હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીઝ બન્નેની પોતપોતાની સમસ્યા છે, જેને કારણે ઇમ્બૅલૅન્સ સર્જાઈ શકે છે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
હું ૬૬ વર્ષનો છું અને પાંચ વર્ષ પહેલાં હાર્ટ અટૅક આવ્યો હતો. એનું કારણ ઓબેસિટી નહીં, ડાયાબિટીઝ હતું. શુગર છેલ્લાં ૧૫ વર્ષથી છે. જોકે એ ઘણી હદે કાબૂમાં જ છે. બાકી મને બીજી કોઈ તકલીફ નથી. હું એક ખિલાડી રહી ચૂક્યો છું. છેલ્લા ૬ મહિનાથી ક્રિકેટ નથી રમી શકતો, કારણ કે એવું લાગે છે કે હું ગ્રાઉન્ડ પર પડી જઈશ. હું બે વાર પડી ચૂક્યો છું. શેને કારણે ઇમ્બૅલૅન્સ આવ્યું છે એ સમજી નથી શકાતું. મારાં હાડકાં ઘણાં સશક્ત છે. આર્થ્રાઇટિસનો તો સવાલ જ પેદા નથી થતો. ઉંમરને કારણે હશેે? ખરું કારણ શું હોઈ શકે?
ઉંમરને કારણે જો ઇમ્બૅલૅન્સની સમસ્યા હોય તો જરૂરી નથી કે આર્થ્રાઇટિસને કારણે જ આવે. બીજાં ઘણાં કારણો છે, જેને લીધે ઇમ્બૅલૅન્સ સર્જાઈ શકે છે. હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીઝ બન્નેની પોતપોતાની સમસ્યા છે, જેને કારણે ઇમ્બૅલૅન્સ સર્જાઈ શકે છે. તમે એક સ્પોર્ટ રમો છો એટલે એ ખૂબ જરૂરી છે કે તમને કયાં કારણસર ઇમ્બૅલૅન્સ સર્જાય છે, એ જુઓ. જો તમને પૂરો આત્મવિશ્વાસ છે કે આર્થ્રાઇટિસ નહીં જ હોય તો સારી વાત છે, પણ શક્યતા અનુસાર નિદાન કરાવી જોવું જરૂરી છે. ડૉક્ટર જ્યારે કહે કે હાડકાં સંબંધિત કોઈ તકલીફ નથી ત્યારે જ એમ માનવું.
ADVERTISEMENT
જો ખરેખર આર્થ્રાઇટિસ ન હોય તો ડાયાબિટીઝને કારણે આવતી ન્યુરોપથીને કારણે ઇમ્બૅલૅન્સ સર્જાય એવી પૂરી શક્યતા છે. પગ અને ખાસ કરીને પગના તળિયામાં જ્યારે નમ્બનેસ આવી જાય એટલે કે સંવેદનશીલતા ઘટી જાય છે. એક સમય એવો પણ આવે છે કે પગના તળિયે કોઈ ગરમ કે ઠંડો પદાર્થ અડાડો તો પણ ખબર નથી પડતી. આવી નમ્બનેસ ઉંમરને કારણે પણ આવી શકે છે. મોટા ભાગે જો વ્યક્તિને ૧૫-૧૭ વર્ષથી ડાયાબિટીઝ હોય તો આવી જતી હોય છે.
બાકી રહી તકલીફ લોહીના પરિભ્રમણની. આ તકલીફ હાર્ટના દરદીઓમાં જોવા મળે છે. જેના શરીરમાં હાર્ટની તકલીફને કારણે પરિભ્રમણ ઓછું થતું હોય, જેને બ્લડ પ્રેશર કે ડાયાબિટીઝની તકલીફ હોય એના મગજમાં લોહી ઓછું પહોંચે છે અને એને કારણે બૅલૅન્સ ખોરવાય એવું બની શકે. મગજમાં લોહી ઓછું પહોંચવાનું આ એક મહત્ત્વનું કારણ છે કે પરિભ્રમણ પર કોઈ કારણસર અસર થઈ હોય તો બૅલૅન્સમાં તકલીફ થઈ શકે છે. આ માટે જરૂરી ટેસ્ટ અને યોગ્ય નિદાન સાથે આગળ વધી શકાય છે.