખો. જો મધ સીધું તળિયે બેસી જાય તો સમજી લેવું કે એ પ્યૉર છે અને જો એ પાણીમાં મિક્સ થઈ જાય તો એ પ્યૉર નથી.
ફ્લેમ ટેસ્ટ : રૂના પૂમડાને મધમાં થોડું ડિપ કરો અને પછી એને માચીસથી સળગાવવાનો પ્રયાસ કરો. જો એ તરત જ સળગી જાય તો સમજવું કે એ શુદ્ધ છે. જો એ તરત ન સળગે તો એમાં પાણી, સાકર અને અન્ય કેમિકલ્સની ભેળસેળ હોઈ શકે છે.
થમ્બ ટેસ્ટ : મધને થોડું અંગૂઠા પર રાખો અને જો એ ફેલાય નહીં અને એક જ જગ્યાએ ચીપકેલું રહે તો એનો અર્થ છે કે એ શુદ્ધ છે.
પેપર ટેસ્ટ : મધને એક કાગળમાં રાખો. જો એ શુદ્ધ હશે તો કાગળને ભીનો કરશે નહીં અને જો એ નકલી અથવા ભેળસેળિયું હશે તો તરત જ કાગળ ભીનો થવા લાગશે.

