Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૧૦૦માંથી ૨૭ પુરુષોને જીવનકાળ દરમ્યાન આ તકલીફ થાય છે

૧૦૦માંથી ૨૭ પુરુષોને જીવનકાળ દરમ્યાન આ તકલીફ થાય છે

Published : 19 November, 2024 08:28 AM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

એ છે હર્નિયા. પહેલાંના જમાનામાં તો આ સમસ્યાને કારણે મોટી વયના પુરુષો ખૂબ હેરાન થતા, પણ હવે એની સારવાર માટે ખૂબ આધુનિક લેપ્રોસ્કોપિક સર્જરીના વિકલ્પ આવી ગયા છે જેને કારણે હેરાન થવાની જરૂર નથી રહી.

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ મેન્સ ડે

પ્રતીકાત્મક તસવીર


 આજે નિષ્ણાતો પાસેથી જાણીએ કે શા માટે આ સમસ્યા પુરુષોમાં જ વધુ જોવા મળે છે અને એને પ્રિવેન્ટ કરવા માટે શું થઈ શકે


નાભિ, પેડુ કે જ્યાં નિતંબના સાંધા જોડાય છે એ ગ્રૉઇન તરીકે ઓળખાતા ભાગમાં થોડો ભાગ ઊપસી આવ્યો હોય તો એ લક્ષણ છે હર્નિયાનું. લોકબોલીમાં એને સારણગાંઠ તરીકે પણ ઓળખીએ છીએ. હર્નિયાના અનેક પ્રકાર છે, પરંતુ એ મોટા ભાગે પુરુષોમાં વધુ જોવા મળે છે. જૂના જમાનામાં તો આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ નહોતું એને કારણે આ ગાંઠ મોટી થતી જતી અને દરદીની પીડાનો પાર નહોતો. એ સમસ્યા વકરતી એનું કારણ એ હતું કે પુરુષો એને ઇગ્નૉર કરતા. ગોરેગામના ગૅસ્ટ્રો-લેપ્રોસ્કોપિક સર્જ્યન ડૉ. વિપુલ નંદુ કહે છે, ‘એક સમય હતો જ્યારે આ સમસ્યા માટે ડૉક્ટર પાસે જતાં પણ પુરુષો શરમાતા અને મૂંઝાતા. એમાં ને એમાં સમસ્યા વકરી જતી. એને કારણે હર્નિયાની સાઇઝ એટલી મોટી થઈ જતી કે એનો ઇલાજ કરવાનું અઘરું થઈ જતું. અમે તો છેક ઘૂંટણ સુધી લાંબી ગાંઠ થઈ ગઈ હોય એવા કેસ પણ જોયા છે. અલબત્ત, હવે એવું નથી. શહેરોમાં આ બાબતે જાગૃતિ આવી છે. જોકે હર્નિયાના કેસમાં કોઈ ઘટાડો થયો નથી. હા, એની સારવારમાં આધુનિકતા આવી છે જે એક વરદાન છે.’



પુરુષો કેમ વધુ ભોગ બને છે?


નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના આંકડા મુજબ ૨૭ ટકા પુરુષો અને ૩ ટકા સ્ત્રીઓમાં જીવનકાળ દરમ્યાન હર્નિયાની સમસ્યા જોવા મળે છે. આવું કેમ થાય છે એ પહેલાં એ સમજીએ કે હર્નિયામાં થાય શું? શરીરના કોઈ પણ ભાગના છિદ્રમાંથી અકુદરતી રીતે રસ્તો કરીને આંતરિક અવયવ કે એ અવયવનો ટિશ્યુ બહાર નીકળે એને હર્નિયા કહેવાય. જોકે આપણી શરીરરચનામાં મોટા ભાગના અવયવોને સખત હાડકાનો સપોર્ટ આપ્યો છે જેથી હર્નિયા ન થાય. મગજની બહાર ખોપરીનું હાડકું છે અને હૃદય-ફેફસાંના પ્રોટેક્શન માટે પાંસળીઓ છે. જોકે પેટની કૅવિટીમાં જે અવયવો છે એને માત્ર સ્નાયુઓ અને ટિશ્યુથી જ પ્રોટેક્ટ કરવામાં આવ્યા છે. આ જગ્યાએથી અંદરના અવયવો દબાણ કરીને બહાર નીકળી શકે છે અને આંતરડાં એમાં સૌથી વધુ બહાર નીકળે છે. પુરુષોમાં આંતરડાની આજુબાજુના ભાગમાં થોડી કૅવિટી મળી જાય છે જેને કારણે આંતરડાં પ્રોટેક્ટિવ ટિશ્યુને તોડીને નીચે ઊતરી જાય છે. પુરુષોમાં આ પ્રકારનો હર્નિયા સૌથી વધુ જોવા મળે છે જે ઇન્ગ્યુઅલ હર્નિયા કહેવાય છે. નાભિ, પેડુ કે પછી વૃષણ પાસેના જૉઇન્ટ્સમાંથી આંતરડાં નીચે ઊતરે છે. આયુર્વેદનિષ્ણાત પ્રબોધ ગોસ્વામી આ સમસ્યા પેદા થવાનું કારણ સમજાવતાં કહે છે, ‘આ સમસ્યાનું મૂળ કારણ વાયુનો પ્રકોપ છે. અલબત્ત, આ બહુ ધીમે-ધીમે આગળ વધતો રોગ છે. સહેજ આંતરડું ખસ્યું કે તરત એનાં લક્ષણો દેખાવા માંડે એવું નથી. જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે આંતરડાં ફુલાય છે અને નબળાં પડે છે એટલે એનું પ્રોટેક્ટિવ લેયર તૂટીને એ નીચે તરફ ઢળવા માંડે છે. પુરુષો વધુ શ્રમનું કામ કરે છે. ભાગદોડ વધુ કરે છે, વજન વધુ ઊંચકે છે ત્યારે નબળાં આંતરડાં નીચે ઊતરવાનું જોખમ પણ વધી જાય છે.’

સ્ત્રીઓમાં અમ્બિલિકલ હર્નિયાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે પુરુષોમાં ગ્રૉઇન રીજનમાં થતા ઇન્ગ્વાઇનલ હર્નિયાનું. સિઝેરિયન, સર્જરી કે ઈવન લેપ્રોસ્કોપિક સર્જરી કર્યા પછી યોગ્ય રીતે ત્યાંનું છિદ્ર બંધ ન કરવામાં આવ્યું હોય તો એ ભાગમાં પણ હર્નિયાનો ગ્રોથ થઈ શકે છે.


કારણ અને નિવારણ

બાળકો જન્મે ત્યારે પણ ઇન્ગ્વાઇનલ હર્નિયા સાથે જન્મ્યાં હોય એવા કિસ્સા છે છતાં મોટા ભાગે ૪૫-૫૦ વર્ષની વય પછી જ આ સમસ્યા મોટા ભાગે દેખા દે છે. કારણમાં જ નિવારણ છુપાયેલું છે એમ સમજાવતાં આયુર્વેદાચાર્ય પ્રબોધભાઈ કહે છે, ‘બગડેલા વાયુને કારણે આંતરડાં નીચે ઊતરી જાય છે. એવામાં વાયુ ન થાય અને ખાસ કરીને અપાન વાયુ ન બગડે એનું ધ્યાન રાખવું. વાયુ ન બગડે એ માટે પાચનની સિસ્ટમને ક્લીન રાખવી જરૂરી છે. ખોરાક બરાબર પચે એ માટે પહેલું, જઠરાગ્નિ સારો રહે એ જરૂરી છે. બીજું, મળ સારણ બરાબર થાય એ જરૂરી છે. ઘણી વાર જોયું છે કે મળ, મૂત્ર કે વાછૂટ જેવા કુદરતી આવેગોને વધુ સમય રોકી રાખવાની આદતને કારણે પણ આ સમસ્યા વકરે છે. ઘણી વાર શરદી-ખાંસી અને ઉધરસ ખૂબ જોરથી આવતી હોય એને કારણે પણ આંતરડાં નીચે ઊતરી જતાં હોય છે.’

બહુ મોટી ઉંમરે જેમને પ્રોસ્ટેટની તકલીફ હોય તેમને પણ હર્નિયાનું રિસ્ક વધુ રહે છે એમ જણાવતાં ડૉ. વિપુલ કહે છે, ‘એન્લાર્જ્ડ પ્રોસ્ટેટની તકલીફ થાય એને કારણે યુરેથ્રા સાંકડી થતી હોય છે અને યુરિન પાસ કરવા માટે પણ જોર કરવું પડે છે. આ જોરને કારણે પણ હર્નિયા થવાનું રિસ્ક વધી જાય છે. માટે પ્રોસ્ટેટની તકલીફ હોય તો એની પણ વહેલી સારવાર જરૂરી છે.’

સર્જરી જ અલ્ટિમેટ ઉકેલ

કહેવાય છે કે ખાંસી આવે ત્યારે પેટના આંતરિક સ્નાયુઓ પર ૭૦ કિલો જેટલું પ્રેશર ક્રીએટ થાય છે. આંતરડાં નબળાં હોય તો એક જોરની ખાંસીથી પણ હર્નિયા વધુ બહાર વધે છે. હર્નિયાની સમસ્યા એ છે કે શરૂઆતમાં જ્યારે ગાંઠ જેવું બહાર દેખાય ત્યારે એ ખાસ પીડાદાયક નથી હોતો, પરંતુ એ ગાંઠને કારણે જે ખાંચો રચાય છે એમાં ફ્લુઇડ ભરાય, બગડે, સડવાનું ચાલુ થાય અને સોજો વધે ત્યારે પીડા અસહ્ય થઈ જાય છે. એક વાર આ સ્થિતિએ દરદીનો હર્નિયા પહોંચે એ પછીથી એને સર્જરી વિના રિવર્સ કરવાનું લગભગ અશક્ય છે એમ જણાવતાં ડૉ. વિપુલ નંદુ કહે છે, ‘આંતરડાં જેટલાં ઓછાં નબળાં હોય એટલી હર્નિયાની સર્જરીની રિકવરી ઝડપી બને અને રિકરન્સ એટલે કે ફરીથી થવાના ચાન્સ પણ ઘટે. પહેલાંના જમાનામાં સર્જરી માટે પેડુના ઉપરના ભાગે કાપો મૂકવામાં આવતો હતો જેને કારણે પણ રિકરન્સનું રિસ્ક વધતું હતું, હવે લેપ્રોસ્કોપિક સર્જરીમાં નીચે જ કી-હોલ કરવામાં આવે છે. અંદરથી તૂટી ગયેલા ટિશ્યુને ટાંકા લઈને સાંધી લેવામાં આવે અને સાથે એક નેટ જેવું બેસાડવામાં આવે જેથી ટિશ્યુને સપોર્ટ મળે. આ નેટ બરાબર ટિશ્યુ સાથે ચોંટી જાય ત્યાં સુધી દરદીએ વિશેષ કાળજીની જરૂર પડે. હવે જે લેટેસ્ટ લેપ્રોસ્કોપીની ટેક્નિક્સ આવી છે એનાથી રિકવરી ઝડપી છે અને રિકરન્સ ખૂબ જ ઓછું.’

આયુર્વેદમાં કેવા ઉપચાર છે?

બને ત્યાં સુધી સમસ્યા પેદા જ ન થાય એ માટે વાયુના પ્રકોપને કાબૂમાં રાખવો જોઈએ એમ જણાવતાં પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘સૌથી પહેલાં તો કબજિયાત ન થાય એ જરૂરી છે. વાયુ અને પિત્તની તકલીફ માટે હરડે ઉત્તમ છે. એ ઉપરાંત એરંડિયું પણ વાયુના પ્રકોપનું સારણ કરે છે. મળ, મૂત્ર અને વાછૂટના આવેગ રોકવા નહીં. કેટલાક બાહ્ય ઉપચારો પણ પ્રચલિત છે. વૃષણ પર એરંડિયું ગરમ કરીને રોજ લગાડી શકાય. ઇન્દ્રામણાનાં મૂળ એરંડિયામાં વાટીને વૃષણ પર લગાવી શકાય. છીંકણી અને કળીચૂનો ગોમૂત્રમાં વાટીને લગાવવાથી પણ સારણગાંઠ બેસે છે. આવા તો અનેક ઉપચાર છે, પણ સાથે પેટના નીચેના ભાગમાં પ્રેશર ન વધે એની કાળજી પણ એટલી જ મહત્ત્વની છે.’

વજન ઊંચકવામાં ધ્યાન રાખો

પુરુષોમાં આ રોગ વધુ થવાનું મહત્ત્વનું એક કારણ એ છે કે તેઓ વજન ઊંચકવાનું કામ ખોટી રીતે કરે છે. ડૉ. વિપુલ કહે છે, ‘તમારી ક્ષમતા બહારનું વજન એકસામટું ઊંચકવાની આદત હોય તો એનાથી તમારી કમર તો ખરાબ થશે જ, પણ એની અસર પેટના સ્નાયુઓ પર પણ સાઇલન્ટલી પડતી હોય છે. પુરુષો જ નહીં, સ્ત્રીઓએ પણ જો વજન ઊંચકવું હોય તો પહેલાં પેટના મસલ્સને મજબૂત કરવા જરૂરી છે. તમે જિમમાં જતા હો ત્યારે પણ પહેલાં કોર મસલની સ્ટ્રેન્ગ્થ વધારવા પર ભાર આપો. અનસુપરવાઇઝ્ડ વેઇટલિફ્ટિંગ કરવાનો પ્રયોગ ભારે પડી શકે છે. ’

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2024 08:28 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK