Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ચાલ અમસ્તા જ ગપાટા મારીએ

ચાલ અમસ્તા જ ગપાટા મારીએ

Published : 28 November, 2023 08:35 AM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

સાઇકોલૉજિકલ રિસર્ચ કહે છે કે ગૉસિપ્સ માનસિક સ્વાસ્થ્ય કેળવવા માટેનો અકસીર ઇલાજ છે

ગૉસિપ્સ દરેકને હજમ નથી થતી હોતી. સોશ્યલ ઍન્ગ્ઝાયટી અને સ્કિઝોફ્રેનિયા જેવા સિવિયર પર્સનાલિટી ડિસઑર્ડર  માટે તો ગૉસિપિંગ  નુકસાનકારક સાબિત  થઈ શકે છે.

મેન્ટલ હેલ્થ

ગૉસિપ્સ દરેકને હજમ નથી થતી હોતી. સોશ્યલ ઍન્ગ્ઝાયટી અને સ્કિઝોફ્રેનિયા જેવા સિવિયર પર્સનાલિટી ડિસઑર્ડર માટે તો ગૉસિપિંગ નુકસાનકારક સાબિત થઈ શકે છે.


મોટા ભાગે ટાઇમપાસ ગપસપમાંથી ટેલિવિઝનની ડેઇલી સોપનું મટીરિયલ મળી જતું હોય છે. જોકે બુદ્ધિજીવીઓને આવી ગૉસિપ્સ બેફિઝૂલ જ લાગે છે. પરંતુ સાઇકોલૉજિકલ રિસર્ચ કહે છે કે ગૉસિપ્સ માનસિક સ્વાસ્થ્ય કેળવવા માટેનો અકસીર ઇલાજ છે. પણ શું બધી ગૉસિપ્સ ફાયદાકારક છે? જો ના તો કેટલી લિમિટમાં રહીને કરવામાં આવતી ગૉસિપ ‘લોન્લીનેસ કિલર’ સાબિત થાય છે? ચાલો જાણીએ


મુંબઈમાં દીકરાના આલીશાન ફ્લૅટમાં કાયમ માટે રહેવા આવેલાં ગીતાબહેન થોડા જ દિવસોમાં રાજકોટ પોતાના ઘરે પાછા જવાની જીદ કરવા લાગ્યાં ત્યારે દીકરો-વહુ તેમનું આવું વર્તન સમજી ન શક્યાં. ખરેખર તો ગીતાબહેનનું માનવું હતું કે મુંબઈમાં બધા જ પોતાના બંધ ફ્લૅટમાં રહીને કેદી જેવું જીવે છે. તેમને જો દિવસમાં પાંચ લોકોનાં મોઢાં ન જુએ તો મજા ન આવે. જો વધુ સમય આમ રહેશે તો બીમાર થઈ જશે એવું તેમને લાગતું હતું. 



જે લોકોને કોઈ સાથે વાતો કર્યા વગર ચાલતું ન હોય તેમના માટે ચૂપ રહેવું એક સજા બરાબર જ હોય છે. આવા લોકોને વગર કારણે પણ કોઈને કોઈ સાથે વાતો કરવાની મજા આવતી હોય છે. ગપસપ એટલે કે ગૉસિપ્સમાં તેમને એક અનેરો આનંદ આવતો હોય છે અને એ આનંદમાં એ બીજાં બધાં ટેન્શન ભૂલી જતા હોય છે. હા, ક્યારેક એમની ગૉસિપ્સ હેલ્ધી ન રહેતાં સીમાઓ વટીને કંકાસનું કારણ પણ બની જાય છે ત્યારે આવી ગૉસિપ્સથી દૂર રહેવું જ શ્રેષ્ઠ ઉપાય હોય છે. ગૉસિપ્સની કાળી છબીને લીધે ઘણા સમજુ લોકો એનાથી તદ્દન દૂર જ રહેવાનું પસંદ કરે છે અને એમના જીવનનો એક જ નિયમ હોય છે કે ‘આપણે આપણા કામથી જ મતલબ રાખવો.’ આ લક્ષ્મણરેખા ધીરે-ધીરે એમને એકાંતથી દૂર લઈ જઈને છેક એકલતા સુધી ઢસડી જાય છે એની એમને ખબર પણ નથી હોતી ત્યારે ગૉસિપ્સ કેવી અને કેટલી તથા ક્યાં સુધીની જરૂરી છે આવો કરીએ ગૉસિપ વિશે થોડી ગપસપ.


શું હોય છે ગૉસિપ્સ?

તમે ઘરની વાતો બહાર કરો કે બહારના કોઈની ખણખોદ ઘરમાં કરવા બેસી જાઓ, બધું જ ગૉસિપ્સમાં આવે. ફિલ્મી જ્ઞાનની એવી વાતો, જેનો જીવનમાં કોઈ જ ઉપયોગ થવાનો નથી પણ ફક્ત આનંદ અને શોખ ખાતર એની મિત્રો, કલીગ્સ, પાડોશીઓ કે કોઈ ટોળામાં આપલે થાય. પસંદગીનાં કપડાં-લત્તા, ફૅશન, પૉલિટિક્સ, પેટ્સ કે એવી અઢળક વાતો, આવે છે ગૉસિપ્સમાં. એના લીધે એની ઇમેજ થોડી ખરડાયેલી ચોક્કસ છે. લોકોને લાગે છે કે નવરા લોકો જ ગૉસિપ્સ કરે છે. અને અમુક લોકો એવું પણ માને છે કે ગૉસિપિંગ અજ્ઞાન અને મૂર્ખતાની નિશાની છે. પણ ના, એવું નથી. રોજિંદા જીવનમાં થોડો મેન્ટલ બ્રેક લેવા અને વિચારોનો પ્રવાહ સ્મૂધ રાખવા પણ ગૉસિપિંગ એક ઉપયોગી વિકલ્પ છે.


સાઇકોલૉજી શું કહે છે?

ગપસપ પાછળની સાઇકોલૉજી સમજાવતાં સાઇકોલૉજિસ્ટ સૃષ્ટિ અગ્રવાલ કહે છે, ‘માણસજાતનો સ્વભાવ છે કે એ દરેક વસ્તુ પર વાત કરવા તત્પર હોય છે. દરેક વસ્તુ અને દરેક વાત એમની વાતચીતનું કેન્દ્ર બની શકે છે. ગૉસિપ્સ આ જ નેચરની ઊપજ છે. વાતચીત આપણી જરૂરિયાત છે. એ ભ્રમણા ખોટી છે કે જરૂર જેટલી જ વાત કરીએ તો સુખી રહેવાય. હા, તકલીફો વધારે હોય તો એ એક શ્રેષ્ઠ ઉપાય છે, પણ ક્યારેક આપણને પોતાને જ આપણી વાતચીત કરવાની જરૂરિયાત સમજાતી નથી હોતી. જો હેલ્ધી ગૉસિપ્સ કરવામાં આવે તો એ બહુ જ ઉપયોગી સાબિત થાય છે. એના ફાયદાઓ પણ અનેક છે. એક તો કમ્યુનિકેશન સ્કિલ સારી થાય છે. વ્યક્તિ એક્સ્ટ્રોવર્ટ બને છે. રોજિંદા જીવનમાં શું ચાલી રહ્યું છે, આસપાસ કશુંક બની રહ્યું છે એની કોઈને નુકસાન ન થાય એવી ચર્ચાઓ તમને ઘણા અપડેટેડ રાખે છે.’

તમે જ્યાં રહો છો, જ્યાં કામ કરો છો, જે જગ્યાથી અને લોકોથી તમારો પનારો છે એ લોકો વિશે તમારે જો જાણકારી લેવી હોય તો ચાય પે ચર્ચા  કે શાકભાજીવાળાને ત્યાં વાતોની આપલેમાં થતી ગૉસિપ્સ તમને દરેક વિશે અપ-ટુ-ડેટ રાખે છે. જોકે એમાં લીલા ભેગું સૂકું બળે એવું પણ થાય છે. ક્યારેક ગૉસિપ્સમાંથી મળતો રસ અતિ થઈ જાય છે ત્યારે એ માનસિક તાણ ઓછું નથી કરતું, વધારે છે. પારકી પંચાયત આપણા ઘરમાં અને જીવનમાં ઘૂસીને ઘણું નુકસાન પણ કરી દે છે. ગૉસિપ્સની આ ખરડાયેલી ઇમેજ પાછળનાં મુખ્ય કારણો પણ આવાં જ કાંઈક છે. એવા સમયે કેવી ગૉસિપ્સ  સારી કહેવાય એ જણાવતાં સૃષ્ટિ કહે છે, ‘એવી ગપસપ કે જે કન્સ્ટ્રક્ટિવ હોય.’

સિક્કાની બે બાજુ

ગૉસિપ્સ જનરલી બે પ્રકારની હોય છે, પૉઝિટિવ અને નેગેટિવ. એ વિશે વધુ પ્રકાશ પાડતાં સાઇકોલૉજિસ્ટ સૃષ્ટિ અગ્રવાલ કહે છે, ‘પૉઝિટિવ ગૉસિપ્સ કાયમ પ્રોગ્રેસિવ રિઝલ્ટ આપે છે. એનાથી આત્મવિશ્વાસ વધે છે. માનસિક તનાવ દૂર થાય છે. કામ કરવાની ધગશ વધે છે. સંબંધો મજબૂત થાય છે. નૉલેજ અને કમ્યુનિકેશન સ્કિલ્સ પણ સારાં થાય છે. પણ ઘણી ગૉસિપ્સ એવી હોય છે જે બીજી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. લોકોના સેલ્ફ-એસ્ટીમ, સેલ્ફ-કૉન્ફિડન્સ જેવી વસ્તુઓને તોડે એ દરેક ગૉસિપ ખોટી છે. કોઈ ગૉસિપ જો કોઈને ડિસ્ક્રિમિનેટ કરતી હોય તો એ તદ્દન ખોટું જ છે. આવી ગૉસિપ્સથી બચવું જોઈએ. આજકાલ સોશ્યલ ગૉસિપ્સનો પણ ટ્રેન્ડ છે. એમાં દરેક પ્રકારની વાતો થતી હોય છે. કોઈ પણ નૉલેજ ઇન્ક્રીઝ કરતી વાતો સારી હોય છે પણ સાઇડ બાય સાઇડ એનું ફૅક્ટ ચેકિંગ થવું બહુ જ જરૂરી છે.’

લક્ષ્મણરેખા બાંધવી જરૂરી

અમથી જ ગપસપ ચાલતી હોય ત્યાં સુધી ઠીક છે, પણ એમાંય એક લાઇન ડ્રૉ ન કરો તો એ ઍડિક્ટિવ બની જાય છે. એ વિશે સૃષ્ટિ કહે છે, ‘એવું ન થાય કે કોઈની પીઠ પાછળ વાતો કરીને તમે પિશાચી સુખ મેળવવા માંડો. એટલે એને લિમિટ કરવી બહુ જ જરૂરી છે. જ્યારે ગૉસિપ્સમાં લોકો સેક્સ્યુઅલ રિલેશન્સ, એકબીજા માટે અફવા ઉડાવવી, કોઈનાં નામ પાડવાં, કોઈનાં ખોટાં નામ જોડવાં, અર્ધસત્યોને વાગોળીને નવી જ વાતો બનાવવી કે કોઈના ખિલાફ પ્લાનિંગ કરવું જેવી વાતો શરૂ કરે છે ત્યારે એ અત્યંત ભયંકર પરિણામો લાવી શકે છે. ત્યાં સુધી કે મોટાં પરિણામોમાં સોશ્યલ હાર્મની પર પણ એની અસર થઈ શકે છે.’

લિમિટમાં થાય તો લાભ જ લાભ, નહીંતર નુકસાન : સૃષ્ટિ અગ્રવાલ

એમાં કોઈને ઉતારી પાડવાની, કોઈને નુકસાન કરવાની કે કોઈને તકલીફ આપવાની ભાવના ન હોય. ઑફિસ કે એવા કોઈ માહોલમાં કોઈના કામનાં વખાણ થયાં હોય તો એવી વાતો ઉપકારક સાબિત થાય છે. ઑફિસના માહોલમાં એમ્પ્લૉયર અંગત વાતો કોઈ સાથે શૅર ન કરે એવો પ્રોટોકૉલ જળવાવો જોઈએ. ડિપ્રેશન, લોન્લીનેસ ભોગવતા પેશન્ટ્સ માટે પણ ગૉસિપિંગ ખૂબ જ ઉપકારક સાબિત થાય છે. ઘણી વખત આવા લોકો કોની સાથે શું વાતો કરવી એ નક્કી નથી કરી શકતા પણ જો ગ્રુપમાં ગપસપ થતી હોય તો સાઇલન્ટ્લી પણ એનો ભાગ બનીને સારું ફીલ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 08:35 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK