બાળકોમાં નસકોરાંની તકલીફ મોટા ભાગે અસામાન્ય ગણાય. એનો અર્થ એ જ થયો કે બાળકને શ્વાસની કોઈ ને કોઈ તકલીફ છે જેને લીધે તે નસકોરાં બોલાવી રહ્યું છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
હમણાં મારી પાસે એક કેસ આવેલો. લગ્નનાં દસ વર્ષ પછી આવેલો દીકરો હાલમાં પાંચ વર્ષનો છે અને આમ અત્યંત હોશિયાર હતો, પરંતુ જ્યારે તેને પર્ફોર્મ કરવાનું આવે ત્યારે તે ખાસ કરી શકતો નહીં. એવું હતું નહીં કે તેને આવડતું નહીં, છતાં સ્કૂલમાંથી હંમેશાં ફરિયાદ આવતી કે તેનું ધ્યાન ભણવામાં નથી કે કોઈ પણ ઍક્ટિવિટીમાં તે ભાગ લેતો નથી. ઘણી વખત સ્કૂલમાં તે સૂઈ જતો. ઘરમાં પણ તેની મમ્મી જ્યારે તેની સાથે ડ્રૉઇંગ માટે બેસે તો તે એક જગ્યાએ ૧૦ મિનિટથી વધુ બેસી શકતો નથી. તેમને કોઈકે કહ્યું કે આ ચિહ્નો અટેન્શન ડેફિસિટ-હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર (ADHD)નાં લક્ષણો છે, પરંતુ મેં નિદાનની ઉતાવળ મેં ન કરી. બાળકની ઊંઘને લઈને મેં અમુક પ્રશ્ન પૂછ્યા એના જવાબ માતા-પિતા પાસે હતા નહીં, કારણ કે બાળક પોતાની રૂમમાં સૂતું હતું. સતત ૨-૪ રાતના ઑબ્ઝર્વેશન પછી ખબર પડી કે બાળકને વયસ્ક લોકોની જેમ નસકોરાં બોલાવવાની આદત હતી. પથારી પર તે ફુલ ૧૮૦ ડિગ્રી ગોળ-ગોળ ફરતું હતું. સવારે ઊઠે ત્યારે બિલકુલ ફ્રેશ ન હોય. બાળકને મોટા ભાગે મોઢાથી શ્વાસ લેવાની આદત હતી. આટલાં ચિહ્નો પૂરતાં હતાં મારા માટે. મેં તેના નાકનો એક્સ-રે કરાવ્યો જેમાં ખબર પડી કે નાકની પાછળના જે ટૉન્સિલ છે એને એડિનનૉઇડ્સ કહે છે. એનો એ ભાગ થોડો મોટો હોવાને લીધે શ્વાસનો માર્ગ બ્લૉક થઈ જતો હતો. આમ બાળકના ADHDનાં ચિહ્નો પાછળનું કારણ બાળકની ઊંઘમાં પડતી ખલેલ હતી. તેને સારી ઊંઘની જરૂર હતી. ઘણી વાર લાગે કે બાળકને ADHD છે, પણ હકીકત એ છે કે આવા બાળકને પૂરતી ઊંઘની જરૂર છે. જો એ મળે તો તેનાં આ ચિહ્નો ગાયબ થઈ જાય છે.
નસકોરાં લેતા બાળકને જોઈને કોઈ પણ હસી પડે, પરંતુ આ વાત હસવામાં કાઢવા જેવી નથી. બાળકોમાં નસકોરાંની તકલીફ મોટા ભાગે અસામાન્ય ગણાય. એનો અર્થ એ જ થયો કે બાળકને શ્વાસની કોઈ ને કોઈ તકલીફ છે જેને લીધે તે નસકોરાં બોલાવી રહ્યું છે. અત્યંત દુર્લભ રીતે જોવા મળે છે કે આ આદત સામાન્ય હોય અને બાળકને કોઈ જ તકલીફ ન હોવા છતાં તે નસકોરાં બોલાવતું હોય. છતાં આ આદતને લીધે તેની ઊંઘમાં ખલેલ તો પડે જ છે. ટૂંકમાં એ સમજવું જરૂરી છે કે જો બાળક નસકોરાં બોલાવતું હોય તો એને અવગણો નહીં. તરત જ ડૉક્ટરની સલાહ લો.
ADVERTISEMENT
- ડૉ. ઝીનલ ઉનડકટ