મોગરી શાકના ફાયદા જાણશો તો વીકમાં એક વાર તો તમારી થાળીમાં આ શાક સજાવવાનું મન ચોક્કસ થશે
મોગરી
બહુ ઓછી જાણીતી અને ટ્રેડિશનલ રેસિપીઓમાં જ વપરાતી મોગરી કદાચ એના સ્વાદને કારણે લોકપ્રિય નથી, પરંતુ એના સ્વાસ્થ્યના ફાયદાને ઓછા આંકવા જેવા નથી. મોગરી પર વધુ અભ્યાસો થયા નથી, પરંતુ વનસ્પતિશાસ્ત્રીઓથી લઈને ન્યુટ્રિશનિસ્ટ અને આયુર્વેદ નિષ્ણાતો પણ જેને સુપરફૂડની કૅટેગરીમાં મૂકે છે એ શાકના ફાયદા જાણશો તો વીકમાં એક વાર તો તમારી થાળીમાં આ શાક સજાવવાનું મન ચોક્કસ થશે
મોગરી અને મૂળા બન્ને એકબીજા સાથે પુષ્કળ સામ્ય ધરાવે છે. તેમ છતાં જેટલા મૂળા ખવાતા હોય છે એટલી મોગરી નથી ખવાતી. જોકે આ એક સુપરફૂડ છે જેને અવગણવું ન જોઈએ. મોગરી વિશે બહુ ઓછા અભ્યાસો થયાં છે, પરંતુ જે અભ્યાસો થયા છે એ બહુ મોટી આશા જગાવનારા છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, બંગલાદેશ અને કેટલાક યુરોપિયન દેશોમાં પણ મોગરીની ખેતી થાય છે અને શાક તરીકે વપરાય છે. આપણે જે શાકને સાવ જ અવગણીએ છીએ એને યુરોપિયન દેશોમાં સૅલડ તરીકે પુષ્કળ ખાવામાં આવે છે એટલું જ નહીં, સૅન્ડવિચનું સ્પ્રેડ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. વનસ્પતિશાસ્ત્રીઓના દાવા છે કે આ શાકમાં જે પ્રકારનાં તીવ્ર ગંધ બક્ષતાં કેમિકલ્સ છે જે ફ્લેવનૉલ્સ, ફેનોલિક ઍસિડ અને આઇસોથાયોસાયનેટ્સ તરીકે ઓળખાય છે એને કારણે આ શાકને સુપરહેલ્ધીની કૅટેગરીમાં ગણવું જોઈએ. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બૉટનિકલ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર એમ. ડૅનિયલે લૅબોરેટરીમાં સઘન અભ્યાસ કર્યો છે. તેમનાં ઑબ્ઝર્વેશન્સ કહે છે કે મોગરીમાં રહેલાં કેમિલ્સ શરીરમાં પેદા થયેલા કૅન્સરજન્ય કોષોને હીલ કરવાની તેમ જ હાર્ટના રોગોને પ્રિવેન્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એ ઉપરાંત સાંધાઓના ઑટો ઇમ્યુન ડિસીઝ એવા રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ અને ડાયાબિટીઝની સમસ્યાને પણ કન્ટ્રોલમાં રાખી શકે એટલાં સ્ટ્રૉન્ગ અને પોષક કેમિકલ્સ મોગરીમાં છે. એક ખાસ કેમિકલ, જેનું નામ છે ક્વિર્સેટિન એ શરીરને કૅન્સર, કાર્ડિયોવૅસ્ક્યુલર, અલ્સર, ઍલર્જી અને મોતિયાની સમસ્યાના પ્રિવેન્શનમાં મદદરૂપ થઈ શકે એવું છે.
ADVERTISEMENT
સુપરહેલ્ધી કેમ છે?
આપણે ત્યાં મોગરી બે પ્રકારની મળે છે. એક લીલી અને બીજી જાંબલી. શિયાળામાં મળતું આ શાક કાચું ખાઈએ તો પણ સરસ લાગે છે એટલે કચુંબર સ્વરૂપે તો ખાઈ જ શકાય પરંતુ એનું શાક પણ સુપર ટેસ્ટી બને છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને અન્ય ખનીજ દ્રવ્યોથી ભરપૂર આ શાક વિશે ન્યુટ્રિશનિસ્ટ કરિશ્મા મહેતા કહે છે, ‘આને મૂળાના અંકુર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ વિટામિન્સ, ખનીજ તત્ત્વો અને ઍન્ટિઑક્સિડન્ટના પાવરહાઉસ છે. મોગરી વિટામિન Cનો પણ ઉત્તમ સ્રોત છે. આ શાક ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. મોગરીના ઉપયોગથી શરીરમાં કૉલેજનનું ઉત્પાદન વધે છે અને એ કારણે ત્વચાને ઘણોબધો ફાયદો થાય છે. મોગરીને વિટામિન Aનો પણ સમૃદ્ધ સ્રોત ગણવામાં આવે છે. વિટામિન A આપણી આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે જો મોગરી ખાવામાં આવે તો એ આંખ માટે પણ ફાયદાકારક પુરવાર થાય છે. આ ફોલેટનો પણ એક મોટો સ્રોત છે જે DNA સિન્થેસિસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ તો મોગરી ચોક્કસપણે ખાવી જોઈએ. આમાં ફાઇબર પણ ભરપૂર હોય છે જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે અને આંતરડાના કાર્યને બેટર બનાવે છે. જેમને ખૂબ બ્લોટિંગ થતું હોય એવા લોકો માટે મોગરી ખૂબ અસરકારક નીવડે છે.’
મોગરીમાં કૅન્સરને નાથવાના ગુણ પણ રહેલા છે એવું જણાવતાં કરિશ્મા મહેતા કહે છે, ‘મોગરીમાં સલ્ફોરાફેનનું પ્રમાણ ઘણું છે. આ એક કૉમ્બિનેશન છે અને એ પોતાના કૅન્સર વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. આ કૉમ્બિનેશન શરીરને ડીટૉક્સિફાય કરવામાં પણ મદદ કરે છે. લિવરને સ્ટ્રૉન્ગ બનાવે છે અને કૉલેસ્ટરોલનું સ્તર ઘટાડીને હૃદયરોગ જેવા ક્રૉનિક રોગોનું જોખમ પણ ઘટાડે છે. મોગરીમાં આયર્ન અને મૅગ્નેશિયમ જેવાં શરીરને આવશ્યક ખનીજો પણ રહેલાં છે, જેને કારણે રક્તકણોમાં વધારો થાય છે, હાડકાં મજબૂત બને છે. એમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ શરીરને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. મોગરીમાં કૅલરીઝ ખૂબ ઓછી હોવાને કારણે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકો માટે પણ ઘણાબધા રૂપે ફાયદાકારક સાબિત થાય છે. લીલી મોગરીનો સ્વાદ જાંબલી મોગરી કરતાં થોડોક હળવો હોય છે. જાંબલીનો સ્વાદ સહેજ વધારે તેજ હોય. જાંબલી મોગરીમાં એન્થોસાયનિન્સ પણ હોય છે જે વધારાના ઍન્ટિઑક્સિસડન્ટ લાભો આપે છે. આ બન્ને પ્રકારની મોગરી પૌષ્ટિક છે પરંતુ લીલી મોગરી સામાન્ય રીતે વધુ સરળતાથી મળી રહે છે. મોગરી ધોઈને સીધેસીધી ખાઈ શકાય, કાંદા અને ટમેટાં સાથે મિક્સ કરીને મરીવાળું સૅલડ બનાવી શકાય. દહીંવાળું રાયતું બનાવી શકાય, સ્મૂધી બનાવતા હો તો એમાં પણ મોગરીનો ઉપયોગ કરી શકાય છે. એ સિવાય સૂપમાં નાખો કે સ્ટરફ્રાઇડ વેજિટેબલમાં ઉમેરો, સ્વાદમાં વધારો થશે. માર્કેટમાં સરસ મજાની લીલી અને જાંબલી બન્ને પ્રકારની મોગરી મળવા લાગી છે. ટ્રાય કરજો.’
બાર મહિનાની તંદુરસ્તી મેળવો
બ્યાસી વર્ષના વૈદ્ય મહેન્દ્ર ત્રિવેદીને આયુર્વેદમાં પ્રૅક્ટિસનો બાંસઠ વર્ષનો અનુભવ છે. વિલે પાર્લેમાં તેમનું નિર્ભયા ઔષધાલય નામે દવાખાનું છે. તેઓ કહે છે, ‘મોગરી ખાવામાં ભલે તીખી અને તૂરી લાગે પરંતુ એનો વિપાક મધુર છે. શિયાળામાં મોગરી અને મોગરા બે પ્રકાર આવે છે પણ મોગરા અહીં નથી મળતા, માત્ર સૌરાષ્ટ્રમાં જ મળે છે. મોગરી ખોરાકનું પાચન કરે છે. એમાં ભરપૂર લોહતત્ત્વ છે. એ લોહીને શુદ્ધ કરે છે. એનો સ્વાદ તૂરો અને તીખો હોય છે પરંતુ અંદર ગયા પછી એનું રૂપાંતર મધુરમાં થાય છે અને એનો એ જ ગુણ ખોરાક પચાવવામાં સહાય કરે છે. કાચી ખાવી હોય તો એના પર થોડું ધાણાજીરું છાંટીને ખાઈ શકાય. શિયાળામાં મોગરી અને રીંગણનું શાક બનતું હોય છે. આ બન્ને વસ્તુમાં ભરપૂર લોહ છે. શિયાળામાં ઘણી વખત શરીરમાંથી લોહ એટલે કે આયર્ન ઓછું થઈ જવાની સમસ્યા થતી હોય છે. ખોરાકમાં જો ભરપૂર આયર્ન લઈએ તો ફાયદાકારક રહે અને એ જ કારણે શિયાળામાં મોગરી અને રીંગણનું સીઝનલ શાક ખાવાની આપણે ત્યાં પ્રથા છે. મોગરી હીમોગ્લોબિન વધારવામાં એટલે કે રક્તકણ વધારવામાં પણ મોટો ભાગ ભજવે છે. શિયાળામાં કફ થવાની સમસ્યામાં પણ રાહત આપે છે. આ શાક માત્ર બે-ત્રણ મહિના મળે છે. કુદરત ઋતુ પ્રમાણે આપણને ખોરાક આપે છે અને એ પ્રમાણે જ ખોરાક લેવો જોઈએ. આ સીઝનમાં બે મહિના મોગરી ખાઈએ તો આખા વર્ષની તંદુરસ્તી ભેગી કરી લઈએ. આપણે કુદરતની આ થિયરી ફૉલો કરતા નથી અને શરીર બગાડીએ છીએ.’
કોણે મોગરી ન ખાવી જોઈએ?
જેમને અલ્સરની સમસ્યા હોય કે પછી પેટનું કળતર હોય તેમણે મોગરી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે, એની તાસીર ઉષ્ણ છે અને એના કારણે બળતરા થઈ શકે છે. એ ઉપરાંત પથરીની સમસ્યા હોય એવા તેમ જ લોહી પાતળું કરવાની દવા લેતા હોય એવા લોકોએ પણ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી મોગરીનું સેવન કરવું કારણ કે મોગરીમાં આયર્ન ભરપૂર હોય છે અને પથરી પણ આ જ તત્ત્વથી બનતી હોય છે અને એ કૉલેસ્ટેરોલ ઓછું કરે છે તેથી બ્લડ-સર્ક્યુલેશનમાં ફરક પડે છે.
રીંગણ અને મોગરીનું શાક
દોઢસો ગ્રામ મોગરી સામે અઢીસો ગ્રામ નાનાં રીંગણ લેવાનાં. બન્ને સમારી લેવાં. રીંગણનાં ચીરિયાં કરવાં. તેલમાં વાટેલું લસણ અને રાઈ-જીરું તેમ જ લીલાં મરચાં અને લીમડાનો રેગ્યુલર વઘાર મૂકવો. પહેલાં રીંગણ નાખવાં. એ થોડાંક પોચાં થાય પછી મોગરી નાખવી. મીઠું નાખીને રંધાવા દેવું. ચડવા આવે એટલે મરચાં, હળદર અને ધાણા જેવા સૂકા મસાલા નાખવા. એકાદ મિનિટ પછી અડધી વાટકી દહીંમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને શાકમાં ઍડ કરવું અને ફરી બેત્રણ મિનિટ ચડવા દેવું. છેલ્લે કોથમીર ભભરાવીને સર્વ કરવું. બાજરીના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.