કફનો એક પ્રકાર છે વેટ કફ અને બીજો ડ્રાય કફ. સામાન્ય ભાષામાં કહીએ તો ગળામાંથી કે નાકમાંથી કોઈ ચીકણો પદાર્થ બહાર નીકળે તો એ વેટ એટલે કે ભીનો કફ અને ન નીકળે તો ડ્રાય એટલે કે સૂકો કફ
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને એને કારણે મોટા ભાગના લોકોને શરદી અને ઉધરસ ચાલુ થઈ જ ગયાં હશે. આમ તો દરેક ઋતુના પરિવર્તન સાથે આ કફની બીમારી આવવી સર્વસામાન્ય બાબત છે, પરંતુ શિયાળાનું કફ સાથે અનોખું કનેક્શન છે, કારણ કે સામાન્ય રીતે લોકોને આ ઋતુમાં જ કફનો પ્રૉબ્લેમ વધુ સતાવે છે એવી એક માન્યતા છે. કફ આમ જોઈએ તો સામાન્ય બીમારી છે જેને લોકો કોઈ પણ પ્રકારના સીઝનલ ચેન્જની સાથે અનુભવતા જ હોય છે. કફની તકલીફ ઘણા લોકોને હમેશની હોય છે તો જે સ્વસ્થ છે તેને પણ ઓછામાં ઓછા વર્ષમાં ૩-૪ વાર આ તકલીફનો સામનો કરવો જ પડે છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી જોવા મળે જેને ક્યારેય કફ થયો જ ન હોય.
કફનો એક પ્રકાર છે વેટ કફ અને બીજો ડ્રાય કફ. સામાન્ય ભાષામાં કહીએ તો ગળામાંથી કે નાકમાંથી કોઈ ચીકણો પદાર્થ બહાર નીકળે તો એ વેટ એટલે કે ભીનો કફ અને ન નીકળે તો ડ્રાય એટલે કે સૂકો કફ. નાક અને ગળાના વાઇરલ ઇન્ફેક્શન વખતે જે જોવા મળે છે એ છે ડ્રાય હૅકિંગ કફ જેમાં વ્યક્તિને સતત એવું લાગ્યા કરે કે તેના ગળામાં કશુંક ફસાઈ ગયું છે અને ગળું વારંવાર ખંખેરવું પડે છે. બીજા એક પ્રકારને બાર્કિંગ કફ કહે છે જેમાં શ્વાસનળી પર સોજો આવે છે અને એમાં બળતરા થાય છે જેથી ગળામાં બળતરા અને શ્વાસમાં તકલીફ પણ થાય છે. ડ્રાય કફનો એક પ્રકાર વૂપિંગ કફ પણ છે જે મોટા ભાગે બૅક્ટેરિયાને કારણે થાય છે, જ્યારે વેટ કફ પાછળ મોટા ભાગે ફેફસાંનો કોઈક પ્રૉબ્લેમ હોય છે.
ADVERTISEMENT
મોટા ભાગે સફેદ કફ એ વાઇરલ અને પીળો કફ એ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની નિશાની છે. સવારે ઊઠતાંની સાથે અને રાતે સૂતી વખતે જે સૂકા અને ઇરિટેબલ કફની તકલીફ ફેફસાંના ક્ષય રોગનાં શરૂઆતનાં લક્ષણ હોઈ શકે. જ્યારે સ્મોકર્સમાં કૉમન ગણાતો ડ્રાય હૅકિંગ કફ હોય તો એ જૂના કાકડાના દર્દ, શ્વાસનળીની તકલીફ દર્શાવે છે. જ્યારે કફમાં અવાજ આવતો હોય તો એ અસ્થમા અને લાંબા ગાળાથી ચાલ્યા આવતા બ્રૉન્કાઇટિસની નિશાની છે. જ્યારે ખૂબ વધુ માત્રામાં કફ બહાર નીકળતો હોય તો એ ક્યારેક કાર્ડિઍક-ફેલ્યરને કારણે પણ હોય છે. જો કફ ખૂબ પેઇનફુલ હોય તો એ ફેફસાંની કોઈ ગંભીર બીમારીનો સૂચક હોય છે. આમ, ભલે કફ સામાન્ય લાગતો હોય, પણ એ ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. માટે કેમિસ્ટ પાસેથી કફની દવાઓ લઈ લેવા કરતાં ડૉક્ટરને મળવું વધુ હિતકારક છે.