Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

ગુણવંતી જાસવંતી

Published : 13 September, 2024 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અઢળક ફાયદા છે ગણેશપ્રિયા જાસૂદના. ચાલો જાણીએ બીજા શું-શું છે એ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગણેશજીને અર્પણ થતાં લાલ જાસૂદનાં ફૂલ આયુર્વેદની દૃષ્ટિએ તો ગુણવાન છે જ અને હવે તો મૉડર્ન મેડિસિનની દૃષ્ટિએ પણ એનો અનેક રોગોમાં ઉપયોગ થવા લાગ્યો છે. આયુર્વેદમાં તો આ ફૂલ ત્વચાની કાન્તિ અને વાળના ગ્રોથ માટે અકસીર ઔષધ ગણાયું છે તો મૉડર્ન સાયન્સની દૃષ્ટિએ એનાં ફૂલની ચાને ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાઈ છે. આવા તો અઢળક ફાયદા છે ગણેશપ્રિયા જાસૂદના. ચાલો જાણીએ બીજા શું-શું છે એ...


ગણેશજીનાં ચરણોમાં દૂર્વાની પુડી ધરવામાં આવે છે અને તેમને ગળામાં લાલ જાસૂદનાં ફૂલોની માળા બહુ પ્રિય હોય છે. મનમોહક લાલચટક રંગનાં આ ફૂલ દેખાવમાં જેટલાં સુંદર છે એટલા જ એના ગુણો પણ ખૂબ છે. એના ફૂલનો દરેક ભાગ ઉપયોગી છે. મતલબ કે ફૂલો, પાંદડાં અને મૂળ બધું જ. પહેલાંના સમયમાં જાસૂદનાં ફૂલનો રસ કે પેસ્ટ કાઢી એનો ઉકાળો બનાવીને વાપરવામાં આવતો હતો, જ્યારે હવે મૉડર્ન સાયન્સમાં એને ચા કહેવાય છે. એનાં ફૂલ અંગ્રેજીમાં હિબિસ્કસ તરીકે ઓળખાય છે અને એની ચા હિબિસ્કસ ટી પોષક તત્ત્વોનો ખજાનો ગણાય છે. અનિદ્રા, એનીમિયા, સ્થૂળતા, હાઈ બ્લડ-પ્રેશર, શરદી, વાળની સમસ્યા, ખોડો, ટાલ પડવી, યાદશક્તિ ઘટવી, વાઇટ ડિસ્ચાર્જ, માસિક વધુપડતું આવવું, અશક્તિ, મોઢામાં ચાંદાં જેવા તમામ રોગોમાં હિબિસ્કસ ટી ખૂબ ફાયદાકારક છે. પેટમાં દુખાવો, માથાનો દુખાવો, તાવ, આંખમાં બળતરા, ઊલટી, ઝાડા, પાઇલ્સ, ચામડીના રોગો અને પાચનતંત્રની સમસ્યાઓથી આ ફૂલનો ઉપયોગ રાહત આપે છે.



જાસવંતી એટલે સંપૂર્ણ ફૂલ


અંગ્રેજીમાં જે હિબિસ્કસના નામે ઓળખાય છે એ જાસવંતીની ગણના વૈજ્ઞાનિક રીતે Complete flower એટલે સંપૂર્ણ ફૂલ તરીકે થાય છે; કારણ કે આ ફૂલને વ્રજ છે, પાંખડીઓ છે. સાથે-સાથે પુંકેસર અને સ્ત્રીકેસર પણ વિકસિત અવસ્થામાં છે. એનો આકાર જોઈને આપણને ગણપતિની યાદ આવી જાય. એની પાંખડીઓ ગણપતિના કાન જેવી લાગે છે તો સ્ત્રીકેસર-પુંકેસર હાથીની સૂંઢ સમાન ભાસે છે. લાલ રંગ ગણપતિને ખૂબ જ પ્રિય છે. આપણે મંગળવારના દિવસે ખાસ ગણ૫તિના મંદિરે જઈએ છીએ. ગણપતિને પ્રિય મંગળ ગ્રહનો રંગ પણ લાલ છે. લોહી જેવો લાલ રંગ શક્તિ અને સ્ફૂર્તિનું પ્રતિનિધિત્વ કરે છે .

ફૂલનાં પોષક તત્ત્વો


જાસૂદના ૧૦૦ ગ્રામ પાઉડરમાં આ પ્રમાણે પોષક તત્ત્વો ઉપલબ્ધ છે : કૅલ્શિયમ ૪૬ મિલિગ્રામ, મૅગ્નેશિયમ ૧૭ મિલિગ્રામ, પોટૅશિયમ ૩૦૩ મિલિગ્રામ, ફૉસ્ફરસ ૪૦ મિલિગ્રામ, આયર્ન ૧૨૫ મિલિગ્રામ અને ઝિન્ક ૦.રપ મિલિગ્રામ. આ ઉપરાંત વિટામિન એ, બી-૧, બી-૩, બી-પ, બી-૬, સી અને કે પણ ઉપલબ્ધ છે.

જાસવંતીનાં ફૂલનો રસ પાંચથી ૧૦ મિલીગ્રામ અથવા એની પાંચથી ૧૦ ગ્રામ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. નહીંતર એનો ઉકાળો ૧૦થી ૨૦ મિલીલીટરની માત્રામાં બનાવીને પી શકાય છે અથવા એની કળીઓ ચાવવાથી પણ એનો ફાયદો મેળવી શકાય છે.

જાસૂદના ફાયદા

આયુર્વેદમાં ફૂલોનો પણ ટૉનિક તરીકે ઉપયોગ થઈ શકે છે અને જાસૂદ તો ઘણી જ બીમારીઓમાં ઔષધ તરીકે વપરાય છે. જાસવંતીનો ઉપયોગ ભૂખ જગાડનારા એક ટૉનિક તરીકે પણ થઈ શકે છે અને એના ઘણા સ્વાસ્થ્ય-લાભ છે. આ ફૂલના અધધધ ગુણોનું વર્ણન કરતાં બોરીવલીના પ્રસિદ્ધ આયુર્વેદનિષ્ણાત ડૉ. દિલીપ ત્રિવેદી કહે છે, ‘જાસવંતીનાં ફૂલ માથાના વાળથી લઈને પગની ચામડી સુધીનાં અંગોમાં અને બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થયાં છે. પર્ફેક્ટ ફલાવર તરીકે નવાજાયેલા આ ફૂલમાંથી બનતું તેલ વાળ માટે ખૂબ ગુણકારી છે. વાળ ખરી પડવાની કે બાલ્ડનેસ (ટકલાપણા)ની બીમારીમાં એ ઉપયોગમાં લેવાથી ખૂબ ફાયદા થાય છે. જાસૂદ નાખેલું તેલ જો ન મળે તો ઘરે આ ફૂલને પીસીને એની પેસ્ટ બનાવી શકાય અને એમાં ગૌમૂત્ર મિક્સ કરીને વાળમાં લગાડી શકાય. આનાથી વાળનો સુપેરે વિકાસ થાય છે. તમે ચાહો તો જાસવંતીનું તેલ ઘરે પણ બનાવી શકાય છે. આ તેલ માથામાં લગાવવાથી વાળનો વિકાસ તો થાય છે, સાથે એની સુંદરતામાં પણ વધારો થાય છે. આ તેલની સુવાસથી આપણા પર ઍરોમેટિક અસર પણ થાય છે. એ આપણો મૂડ સુધારે છે, મગજની કાર્યશક્તિ ખીલે છે, ચુસ્તી અને સ્ફૂર્તિમાં વધારો થાય છે.’

કફ અને પિત્તનાશક છે

શરદ જેવી રોગિષ્ઠ ઋતુમાં પણ જાસવંતી મિત્ર બનીને આવે છે. આ ઋતુમાં શરીરને પિત્ત અને કફની બીમારીઓ સતાવતી હોય છે. ડૉ. દિલીપ ત્રિવેદી કહે છે, ‘ગુલાબની જેમ જાસવંતીની પાંખડીઓમાંથી પણ ગુણકારી ગુલકંદ બનાવી શકાય છે. જાસવંતી ગરમી અને કફનાશક દવા તરીકે ખૂબ કામ લાગે છે.’

લોહીનું શુદ્ધીકરણ કરે અને મહિલાઓની સમસ્યામાં ઔષધ

જાસૂદના પાઉડરનું સેવન કરવાથી બીજા પણ અનેક ફાયદા થાય છે. ડૉ. દિલીપ ત્રિવેદી કહે છે, ‘આ પાઉડર શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરે છે અને રુધિરાભિસરણ તંત્ર પણ સુધારે છે. એને કારણે ચામડીને લગતી કોઈ પણ બીમારીમાં એ ફાયદાકારક સાબિત થાય છે. જાસવંતીના પાઉડરનો ઉપયોગ મહિલાઓને પણ લાભકર્તા છે. માસિક સ્રાવ દરમ્યાન વધુ પડતું લોહી વહી જતું હોય કે શ્વેતપ્રદર એટલે કે સફેદ પાણી પડવાની તકલીફ હોય તો એમાં રાહત રહે છે. જાસૂદનું ફૂલ યોનિને ઇન્ફેક્શન (ચેપ) અને ઇરિટેશન (ખંજવાળ)થી બચાવે છે.

જાસવંતીની ચા પીઓ, ખુશખુશાલ રહો

  • જાસવંતીના ફૂલની પાંખડીઓ નાખીને બનાવેલી ચા સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. આ ચા ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર હોવાથી ઘણી ફાયદાકારક છે.
  • એમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ જેવાં કે વિટામિન સી, બિટા કૅરોટિન અને એેન્થોસાઇનિન મોજૂદ છે. એના ફાયદા શરીરને મળે છે.
  • આ ચા રક્તનલિકાઓની કાર્યક્ષમતા વધારે છે, બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડે છે.
  • ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે, લીવર તંદુરસ્ત રાખે છે, વજન ઘટાડવામાં અતિ ઉપયોગી છે.
  • સાકરને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે લાભદાયક છે.
  • કિડનીમાં પથરી હોય તો આ ચા પીવાથી લાભ થાય છે. એનર્જી આપે છે, થાક દૂર કરે છે, શક્તિદાયક છે અને મૂડ સુધારે છે.

જાસૂદનો પાઉડર કેટલા પ્રમાણમાં લેવો?

આ પાઉડરનું સેવન કેટલું અને કેવી રીતે કરવું એનો ફોડ પાડતાં ડૉ. દિલીપ ત્રિવેદી કહે છે કે અડધોથી એક ચમચી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી ખૂબ ફાયદો થાય છે. એના વધુ પડતા સેવનથી આંખની સમસ્યા થઈ શકે છે. એ પોતે ખૂબ જ ઠંડું છે એટલે એ ઠંડા શરીરવાળા લોકો માટે હાનિકારક છે. સમસ્યા હોય તો તરત જ કાળા મરી અથવા ખાંડનું સેવન કરવું જોઈએ. ઔષધિ તરીકે જાસૂદનો ઉપયોગ કરતા હો તો આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

ગાર્ડનમાં કે બાલ્કનીમાં પણ ઉગાડી શકાય

આ ફૂલ ઘરના ગાર્ડનમાં કે પછી બાલ્કનીમાં કે કિચનમાં પણ કૂંડું મૂકીને સરળતાથી ઉગાડી શકાય છે. જાસવંતીના ફૂલમાં સ્ત્રી અને પુરુષ બેઉ પ્રજનનાંગો હાજર હોય છે. આથી આ પ્રજાતિનું ઉત્પાદન અને વિકાસ ઓછી મહેનતે પણ વધુ સારી રીતે થઈ શકે છે. એનાં પાન પણ ચળકતાં લીસાં અને આકર્ષક હોય છે. જાસવંતીનો છોડ ઘરની શોભા વધારે છે. સાથે-સાથે વિઘ્નહર્તા ગણેશને પણ પ્રસન્ન રાખે છે. મા દુર્ગાને પણ આ ફૂલ ખૂબ પ્રિય છે એટલે નવરાત્રિમાં તેમને પણ ચડાવી શકાય. પરમ શક્તિને ચડાવ્યા પછી આ ફૂલને ફેંકી ન દેતાં એમાંથી તન-મનને ઉપયોગી અનેક ઉત્પાદનો મેળવી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK