Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મધરહુડ સાથે સંકળાયેલા રિસ્કને કઈ રીતે ટાળશો?

મધરહુડ સાથે સંકળાયેલા રિસ્કને કઈ રીતે ટાળશો?

Published : 07 April, 2025 12:09 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

નવી મમ્મીઓ અને બાળકોને બચાવવાની થીમ સાથે ઊજવાઈ રહ્યો છે આજે વર્લ્ડ હેલ્થ ડે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુનિયાભરમાં લગભગ ત્રણ લાખ મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન મૃત્યુ પામે છે અને વર્ષે લગભગ વીસ લાખ બાળકો જન્મના એક જ મહિનામાં સારવારના અભાવે મૃત્યુ પામે છે. દુનિયાની દૃષ્ટિએ ભારતમાં ગર્ભધારણ સાથે સંકળાયેલો મૃત્યુનો દર ઘટ્યો છે. એ પછીયે આજે જાણીએ કે એવાં કયાં કારણો છે જેના લીધે જનેતા બનવાનું સુખ મળે એ પહેલાં જ માતા અને જસ્ટ જન્મેલું અથવા ન જન્મેલું બાળક કાળનો કોળિયો બની જાય છે


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે કે દર વર્ષે લગભગ ત્રણ લાખ મહિલાઓ પ્રેગ્નન્સી દરમ્યાન અથવા બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે. લગભગ વીસ લાખ બાળકો જન્મ્યાના એક મહિનાની અંદર જ મૃત્યુ પામે છે અને વીસ લાખ બાળકો જન્મતાં પહેલાં મૃત્યુ પામે છે. વધુ આંચકાદાયક બાબત એ છે કે દર સાત સેકન્ડે થઈ રહેલા આ એક ડેથને અટકાવી શકાય છે. બાળકના જન્મ પહેલાં અને પછી પ્રેગ્નન્ટ મહિલાને જરૂરી સુવિધાઓ પૂરી પડાય તો મૃત્યુના મુખમાંથી તેમને બચાવી શકાય અને બાળકનો પણ સુરક્ષિત જન્મ થઈ શકે એ આશયથી જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આ વખતે વર્લ્ડ હેલ્થ ડેને ‘હેલ્ધી બિગિનિંગ, હોપફુલ ફ્યુચર’ની થીમ આપી છે જેમાં દરેક દેશમાં ચાઇલ્ડ-બર્થ સાથે સંકળાયેલી બાબતોની જાગૃતિ લાવવામાં આવશે.



ભારતની સ્થિતિ બહેતર


ભારતમાં મૅટરનલ મોર્ટાલિટી રેશિયો એટલે કે ગર્ભધારણ સાથે સંકળાયેલો મૃત્યુદર ઘટ્યો છે. ૧૯૯૭-’૯૮માં દર એક લાખ બાળકના જન્મદર સામે ૪૧૨ બાળકો મૃત્યુ પામતાં હતાં, જેની તુલનાએ ૨૦૧૭-’૧૯માં આ દર ઘટીને ૧૦૩ પર પહોંચી ગયો હતો. છેલ્લા આંકડા પ્રમાણે દર લાખ બાળકના જન્મ સામે ૯૭ બાળકો મૃત્યુ પામે છે. નૅશનલ હેલ્થ પૉલિસીની દસ વર્ષ પહેલાં ભારત સરકારે શરૂઆત કરી હતી, જેમાં આ ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો જેને અચીવ કરી લેવામાં આવ્યો છે. ગ્લોબલ દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં મૅટરનલ મોર્ટાલિટી રેટ બંગલાદેશ, મૉરોક્કો, નેપાલ, સેનેગલ જેવા દેશોની તુલનાએ ઘણો ઘટ્યો છે. ભારત સરકાર યુનાઇટેડ નેશન્સ દ્વારા અપાયેલા ટાર્ગેટ મુજબ ૨૦૩૦ સુધીમાં મૅટરનલ મોર્ટાલિટી રેટ ઘટીને ૭૦ સુધી પહોંચે એવા પ્રયાસો કરી રહી છે. અત્યારે ભારતમાં મૅટરનલ મોર્ટાલિટી રેટનું સૌથી ઓછું પ્રમાણ અનુક્રમે કેરલા, મહારાષ્ટ્ર, તેલંગણ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઝારખંડ, ગુજરાત અને કર્ણાટકમાં છે. ભારતની સ્થિતિ સુધરી રહી છે એ પછીયે આજે બાળનિષ્ણાત પાસેથી જાણીએ કે આજે પણ એવી કઈ બાબતો છે જેના પ્રત્યેની બેદરકારી નવી મમ્મીઓને મૃત્યુ તરફ ખેંચી જાય છે.

મુખ્ય કારણો


સરકારી હૉસ્પિટલમાં સેવા આપી ચૂકેલાં અને જુહુ પર પ્રાઇવેટ ‌ક્લિનિક ધરાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ધૃપ્તિ દેઢિયા કહે છે, ‘સામાન્ય રીતે અન્ડરપ્રિવિલેજ્ડ હોય એવી મહિલાઓની પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન્સ થતાં હશે એવી માન્યતા હોય છે, પરંતુ એ વાસ્તવિકતા નથી. દરેક ક્લાસ અને દરેક ઉંમરમાં જુદાં-જુદાં કારણોસર પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન્સ આવતાં હોય છે અને ઘણી વાર માતા, બાળક અથવા તો બન્ને માટે જીવનું જોખમ સુધ્ધાં ઊભું થતું હોય છે. એટલે જો તમે એમ માનતા હો કે પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ લેનારી મહિલાઓ સેફ અને સુરક્ષિત છે તો એ તમારી ભૂલ છે. અફકોર્સ, બન્નેનાં કારણો જુદાં-જુદાં છે જેને આપણે આગળ વિગતવાર સમજીશું.’

ઉંમર મહત્ત્વનું કારણ

માતા પર પ્રેગ્નન્સી વખતે જોખમ ઊભું થવા પાછળ ઉંમર મોટું કારણ હોય છે એમ જણાવીને ડૉ. ધૃપ્તિ કહે છે, ‘સામાન્ય રીતે ૨૪થી ૩૪ વર્ષની ઉંમરમાં જો છોકરી મમ્મી બનવાનો નિર્ણય લઈ લે તો તેનું શરીર હજીયે બાળકને કૅરી કરવા માટે સક્ષમ છે એમ માની શકાય. જોકે બહુ જ નાની ઉંમરમાં બાળક કરે ત્યારે સ્ત્રીનું શરીર બાળકના ભારને વહન કરવા માટે સક્ષમ નથી હોતું. નબળા શરીરને કારણે બાળકનો વિકાસ અપૂરતો રહે અને મિસકૅરેજ થવાના ચાન્સ કે જન્મ પહેલાં અથવા જન્મ પછી તરત જ બાળકનું મૃત્યુ થવાની સંભાવના રહે છે. ગામડાંમાં નાની ઉંમરમાં લગ્ન કરી લેતી છોકરીઓમાં ઉંમર નાની હોય ત્યારે હીમોગ્લોબિનની કમી હોય. ઘણી વાર બહેનોનો પેલ્વિક એરિયા પૂરેપૂરો ડેવલપ ન થયો હોય. ઘણા કેસમાં અમે જોયું છે કે પેલ્વિક બોન નાનો હોય અને પરિવારવાળા નૉર્મલ ડિલિવરીનો આગ્રહ કરતા હોય. બાળકને નૉર્મલ ડિલિવરીથી બહાર આવવા માટે જે જગ્યા જોઈએ એ ન હોય અને વધુપડતું જોર કરવાને કારણે જે સંકુચન થાય એ બાળક સહન ન કરી શકે. બાળક સ્ટૂલ કરી દે અને નાક વાટે એ લંગ્સમાં પહોંચી જાય ત્યારે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામી જતું હોય છે. બીજી બાજુ ૩૫ વર્ષ પછીના વયજૂથમાં મહિલાઓ બાળક કરવાનું પ્લાન કરતી હોય ત્યારે પણ પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન્સ થતાં હોય છે. પ્રીમૅચ્યોર ડિલિવરીના કેસિસ નાની ઉંમરની અને એક ઉંમર વટાવી ચૂકેલી મહિલાઓમાં વિશેષ જોવા મળે છે અને આજે પણ આપણે ત્યાં ગામડાંઓમાં અને ઈવન શહેરોની સરકારી હૉસ્પિટલમાં પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર યુનિટ (PICU) અને નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU) જેવી સુવિધાઓ નથી હોતી. એટલે પ્રીમૅચ્યોર જન્મેલા બાળકને જે પ્રારંભિક સંભાળ મળવી જોઈએ એ નથી મળતી અને તેનો જીવ જોખમમાં મુકાય છે.’

સ્ટ્રેસ અને હાઇપરટેન્શન

ભારતમાં પ્રેગ્નન્સીને લગતા મૃત્યુદરમાં ૪૭ ટકા કારણમાં ઑબ્સ્ટેટ્રિક હૅમરેજ હોય છે એટલે કે ડિલિવરી વખતે, પહેલાં અથવા પછી વધુપડતું લોહી વહી જાય. પ્રેગ્નન્સીને લગતાં ઇન્ફેક્શન અને હાઇપરટેન્શન પણ મૅટરનિટીને લગતા મૃત્યુદરમાં મહત્ત્વનાં કારણો મનાય છે. ડૉ. ધૃપ્તિ કહે છે, ‘પ્રેગ્નન્સી દરમ્યાન ખાવા-પીવામાં સરખું ધ્યાન ન આપ્યું હોય અને ડિલિવરીનો સમય નજીક આવે એ સમયે પણ જો ઓવર-એક્ઝર્શન કર્યું હોય અથવા તો એકસામટું સ્ટ્રેસને કારણે બ્લડપ્રેશર વધતું જ જાય ત્યારે વધારે પડતું બ્લીડિંગ થવાની સમસ્યા રહે છે. બ્લડપ્રેશર જો મૅનેજ ન થાય અથવા તો એનું વધવું નજરઅંદાજ થઈ જાય ત્યારે એ જીવલેણ સાબિત થાય છે.’

ખરાબ લાઇફસ્ટાઇલ

આજની યંગ પ્રોફેશનલ મહિલાઓ પોતાના કરીઅર-ગોલ્સને કારણે પ્રેગ્નન્સી પાછળ ઠેલતી રહે છે. ડૉ. ધૃપ્તિ કહે છે, ‘એ એકમાત્ર પ્રૉબ્લેમ નથી. એક તરફ ઉંમર વધુ હોય અને બીજી બાજુ લાઇફસ્ટાઇલ ખૂબ જ ખરાબ હોય. આજે બહુ જ મોટા પ્રમાણમાં મહિલાઓમાં પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) નામની બીમારી જોવા મળી રહી છે. પ્રેગ્નન્સી ન રહેવાનું આજનું આ સૌથી મોટું કારણ છે જે કલ્પનાતીત રીતે સ્પ્રેડ થયું છે તો બીજી બાજુ મોટી ઉંમરે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી ટ્રીટમેન્ટ થકી જ્યારે પ્રેગ્નન્સી રહેતી હોય ત્યારે ટ‍્વિન્સ હોવાની સંભાવના વધુ હોય. એમાં જો માતા જન્ક ફૂડ પર નિર્ભર રહેતી હોય, તેની લાઇફસ્ટાઇલનાં ઠેકાણાં ન હોય, પ્રૉપર ઊંઘ ન લેતી હોય, જરૂરી બૉડી-મૂવમેન્ટ ન થતી હોય ત્યારે પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન્સ ઊભાં થાય અને બાળક તથા માતાના જીવ જોખમમાં મુકાતા હોય છે. ખરાબ ઈટિંગ હૅબિટ પણ હાઈ બ્લડપ્રેશર અને બ્લડ-શુગરમાં ઉમેરો થવા માટે જવાબદાર હોઈ શકે. વેઇટ વધારે હોય અને લાઇફસ્ટાઇલ ખરાબ હોય ત્યારે ઑટોઇમ્યુન સમસ્યાઓ વધવાની સંભાવના વધી જાય છે.’

સેફ પ્રેગ્નન્સી માટે શું ધ્યાન રાખવું?

સેફ પ્રેગ્નન્સી માટે શું ધ્યાન રાખવું એ વિશે વાત કરતાં ડૉ. ધૃપ્તિ દેઢિયા કહે છે, ‘આજના સમયમાં બાળકની ડિલિવરી સુરક્ષિત રીતે થાય એવું ઇચ્છતા હો તો તમે તમારી લાઇફસ્ટાઇલ સુધારો અને ઉચિત ઉંમરમાં પ્રેગ્નન્ટ થવાનો નિર્ણય લો. ૨૩-૨૪ વર્ષથી લઈને ૩૩-૩૪ વર્ષની ઉંમર સુધીમાં બાળક કરવાનો નિર્ણય ઉચિત રહેશે. પ્રેગ્નન્સી પ્લાન કરતા હો ત્યારથી જ તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલને બહેતર કરી દો. પ્રેગ્નન્સી દરમ્યાન જન્ક ફૂડ કે કોલ્ડ ડ્રિન્ક્સ વગેરે બિલકુલ ન ખાઓ. હેલ્ધી ડાયટ, હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ઉચિત ઉંમર જ સેફ પ્રેગ્નન્સીનો રસ્તો છે.’  

 તમને ખબર છે?

દુનિયામાં દરરોજ ૮૦૦ મહિલાઓ પ્રેગ્નન્સી અને બાળકના જન્મ સાથે ટાળી શકાયાં હોત એવાં કૉમ્પ્લીકેશન્સને કારણે મૃત્યુ પામે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2025 12:09 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK