ભરાયેલા પાણીમાં ગમે એટલું સંભાળીને ચાલીએ પણ પગ પડી જાય અને એને કારણે ખાસ કરીને ડાયાબિટીઝના દરદીને કેટલી મોટી હેરાનગતિ ઊભી થઈ શકે એનો અંદાજ હોવો જરૂરી છે. ઘણા બધા લોકો એવા છે જેમને મૉર્નિંગ વૉક કરવા જવું જ જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
આમ તો પગમાં ઘા થવાની તકલીફ ડાયાબિટીઝના દરદીને કોઈ પણ ઋતુમાં ઉદ્ભવી શકે છે, પરંતુ ચોમાસામાં એનું રિસ્ક ઘણું વધી જાય છે. અત્યારે મુંબઈની જે હાલત છે એ મુજબ થોડા વરસાદમાં પણ ઘણા એરિયામાં પાણી ભરાઈ જતું હોય છે. એ ભરાયેલા પાણીમાં ગમે એટલું સંભાળીને ચાલીએ પણ પગ પડી જાય અને એને કારણે ખાસ કરીને ડાયાબિટીઝના દરદીને કેટલી મોટી હેરાનગતિ ઊભી થઈ શકે એનો અંદાજ હોવો જરૂરી છે. ઘણા બધા લોકો એવા છે જેમને મૉર્નિંગ વૉક કરવા જવું જ જોઈએ. ગાર્ડનમાં ન જાય તો તેમને ચાલે નહીં. આ આદત ખૂબ સારી છે, પણ ચોમાસામાં જ્યાં ગાર્ડનમાં પાણી ભરાયું હોય ત્યારે આ જીદ ભારે પડી શકે છે. આ સમયે પાર્કિંગમાં કે મૉલમાં ચાલવાની આદત કેળવો. આ ચાર મહિના તમારે તમારો પગ ખૂબ સંભાળવાનો છે એ યાદ રાખવું.
કારણ કે વરસાદના પાણીમાં પગમાં જખમ થવાનું રિસ્ક વધુ જ રહે છે. ખાસ કરીને ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિનાં પગમાં વાઢિયાં હોય તેમને આ ખુલ્લી જગ્યામાંથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ સિવાય પગ વધુ સમય માટે ભીના રહે તો ફંગલ ઇન્ફેક્શન થવાનું રિસ્ક પણ વધારે રહે છે. આ પ્રકારના કોઈ પણ ઇન્ફેક્શનને તાત્કાલિક ઠીક કરવું જરૂરી છે, કારણ કે ઇન્ફેક્શન જો ફેલાઈ ગયું તો ખૂબ તકલીફ થાય છે. ડાયાબિટીઝના દરદીઓનું ઇન્ફેક્શન આમ પણ ઠીક થતા ખૂબ વાર લાગે છે. જો પગનું ઇન્ફેક્શન વધ્યું તો ગૅન્ગ્રીન થવાની શક્યતા પણ વધે છે અને આ પરિસ્થિતિને કાબૂમાં ન કરી શક્યા તો પગ કાપવા સુધીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
માટે ચોમાસામાં જેમને ડાયાબિટીઝ છે તે વ્યક્તિએ પોતાના પગની કાળજી કઈ રીતે રાખવી એ સમજી લેવું જરૂરી છે. જે માટે કોઈ પણ જગ્યાએ ઘરમાં હોય કે બહાર તેમણે ખુલ્લા પગે ન ચાલવું જોઈએ. બીજું એ કે તેમના પગ ભીના ન રહે, એકદમ સૂકા થઈ જાય એની કાળજી પણ રાખવી. બહાર પગ પલળેલા હોય તો ઘરે આવીને હુંફાળા પાણી અને સાબુથી વ્યવસ્થિત ધોઈને સૂકા કરવા. જે લોકો પગ ધૂએ છે તેઓ પણ આંગળીઓ વચ્ચેની જગ્યા પર ધ્યાન આપતા નથી. ત્યાં વ્યવસ્થિત સાફ ન થાય તો ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. માટે જરૂરી છે કે અંગૂઠા અને આંગળી વચ્ચે કે બે આંગળીની વચ્ચે પણ વ્યવસ્થિત સાફ થાય અને એ જગ્યા સૂકી રહે. પાણી કે પરસેવો ભરાય ન રહે. આ સિવાય રબર કે પ્લાસ્ટિકના શૂઝ ન પહેરો તો વધુ યોગ્ય છે. પહેરો તો અંદર મોજાં પહેરવા જેથી પગ છોલાય નહીં કે ઘસાય નહીં.