ઇમોશનલ ઇટિંગને કારણે વ્યક્તિ ઓબેસિટીનો ભોગ તો બને જ છે અને સાથે-સાથે માનસિક રીતે પડી ભાંગે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
આપણે હંમેશાં ભૂખને સંતોષવા માટે ખોરાક ખાતા નથી. ખોરાક આપણા ઇમોશન્સ સાથે જોડાયેલી વસ્તુ છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે કંઈક ગળ્યું ખાઈએ. જ્યારે દુખી હોઈએ છીએ ત્યારે ખોરાક ગળેથી નીચે ઊતરતો નથી એવું લાગે છે. જ્યારે આપણે ઉદાસ હોઈએ અને મમ્મી આપણું કાંઈક ભાવતું ખાવાનું લઈ આવીને બનાવે તો બે મિનિટમાં મૂડ બદલાય જાય છે. ઋતુઓ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, ઘરની રીતભાત મુજબ, સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ, મૂડ અને લાગણીઓ મુજબ ખોરાક બદલાતો રહે છે અને ખોરાક મુજબ વ્યક્તિનું શરીર અને તેની જિંદગી. જ્યારે લાગણીઓના આધારે માણસ ખોરાક લેતો થઈ જાય ત્યારે એ ઇમોશનલ ઇટિંગ થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે.
સામાન્ય રીતે લોકો ઇમોશનલ ઇટિંગ એટલા માટે કરે છે કે તેઓ જે લાગણીમાંથી પસાર થઈ રહ્યા છે એ લાગણીમાંથી બહાર આવવા માટેનો માર્ગ પોતાને કમ્ફર્ટ ફીલ કરાવવાનો માર્ગ તેમને ખોરાક થકી જ દેખાય છે. તેમને લાગે છે કે તેમને જે ઇરિટેશન કે સ્ટ્રેસ થઈ રહ્યાં છે એમાંથી તે આ રીતે બહાર આવી શકશે, પરંતુ એવું થતું નથી. સામાન્ય રીતે એક કપ આઇસક્રીમ બસ થઈ જાય છે, પરંતુ ઇમોશનલ ઇટિંગમાં વ્યક્તિને આઇસક્રીમ ખાવાથી ટેમ્પરરી સારું લાગે છે અને એ ચક્કરમાં તે લિમિટ સમજી શકતો નથી. પવધુ આઇસક્રીમ ખાવાથી ઇમોશનલ કન્ડિશન બદલાતી નથી. વળી આટલો કૅલરીયુક્ત ખોરાક ખાધો હોવાથી વ્યક્તિ અપરાધભાવ અનુભવે છે કે જે ખાવાનું નથી એ તેણે લિમિટલેસ રીતે ખાઈ લીધું છે. આવા એપિસોડ જ્યારે વધતા જાય ત્યારે માણસ ઓબેસિટીનો શિકાર બને છે એટલું જ નહીં, માનસિક રીતે તેને ઘણું નુકસાન થાય છે.
ADVERTISEMENT
ઇમોશનલ ઇટિંગને કારણે વ્યક્તિ ઓબેસિટીનો ભોગ તો બને જ છે અને સાથે-સાથે માનસિક રીતે પડી ભાંગે છે. આવું તેની સાથે જ થાય છે જે પોતાનાં ઇમોશન્સને હૅન્ડલ કરી શકતા નથી. આવી વ્યક્તિને એમાંથી બહાર નીકળવાનું તેને અઘરું લાગે છે. આવી વ્યક્તિએ સજાગ થઈને પોતાની લાગણીઓને કઈ રીતે કાબૂમાં રાખવી એ શીખવું જોઈએ. ખોરાક કોઈ પણ રીતે તમને તમારા સ્ટ્રેસ કે ડિપ્રેશનમાંથી બહાર કાઢશે નહીં એ હકીકત સમજો અને લાગણીઓમાંથી બહાર નીકળવાના બીજા રસ્તા શોધો.