Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અજનબીઓ સાથેની વાતો તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારે છે

અજનબીઓ સાથેની વાતો તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારે છે

Published : 27 March, 2023 04:23 PM | IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

અજનબી લોકો આપણી એકલતા દૂર કરી શકે છે, આપણી સહનશક્તિ વધારે છે તો સાથે જ આપણને વધુ આત્મવિશ્વાસ અને જીવનથી ભરપૂર પણ બનાવી શકે છે.

પ્રવીણ મહેતા અને એકતા ગાલા

સ્પેશ્યલ સ્ટોરી

પ્રવીણ મહેતા અને એકતા ગાલા


ઉપરોક્ત વિધાન વાંચીને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે, કારણ આપણને બાળપણથી અજાણ્યા લોકોથી દૂર રહેવાનું શીખવવામાં આવે છે. જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ અજનબી લોકો આપણી એકલતા દૂર કરી શકે છે, આપણી સહનશક્તિ વધારે છે તો સાથે જ આપણને વધુ આત્મવિશ્વાસ અને જીવનથી ભરપૂર પણ બનાવી શકે છે. એ કેવી રીતે? આવો અજાણી જગ્યાઓને એકલપંડે એક્સપ્લોર કરતા લોકો અને એક્સપર્ટ પાસેથી સમજવાનો પ્રયાસ કરીએ


આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે અજાણ્યા માણસોથી દૂર રહેવું, તેમનાથી ચેતીને રહેવું, તેમની સાથે વાત ન કરવી, મિત્રતા ન કરવી વગેરે... વગેરે... આપણાં બાળકોને પણ આપણે વારંવાર કહેતા રહીએ છીએ કે અજાણ્યા માણસો બોલાવે તો તેમની પાસે ન જવું, તેઓ કોઈ ચૉકલેટ, બિસ્કિટ વગેરે આપવાનો પ્રયત્ન કરે તો ન લેવું વગેરે...  અજાણ્યા લોકો પ્રત્યે સતર્ક રહેવાની સલાહો પાછળનું કારણ કદાચ એ હશે કે આપણી આસપાસ અવારનવાર એવા કિસ્સા સાંભળીએ છીએ જેમાં કોઈ અજાણી વ્યક્તિ કોઈ પરિચિત વ્યક્તિને છેતરીને લૂંટી ગઈ હોય. આ જ કારણ છે કે આપણી આસપાસ જેવી કોઈ નવી વ્યક્તિ આવે એવું તરત આપણે સતર્ક બની જઈએ છીએ અને ત્યાંથી ખસી જવાનો પ્રયત્ન કરીએ છીએ. અલબત્ત, પ્રત્યેક અજાણી વ્યક્તિ આપણી પાસે મેલા ઇરાદાથી જ આવે છે એવું જરૂરી નથી. અનેક સંશોધનો પરથી એવું સ્થાપિત થયું છે કે નિયમિત ધોરણે અપરિચિત લોકો સાથે વાતચીત કરનારાઓને એકલતાની લાગણી સતાવતી નથી અને તેઓ માનસિક રીતે વધુ સ્વસ્થ રહે છે. એટલું જ નહીં, તેમનો જીવન પ્રત્યેનો અભિગમ વધુ હકારાત્મક હોવાથી તેઓ જીવનથી ભરપૂર અને આત્મવિશ્વાસુ હોય છે. 



જુહુમાં રહેતા ૫૪ વર્ષના મારવાડી ઓસવાળ જૈન પ્રવીણ મહેતા ટેક્સટાઇલ રૉ મટીરિયલનો બિઝનેસ કરે છે. પ્રવીણભાઈને પ્રવાસનો ગાંડો કહી શકાય એવો શોખ છે. અત્યાર સુધીમાં તેઓ પોતાના કામ ઉપરાંત માત્ર નિજાનંદ માટે થઈને દુનિયાના ૧૧૦ દેશોમાં ફરી ચૂક્યા છે. ૨૦૧૯માં તો તેઓ ભારતથી આર્જેન્ટિના સુધીનો ૬૦ દેશોનો પ્રવાસ ગાડીમાં કરવાનો ભગીરથ અખતરો પણ કરી ચૂક્યા છે. પોતાની આવી રખડપટ્ટીમાં સ્વાભાવિક રીતે સાવ નવા જ દેશના સાવ અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાના પ્રસંગો પણ તેમની સાથે બનતા રહે છે. આ અનુભવોએ તેમને શું શીખવ્યું એની વાત કરતાં પ્રવીણભાઈ કહે છે, ‘મારા અત્યાર સુધીના અનુભવ પરથી છાતી ઠોકીને કહી શકું છું કે તમારાં નસીબ ખરેખર ખૂબ ખરાબ હોય તો જ અજાણ્યા લોકો તમને નુકસાન પહોંચાડી શકે. અન્યથા એકંદરે દુનિયા આખીમાં લોકો સાફ હૃદયના જ હોય છે. બધાને પોતાનું ઘર અને પરિવાર હોય છે, તેમનું ભરણપોષણ કરવાની ચિંતા હોય છે, બાળકોની સ્કૂલની ફી તથા ઘરનાં બિલ ભરવાની જવાબદારીઓનું દબાણ હોય છે. તેથી આપણી જેમ જ તેઓ પણ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે છે અને આવશ્યકતા પડે તો અન્યોને મદદ કરવા પણ તત્પર રહે છે.’ 


પોતાને થયેલા એક અનુભવની વાત કરતાં પ્રવીણભાઈ કહે છે, ‘કેટલાંક વર્ષો પહેલાં હું સેન્ટ્રલ અમેરિકાના હૉન્ડુરસ નામના શહેરમાં ગયો હતો. આ શહેર આખા વિશ્વમાં મર્ડર કૅપિટલ ઑફ અમેરિકાના નામે કુખ્યાત છે. અહીંના લોકો ગુંડાગીરી અને ખુનામરકી માટે જાણીતા છે. આવામાં હૉન્ડુરસના ઍરપોર્ટ પર મારું વૉલેટ પડી ગયું. એમાં મારા બધા પૈસા ઉપરાંત મારું આઇ-કાર્ડ પણ હતું. વૉલેટ ખોવાઈ ગયું હોવાની પ્રતીતિ થતાં જ મને વિશ્વાસ થઈ ગયો કે હવે એ પાછું મળવાનું નથી. બલ્કે આઇ-કાર્ડ પણ ગયું છે એટલે કદાચ કોઈ મુશ્કેલી પણ ઊભી થાય. જોકે મારા આશ્ચર્ય વચ્ચે ૨૫-૨૬ વર્ષનો એક યુવાન ઍરપોર્ટની ગિરદી વચ્ચે શોધતો-શોધતો કોઈક રીતે મારા સુધી પહોંચી ગયો અને પૈસા તથા આઇ-કાર્ડ સહિતનું મારું વૉલેટ જેવું હતું એવું મારા હાથમાં થમાવીને આગળ વધી ગયો.’ 

આ અને આવા બીજા અઢળક અનુભવો બાદ પ્રવીણભાઈ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે બધાને એક જ દૂરબીનથી જોવાનો કોઈ અર્થ નથી. નસીબ ખરાબ હોય ત્યારે ઘેરબેઠાં પણ આપણી સાથે ખરાબ ઘટના ઘટી શકે છે. તેઓ કહે છે, ‘એકંદરે માણસ માત્ર માણસનો ભૂખ્યો છે. લોકોને એકબીજા સાથે વાતચીત કરવી ગમે છે. પોતે જે કંઈ શીખ્યું, જાણ્યું, સમજ્યું કે અનુભવ્યું હોય તે અન્યો સાથે શૅર કરવું ગમે છે. આ આપ-લે આપણને વધુ સમૃદ્ધ બનાવે છે. સાથે જ આપણા કોચલામાં ઓળખીતાઓ વચ્ચે આપણે વધુ જજમેન્ટલ હોઈએ છીએ; પરંતુ અજાણ્યા લોકો સાથે નિયમિત ધોરણે વાતચીત કરતા રહેવાથી આપણી સહનશક્તિ વધે છે, સામેવાળું જેવું છે એવું તેને સ્વીકારવાની ક્ષમતા વધે છે. આ ગુણો આપણને વધુ ઓપન માઇન્ડેડ અને ઝિંદાદિલ બનાવે છે.’ 


આ પણ વાંચો: યંગસ્ટર્સને ઍન્ટિ-હીરો કેમ વધુ ગમે છે?

બોરીવલીમાં રહેતાં ૩૩ વર્ષનાં કચ્છી વીસા ઓસવાળ એકતા ગાલા વ્યવસાયે કન્ટેન્ટ રાઇટર છે, પરંતુ તેઓ પોતાના કામનું પ્લાનિંગ કંઈક એવી રીતે કરતાં રહે છે કે દર બે-ત્રણ મહિને એકલા કોઈ નવા સ્થળની મુલાકાતે નીકળી શકે. સોલો ટ્રાવેલર તરીકે અજાણ્યા લોકો સાથે થયેલા પોતાના અનુભવોની વાત કરતાં એકતા કહે છે, ‘ક્યાં, ક્યારે, કોની સાથે, કેવી વાતચીત કરવી જેવી મૂળભૂત તકેદારી રાખવામાં આવે તો અજાણ્યા માણસો સાથે વાતચીત કરવામાં કોઈ જોખમ નથી. બલ્કે કેટલીક વાર એ થેરપીનું કામ કરતી હોય છે, કારણ કે અજાણ્યા માણસો તમને સારા-ખરાબના ત્રાજવે તોલતા નથી. ભૂતકાળમાં કે અત્યારે તમે કેવા છો એનાથી તેમને કોઈ ફરક પડતો નથી એટલે તેઓ તમે જેવા છો એવા જ તમારો સ્વીકાર કરે છે. પરિણામે અજાણ્યા લોકો સામે તમારે કોઈ મુખવટો પહેરવો પડતો નથી અને તમે જેવા છો એવા જ બનીને રહી શકો છો. આ બાબત તમારો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે તો સાથે જ બીજા પર વિશ્વાસ મૂકવામાં પણ મદદરૂપ થાય છે.’ 

આટલું કહીને એકતા વધુમાં ઉમેરે છે, ‘સોલો ટ્રાવેલિંગ જેટલું રસપ્રદ છે એટલું જ કેટલીક વાર એકલતાભર્યું પણ પુરવાર થઈ શકે છે. કેટલીક વાર તમે મનથી ઉદાસ થઈ જાઓ છો તો કેટલીક વાર એવા વિસ્તારમાં હો છો જ્યાં મિત્રો કે પરિવારજનો સાથે વાતચીત કરવી શક્ય હોતી નથી. આવામાં ઘણી વાર મેં અજાણ્યા લોકો સાથે વાતચીત કરીને તો કેટલીક વાર માત્ર તેમની સાથે બેસીને હૂંફ અનુભવી છે. એની સાથે જ દુનિયાભરમાં જીવનભર સાથ નિભાવે એવા અઢળક મિત્રો પણ બનાવ્યા છે. મેં અનેક એવા લોકો જોયા છે જેઓ માત્ર બે જોડી કપડાં અને એક ટૂથબ્રશ સાથે પ્રવાસે નીકળી પડે છે. આવા લોકો સાથેની વાતચીત તમને બહેતર ટ્રાવેલર બનવામાં મદદરૂપ થાય છે, તમને પોતાના પ્રવાસનો અર્થ સમજાય છે. કેટલીક વાર તમે માત્ર કુદરતના સાંનિધ્યમાં રહેવા માટે પ્રવાસ કરો છો તો કેટલીક વાર માત્ર મનને શાંત કરવા માટે. આ તફાવત આવા લોકો સાથે થયેલી વાતચીત બાદ મને સમજાયો છો.’ 

એક્સપર્ટ શું કહે છે?

જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠને પોતાને પણ પ્રવાસનો ખૂબ શોખ છે. પોતાના કામ ઉપરાંત ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવા પોતાની ૭૫ વર્ષની ઉંમરમાં લગભગ આખી દુનિયા ફરી ચૂકેલા ડૉ. અશિત શેઠ કહે છે, ‘સામાન્ય રીતે આપણે અજાણ્યા માણસો સાથે વાતચીત કરવાનું ટાળીએ છીએ, કારણ કે આપણને બાળપણથી તેમનાથી દૂર રહેવાનું શીખવવામાં આવે છે. અલબત્ત, દરેક અજાણી વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડવા માગતી નથી. બલ્કે જ્યારે આપણે કોઈ સાવ જ નવી વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ ત્યારે મહદંશે આપણને એવું જ લાગે છે કે તે તો સાવ આપણા જેવી જ છે. શરૂઆતની ઔપચારિક વાતચીત બાદ થતી વધારાની વાતો પરથી આપણે તેમનું સામાજિક બૅકગ્રાઉન્ડ, તેમનું વ્યક્તિત્વ, તેમની વિચારધારા વગેરેનો અંદાજ મેળવી શકીએ છીએ; તેમની ખામીઓ અને ખૂબીઓથી પરિચિત થઈએ છીએ. અજાણ્યા માણસો પાસે આપણને કોઈ અપેક્ષા હોતી નથી એટલે આપણે તેમની ભય, ચિંતા વગેરે જેવી લાગણીઓને આસાનીથી સમજી શકીએ છીએ. તેઓ જેવા છે એવા જ તેમને સ્વીકારી લઈએ છીએ. પરિણામે જો નિયમિત ધોરણે આવા લોકો સાથે કમ્યુનિકેટ કરતા રહીએ તો ધીરે-ધીરે આ સમજદારી આપણને પોતાની જાતને અને આપણી આસપાસના લોકોને પણ સ્વીકારવામાં મદદરૂપ પુરવાર થાય છે. જોકે આ બધાનો અર્થ એવો નથી કે અજાણ્યા લોકોથી સાવધાન ન રહેવું એમ જણાવીને ડૉ. અશિત શેઠ કહે છે, ‘શરૂઆતથી જ વધુ પડતા મળતાવડા અને આપણી ખૂબ પ્રશંસા કરતા લોકોથી ચોક્કસ સાવધ રહેવું જોઈએ. આવા લોકો આપણી નબળી કડી શોધીને એનો દુરુપયોગ કરી શકે છે. તેઓ યુવાન છોકરીઓ કે ચાલીસીની ઉંમરે પહોંચેલી મહિલાઓને મીઠી-મીઠી વાતો કરીને ફસાવવામાં પાવરધા હોય છે, પણ થોડી સાવધાની અને વ્યવહારબુદ્ધિથી કામ લેવામાં આવે તો આવા લોકોને ઓળખવા કોઈ બહુ મુશ્કેલ કામ નથી.’ 

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2023 04:23 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK