આપણા પાડોશી શહેરમાં અચાનક જ સેંકડોની સંખ્યામાં ગિયાન બારે સિન્ડ્રૉમ નામની આૅટોઇમ્યુન કન્ડિશનના દરદીઓ અચાનક વધી ગયા છે અને એને કારણે હમણાં સુધી બે જણે જીવ ગુમાવ્યા છે
પુણેમાં છેલ્લા એક મહિનાની અંદર ગિયાન બારે સિન્ડ્રૉમ એટલે કે GBSના ૧૨૭ દરદીઓ નોંધાયા છે.
આપણા પાડોશી શહેરમાં અચાનક જ સેંકડોની સંખ્યામાં ગિયાન બારે સિન્ડ્રૉમ નામની આૅટોઇમ્યુન કન્ડિશનના દરદીઓ અચાનક વધી ગયા છે અને એને કારણે હમણાં સુધી બે જણે જીવ ગુમાવ્યા છે ત્યારે મુંબઈગરાઓ ચિંતિત થઈ જાય એ સ્વાભાવિક છે. શું આ રોગ ચેપી છે? શું એ મુંબઈ સુધી પણ આવી જઈ શકે છે? કેમ થાય છે અને ધારો કે થાય તો સારવારના શું વિકલ્પો છે એ બધું જ આજે નિષ્ણાત પાસેથી જાણીએ
પુણેમાં છેલ્લા એક મહિનાની અંદર ગિયાન બારે સિન્ડ્રૉમ એટલે કે GBSના ૧૨૭ દરદીઓ નોંધાયા છે. બે વ્યક્તિઓ આ તકલીફને કારણે મૃત્યુ પામી અને લગભગ વીસથી વધુ લોકો વેન્ટિલેટર પર છે. આ દરદીઓનાં લક્ષણો પણ એટલાં કૉમન છે કે જાણે આ રોગ કોઈને પણ થઈ શકે એવો ડર ફેલાઈ રહ્યો છે. લક્ષણોની વાત કરીએ તો શરૂઆતમાં માત્ર હાથ-પગમાં ઝણઝણાટી શરૂ થઈ, જે મટી જ નહીં અને પછી હાથ-પગમાં એટલી વીકનેસ આવી ગઈ કે જાણે લકવો મારી ગયો હોય એમ હલનચલન પણ મુશ્કેલ થઈ ગયું. અચાનક જ હાથ-પગ નબળા પડી જાય અને પથારીવશ કરી દે એવા આ રોગથી લોકો થથરી રહ્યા છે. શું આ સમસ્યાથી ખરેખર ડરવા જેવું છે? સૌથી વધુ ચિંતાનો વિષય તો એ છે કે અચાનક જ આટલા લોકોને ચપેટમાં લેનાર આ કન્ડિશન ખરેખર ચેપી છે કે પછી સ્થાનિક પાણી / ખોરાકના માધ્યમથી ફેલાય છે? આજે નિષ્ણાત પાસેથી સમજીએ કે GBS ખરેખર શું છે, એ કોને થઈ શકે, એનાથી બચવા શું થઈ શકે.
ADVERTISEMENT
GBS છે શું?
જ્યારે પણ કોઈ સમસ્યા વાવરની જેમ ફેલાય ત્યારે એ મોટા ભાગે વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય. જોકે GBSમાં માત્ર એ ઇન્ફેક્શન જ નથી, વાત એનાથી આગળ વધીને ઇમ્યુન સિસ્ટમ સુધી પહોંચે છે. આ સમસ્યા શાને કારણે થાય છે એ સમજાવતાં ગ્લોબલ હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. પંકજ અગ્રવાલ કહે છે, ‘આ એવી ઑટો ઇમ્યુન કન્ડિશન છે જે ઇન્ફેક્શનને કારણે ટ્રિગર થાય છે. મતલબ કે શરીરમાં પહેલાં વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. એ ઇન્ફેક્શન શ્વસનતંત્રનું પણ હોઈ શકે કે પછી ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એટલે કે પાચનતંત્રનું. પુણેના કેસમાં બૅક્ટેરિયલ અને ગૅસ્ટ્રો ઇન્ફેક્શન હોવાનું જણાય છે. પ્રાથમિક તપાસમાં એ કૅમ્પિલોબૅક્ટર જેજુની બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન છે. જોકે આ સિવાયનાં બૅક્ટેરિયલ કે વાઇરલ ઇન્ફેક્શનને કારણે પણ ઇમ્યુન સિસ્ટમમાં ગરબડ થઈ શકે છે અને એનાથી પણ GBS થઈ જ શકે છે. આ સાંભળીને ચિંતા એ થાય કે તો શું GBS ચેપી કન્ડિશન છે? ના. આ સિન્ડ્રૉમ એક માણસથી બીજાને નથી લાગતો એટલું જ નહીં, ચોક્કસ બૅક્ટેરિયા કે વાઇરસના સંસર્ગમાં આવવા માત્રથી પણ બધાને GBS નથી થઈ જતો.
GBSમાં થાય શું?
વાઇરસ અને બૅક્ટેરિયાના ચેપ પછી ફેલાતી આ સમસ્યા ઑટો ઇમ્યુન ડિસઑર્ડર શા માટે કહેવાય છે એ સમજવા માટે પહેલાં તો આ સિન્ડ્રૉમ શરીરમાં કઈ રીતે તહેલકો મચાવે છે એ સમજીએ. ડૉ. પંકજ કહે છે, ‘ઘરમાં ચોર ઘૂસી આવે તો આપણે પ્રતિકાર કરીએ એવી જ રીતે બૅક્ટેરિયા કે વાઇરસ શરીરમાં ઘૂસે એટલે શરીરને સાચવવાનું કામ કરતી ઇમ્યુન સિસ્ટમની આર્મી સક્રિય થઈ જાય. જો વાઇરલ ઇન્ફેક્શન થાય તો તાવ, ખાંસી, ઉધરસ જેવાં લક્ષણો દેખાય અને પેટમાં બૅક્ટેરિયલ ચેપ લાગે તો ડાયેરિયા, અપચો, ગૅસ, વળ આવવી જેવું થવા લાગે. આ ઇમ્યુન સિસ્ટમના નૉર્મલ રિસ્પૉન્સનાં લક્ષણો છે પણ જ્યારે ચોરને મારતી વખતે તમારો ચોકીદાર તમારા જ પરિવારના સદસ્યો પર પણ હુમલો કરી બેસે તો એ ઇમ્યુન સિસ્ટમની ગરબડ કહેવાય. GBSમાં આવું જ કંઈક થાય છે. કેટલાક બૅક્ટેરિયા અને વાઇરસમાં રહેલાં ચોક્કસ પ્રોટીન આપણા શરીરમાં સંવેદનાઓનું વહન કરતી નર્વ્સ પર આવેલા પ્રોટીન જેમ જ મિમિક કરતાં હોય છે. આવું થાય ત્યારે વાઇરસ/બૅક્ટેરિયાને મારવા માટે જે ઍન્ટિજન પેદા થાય છે એ નર્વ કોષો પર પણ અટૅક કરવા લાગે છે. એને કારણે ચેતાતંતુઓની કામગીરી ખોરવાય છે. હવે સમજવાનું એ છે કે દરેક ઇન્ફેક્શનમાં આવું નથી થતું. હજાર-બે હજાર પેશન્ટને ઇન્ફેક્શન થયું હોય એમાંથી માત્ર એકાદ જ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમમાં ગરબડ થાય છે અને આ સિન્ડ્રૉમ ડેવલપ થાય છે.’
અચાનક સંખ્યામાં વધારો
GBS એ કંઈ નવી કન્ડિશન નથી એમ જણાવતાં ગ્લોબલ હૉસ્પિટલના ડૉ. પંકજ અગ્રવાલ કહે છે, ‘અમારે ત્યાં સામાન્ય સંજોગોમાં પણ મહિને પાંચથી છ કેસ આ કન્ડિશનના આવે જ છે. મોટા ભાગના બહુ ગંભીર નથી હોતા. લગભગ ૯૫ ટકા કેસમાં સારવારથી સારું થઈ જતું હોય છે. માત્ર પાંચેક ટકા કેસમાં કૉમ્પ્લીકેશન થતું હોય છે.’
સૈફી હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. આશિષ ગોસર કહે છે, ‘એ વાત સાચી છે કે છેલ્લા બે મહિનાથી આ પ્રકારના કેસમાં દેખીતો વધારો જોવા મળ્યો છે. જોકે જેમને પણ GBS થયો છે તે દરેકને પાસ્ટ હિસ્ટરી ઇન્ફેક્શનની રહી જ હોય એવું નથી. પુણેમાં પણ બધાને ઇન્ફેક્શનની હિસ્ટરી નથી. માત્ર દસથી બાર ટકા લોકોમાં જ ઇન્ફેક્શનની હિસ્ટરી છે. જે કૅમ્પિલોબૅક્ટર જેજુની બૅક્ટેરિયા છે એ પાણીજન્ય છે એટલે એક જ વિસ્તારમાં આ કન્ડિશન ફેલાઈ હોવાની સંભાવના વધુ હોઈ શકે.’
લક્ષણો અને નિદાન કેવી રીતે?
આવા સંજોગોમાં GBSનાં લક્ષણો બાબતે સાવધ રહેવું જરૂરી છે. આ લક્ષણો વિશે ડૉ. આશિષ ગોસર કહે છે, ‘સામાન્ય રીતે કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યાનાં ચારથી છ વીક પછી એનાં લક્ષણો દેખા દેતાં હોય છે. જોકે ઇન્ફેક્શન થયું હોય કે ન હોય, પણ જો વ્યક્તિને લાંબા સમય સુધી પગમાં ખાલી ચડી જતી હોય અને નમ્બનેસ આવી જતી હોય તો ચેતવું. પગમાં ટિંગલિંગ સેન્સેશનની સાથે અચાનક જ હાથ-પગમાં નબળાઈ આવી જાય તો ડૉક્ટરને અચૂક મળવું. સૌથી પહેલાં પગમાં જાણે લકવો થઈ ગયો હોય એટલી વીકનેસ આવી જાય છે. જો નર્વ ડૅમેજ વધુ માત્રામાં હોય તો પગ પછી શ્વસનતંત્ર અને ગળવાના સ્નાયુઓ પર અસર કરે છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ બની જતાં દરદી ક્રિટિકલ થઈ જાય છે. આ સમસ્યાનું સૌથી મોટું લક્ષણ એ છે કે પહેલાં શરીરને છેવાડાના ભાગો એટલે કે પગમાં નબળાઈ આવે છે અને પછી ધીમે-ધીમે શરીરના ઉપરના ભાગોમાં એ લક્ષણો વધે છે.’
કેટલું ડરવા જેવું?
હાથ-પગમાં નબળાઈ આવી જવી એ બહુ જનરલાઇઝ્ડ લક્ષણ છે એટલે પગમાં ખાલી ચડી જાય કે નબળાઈ આવી જાય તો તરત પૅનિક ન થવું જોઈએ એમ જણાવતાં ડૉ. પંકજ કહે છે, ‘ખાસ યાદ રાખો કે એકાદ-બે દિવસમાં જ અચાનક પગમાં નબળાઈ અને લાંબા સમય સુધી નમ્બનેસ રહે તો ચેતવું. બીજું, આ લક્ષણો GBSનાં છે એનું નિદાન ન્યુરોલૉજિસ્ટ જ કરી શકવાના છે. તમારાં ક્લિનિકલ લક્ષણો ઉપરાંત નર્વ કન્ડક્શન ટેસ્ટ કરીને ખબર પડે કે વ્યક્તિના નર્વના ઉપરના માયેલિન નામના આવરણને નુકસાન થયું છે કે અંદરની ચેતાને પણ. જરૂર પડે તો સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ CSF ટેસ્ટ કરીને નિદાન થાય કે વ્યક્તિને GBS છે કે નહીં. ધારો કે છે તો એની સિવિયારિટી છે.’
મોંઘી પણ, ટ્રીટેબલ સમસ્યા
જો શરૂઆતમાં જ GBSનું નિદાન થઈ જાય તો એની સારવાર શક્ય છે એ વિશે ડૉ. પંકજ અગ્રવાલ કહે છે, ‘સારવારમાં ઇમ્યુન સિસ્ટમને ઠીક કરવા માટેના ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન્સનો કોર્સ કરાવવામાં આવે છે હાલમાં આ ઇન્જેક્શન્સ ખૂબ મોંઘાં છે. બીજી સારવાર છે પ્લાઝમા એક્સચેન્જની. જેમ ડાયાલિસિસમાં શરીરમાંનું લોહી શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય છે એવું જ આ સમસ્યામાં લોહીમાં રહેલા પ્લાઝમાનું એક્સચેન્જ ડાયાલિસિસ જેવી પ્રક્રિયા થકી થાય છે. વર્ષોથી આ બન્ને પ્રકારની સારવાર ખૂબ અસરકારક રહી છે. અમે અમારી કરીઅરમાં સેંકડો આવા પેશન્ટ્સ ટ્રીટ કર્યા છે. લગભગ ૯૫ ટકા દરદીઓ સાવ સાજા થઈ જાય છે. પાંચેક ટકા કેસમાં દરદીમાં કોઈ ડિસેબિલિટી રહી જાય છે અને બહુ રેરલી ડેથ થાય છે.’
અતિગંભીર કેસમાં વેન્ટિલેટર સપોર્ટ જરૂરી છે એ વિશે ડૉ. આશિષ ગોસર કહે છે, ‘જો ડૅમેજ શ્વસનતંત્રના સ્નાયુઓને અસર કરતું થઈ જાય તો વેન્ટિલેટર પર દરદીને રાખવા પડે છે. એક વાર આ સ્ટેજ પર સ્થિતિ પહોંચે તો રિકવરી લાંબી એટલે કે ૧૨થી ૧૪ વીક સુધીની થઈ જાય છે.’

