હાશિમોટો’સ ડિસીઝ - જાણીએ આ બીમારી શું છે અને એ મૅનેજ કરવામાં કેમ અઘરી છે
થાઇરૉઇડ ગ્રંથિ
થોડા સમય પહેલાં અર્જુન કપૂરે હાઇપોથાઇરૉઇડિઝમને મળતો આવતો હાશિમોટો’સ ડિસીઝ પોતાને છે એવું જાહેર કર્યું હતું. ૨૦૨૨ના એક સર્વે અનુસાર ભારતમાં લગભગ ૧૧ ટકા લોકોને થાઇરૉઇડ ગ્રંથિને લગતી સમસ્યા થાય છે અને સ્ત્રીઓમાં એ વધુ જોવા મળે છે. જાણીએ આ બીમારી શું છે અને એ મૅનેજ કરવામાં કેમ અઘરી છે
ખૂબ જ થાક અને સુસ્તી લાગ્યા કરે છે?
ADVERTISEMENT
ડાયટમાં ખૂબ ધ્યાન રાખવા છતાં વજન વધે છે?
વાતાવરણમાં ઠંડક થતાં જ શરીર પણ ઠંડું પડવા લાગે છે અને ઠંડી સહન જ નહીં થાય એવું લાગે છે?
વાળ ખૂબ જ ખરે છે?
દિવસમાં ચાર વાર મૉઇશ્ચરાઇઝર લગાવ્યા પછી પણ ત્વચા ડ્રાય જ લાગ્યા કરે છે?
શરીરમાં જાણે ઊર્જા ન હોવાથી કંઈ પણ કામ કરવાનું મોટિવેશન જ નથી રહેતું?
કબજિયાત તો રોજની સમસ્યા છે. રેચક લીધા વિના પેટ સાફ જ નથી થતું?
યાદશક્તિ બહુ ઘટી રહી છે?
હાથ-પગ અને ચહેરા પર જાણે સોજા ચડ્યા હોય એમ ફૂલેલા લાગે છે?
પિરિયડ્સમાં અનિયમિતતા ખૂબ વધી ગઈ છે?
સ્નાયુ, સાંધા અને શરીરમાં ઝીણું કળતર અને સ્ટિફનેસ ફીલ થાય છે?
ગળામાં સોજો આવી ગયો છે અને અવાજ પણ બદલાઈને ઘોઘરો થઈ રહ્યો છે?
જો આવાં કે આમાંથી સાત-આઠ લક્ષણો પણ હોય તો તમને અર્જુન કપૂરની જેમ હાશિમોટો’સ ડિસીઝ હોઈ શકે છે. આમ તો આ હાઇપોથાઇરૉઇડનાં લક્ષણો છે, જેમાં થાઇરૉઇડ હૉર્મોન્સનો સ્રાવ ઘટી જાય છે અને હાઇપોથાઇરૉઇડ થવાનાં કારણોમાંનું એક કારણ હાશિમોટો’સ ડિસીઝ હોઈ શકે છે. થાઇરૉઇડની તકલીફો પુરુષો કરતાં સ્ત્રીઓમાં આઠથી દસગણી વધુ હોય છે.
બે દાયકાથી આ સમસ્યાનું પ્રમાણ અનેકગણું વધી રહ્યું છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે હાશિમોટો’સ ડિસીઝ શું છે અને એને મૅનેજ કઈ રીતે કરી શકાય.
થાઇરૉઇડ શું કામ કરે છે?
થાઇરૉઇડ ગ્રંથિ પર અસર કરતો આ ડિસીઝ કેમ આખા શરીર પર માઠી અસર પાડે છે એ જાણવા-સમજવા માટે પહેલાં તો થાઇરૉઇડ ગ્રંથિ અને એમાંથી ઝરતા હૉર્મોન્સનું શું કામ છે એ જરા સમજી લઈએ. શરીરમાં મોટા ભાગની વ્યવસ્થાઓનું કામ બરાબર ચાલતું રહે એ માટે ચોક્કસ કેમિકલ્સ વિવિધ અવયવોમાંથી ઝરતાં રહે છે. આ કેમિકલ્સ એટલે કે હૉર્મોન્સ. વિવિધ હૉર્મોન્સ માટે શરીરમાં નાનીમોટી ૪૩ ગ્રંથિઓ આવેલી છે. જોકે એમાંની એક એટલે કે જસ્ટ વીસ ગ્રામ વજન ધરાવતી પતંગિયા જેવા શેપની થાઇરૉઇડ ગ્રંથિમાંથી સ્રવતાં હૉર્મોન્સ શરીરનાં અનેક તંત્રોનું નિયમન કરવા માટે જવાબદાર છે. મેટાબોલિઝમ, પાચનતંત્ર, મજ્જાતંત્ર, સ્નાયુતંત્ર, પ્રજનનતંત્રમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. થાઇરૉઇડ હૉર્મોન શરીરના મેટાબોલિઝમને એટલે કે ચયાપયચની ક્રિયાને રેગ્યુલેટ કરવાનું ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. એટલે જ્યારે થાઇરૉઇડ ગ્રંથિ કામ ન કરે ત્યારે એની અસર સંપૂર્ણ શરીર પર પડે છે.
હાશિમોટો એટલે શું?
હાશિમોટો’સ ડિસીઝ શું છે એ વિશે સમજાવતાં અંતઃસ્ત્રાવી ગ્રંથિના નિષ્ણાત ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘હાશિમોટો એક ઑટોઇમ્યુન ડિસીઝ છે. આમાં તમારા બૉડીની ઇમ્યુન સિસ્ટમ થાઇરૉઇડ ગ્લૅન્ડ પર અટૅક કરે છે. જનરલી ઇમ્યુન સિસ્ટમ શરીર માટે હાનિકારક બૅક્ટેરિયા અને વાઇરસને નાખવાનું કામ કરે છે, પરંતુ હાશિમોટોમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ થાઇરૉઇડનાં ટિશ્યુઝને જ હાનિકારક સમજીને એના પર અટૅક કરે છે. આ રોગમાં આપણી ઇમ્યુન સિસ્ટમ એવાં ઍન્ટિબૉડીઝ બનાવે છે જે થાઇરૉઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડે છે. પરિણામે સમય સાથે થાઇરૉઇડ હૉર્મોન શરીરની જરૂરિયાતથી ઓછું બનવા લાગે છે અને હાઇપોથાઇરૉઇડિઝમ થાય છે. હાઇપોથાઇરૉઇડિઝમ થવાનું મોસ્ટ કૉમન રીઝન હાશિમોટો હોય છે.’
શરૂઆતમાં ખબર જ ન પડે
હાશિમોટો થયો હોય ત્યારે એનાં લક્ષણો પણ હાઇપોથાઇરૉઇડ જેવાં જ હોય છે એટલું જ નહીં, શરૂઆતમાં તો ઑટોઇમ્યુન સિસ્ટમમાં ગરબડ છે એની પણ ખબર નથી પડતી. એ વિશે ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘જો આ કન્ડિશન લાંબો સમય ચાલે તો થાઇરૉઇડ ગ્રંથિમાં સોજો આવી જાય છે, જેને ગોઇટર કહેવાય છે. ગોઇટરનાં પણ અનેક કારણો હોય છે, જેમ કે શરીરમાં આયોડીનની કમી કે પછી થાઇરૉઇડ ગ્રંથિ પર બૉડીની ઑટોઇમ્યુન સિસ્ટમ અટૅક કરતી હોય ત્યારે થાઇરૉઇડ ગ્રંથિનો આકાર મોટો થઈ જાય છે.’
કોને રિસ્ક વધારે હોય?
હાશિમોટો કોઈને પણ થઈ શકે છે, પણ પુરુષોની સરખામણીમાં મહિલાઓને થાઇરૉઇડ અને ઑટોઇમ્યુન ડિસીઝ થવાનું રિસ્ક વધુ હોય છે. એ વિશે જણાવતાં ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘મહિલાઓના જીવનના દરેક પડાવમાં હૉર્મોન્સમાં બદલાવ થતા રહે છે. કિશોરાવસ્થા, પ્રેગ્નન્સી, મેનોપૉઝ તેમ જ દર મહિને પિરિયડ્સ દરમિયાન પણ હૉર્મોન્સમાં ઉતાર-ચઢાવ થતા રહે છે. એટલે મહિલાઓમાં હૉર્મોન અસંતુલનનું જોખમ વધુ રહે છે. એ સિવાય પણ કેટલાક ફૅક્ટર્સ છે જે હાશિમોટો થવાનું રિસ્ક વધારી શકે છે, જેમ કે તમારી ફૅમિલી હિસ્ટરી. તમને બીજી કોઈ ઑટોઇમ્યુન કન્ડિશન્સ હોય તો પણ હાશિમોટો થવાનું રિસ્ક રહે છે.’
નિદાન અને ટ્રીટમેન્ટ
હાશિમોટો’સ ડિસીઝના કેસમાં ડૉક્ટર કઈ રીતે ટ્રીટમેન્ટ કરે એ વિશે સમજાવતાં ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘હાશિમોટોના કેસમાં ડૉક્ટર પેશન્ટની હેલ્થ હિસ્ટરી જાણે છે, તેનું ફિઝિકલ એક્ઝામિનેશન કરે છે અને પછી કેટલીક બ્લડ-ટેસ્ટ કરે છે. હાશિમોટો’સ ડિસીઝ હોય એ દરેક પેશન્ટને હાઇપોથાઇરૉઇડિઝમ થાય એ જરૂરી નથી. ઍન્ટિબૉડીનું લેવલ હાઈ હોય, પણ હાઇપોથાઇરૉઇડિઝમ ન હોય તો ડૉક્ટર સારવાર શરૂ કરવાને બદલે થાઇરૉઇડ લેવલ્સને મૉનિટર કરે છે. પેશન્ટને હાશિમોટોને કારણે હાઇપોથાઇરૉઇડિઝમ થયો હોય તો દવા આપીને કન્ટ્રોલ કરવામાં આવે છે. અત્યાર સુધી હજી સુધી એનો કોઈ ક્યૉર નથી કે એને રિવર્સ કરવાનો કોઈ માર્ગ નથી. બહારથી હૉર્મોન આપવામાં આવે છે.’
હેલ્ધી લાઇફસ્ટાઇલ જરૂરી
હાશિમોટોને રિવર્સ ક્યૉર નથી કરી શકાતો, પણ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખાનપાનમાં ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને શરીરમાં સોજો વધારી શકે એવાં ફૂડ્સ અવૉઇડ કરીને ઇન્ફ્લમેશન ઘટાડે એવાં ફૂડનો સમાવેશ કરવામાં આવે તેમ જ થાઇરૉઇડ ફંક્શનમાં હેલ્પ કરી શકે એવાં ફૂડ્સનું સેવન કરવામાં આવે તો હાશિમોટોને મૅનેજ કરવામાં ફાયદો મળી શકે છે. એ વિશે સમજાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘હાશિમોટોના દરદીની ડાયટમાં અમે થાઇરૉઇડના ફંક્શન માટે જરૂરી એવાં ન્યુટ્રિઅન્ટ્સ હોય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. એમાં એક છે સલીનીયમ જે થાઇરૉઇડ હૉર્મોનના પ્રોડક્શનમાં મદદ કરે છે, જેને લીધે ઇન્ફ્લમેશનમાં ઘટાડો થાય અને તમારી કન્ડિશન ઇમ્પ્રૂવ થાય. એ માટે તમે સૂર્યમુખીનાં બીજ, બ્રાઝિલ નટ્સ ખાઈ શકો; કારણ કે એમાં સેલિનીયમનું પ્રમાણ વધુ હોય છે. બીજું એક મહત્ત્વપૂર્ણ ન્યુટ્રિઅન્ટ ઝિન્ક છે, કારણ કે એના વગર થાઇરૉઇડ ગ્રંથિ ફંક્શન ન કરી શકે. ઝિન્ક કાબુલી ચણા, કોળાનાં બીજમાં સારા પ્રમાણમાં હોય છે જે થાઇરૉઇડની ઍક્ટિવિટીને પ્રમોટ કરવામાં મદદરૂપ બને છે. થાઇરૉઇડ ગ્રંથિ સરખી રીતે કામ કરી શકે એ માટે આયોડીન જરૂરી છે. આયોડીનવાળું મીઠું, સીવીડ (દરિયાઈ શેવાળ) થોડા પ્રમાણમાં લઈ શકો. આ ત્રણેય ન્યુટ્રિઅન્ટ્સનું મહત્ત્વ થાઇરૉઇડ સંબંધિત સમસ્યા હોય તેમની ડાયટમાં વધારે છે.’
ઍન્ટિઇન્ફ્લૅમૅટરી ડાયટ વિશે વાત કરતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘આ દરદીઓ માટે કલરફુલ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ કે જેમાં વિવિધ રંગનાં રંજકદ્રવ્યો હોય છે એ સોજો ઘટાડનારાં કહેવાય છે. પાલક, જેમાં એક અલગ પોપટી કલર છે અથવા તો કોઈ બેરીઝ જેનો કલર બ્લુ, પર્પલ હોય છે. ફળો-શાકભાજીનો રંગ જેટલો ડાર્ક હશે એટલો એ ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર હશે. એ સિવાય હેલ્ધી ફૅટ્સ ખાવાની અમે સલાહ આપીએ જેમ કે ફ્લેક્સ સીડ્સ, અખરોટ વગેરે. આમાં હેલ્ધી ફૅટ ઑમેગા-થ્રીનું પ્રમાણ સારું હોય છે જે એક ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી ન્યુટ્રિઅન્ટ છે. એ સિવાય કેટલીક શાકભાજી જેમ કે કોબી, કૉલીફ્લાવર, બ્રૉકલી વગેરે ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ અને હંમેશાં એને કુક કરીને જ ખાવી જોઈએ.’