Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ભાઈલોગ, બિન્દાસ સાઇકલ ચલાવો અને સ્વસ્થ રહો

ભાઈલોગ, બિન્દાસ સાઇકલ ચલાવો અને સ્વસ્થ રહો

Published : 24 April, 2023 05:06 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

સાઇકલ ચલાવવાથી બીમારી આવતી નથી, દૂર ભાગે છે

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

પ્રતીકાત્મક તસવીર


સાઇક્લિંગથી પુરુષોનાં જાતીય અંગોને નુકસાન પહોંચે, સ્પર્મ કાઉન્ટિંગ ઘટી જાય, યુરિનરી ઇન્ફેક્શન થાય, સેક્સ્યુઅલ લાઇફને અસર થાય, પ્રોસ્ટેટ કૅન્સરનું જોખમ રહે જેવા કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે ત્યારે વિદેશમાં થયેલા આ અભ્યાસ વિશે સ્પષ્ટતા આપતાં નિષ્ણાતો કહે છે કે વધારે ચિંતા કરવાની જરૂર નથી. સાઇકલ ચલાવવાથી બીમારી આવતી નથી, દૂર ભાગે છે


સાઇકલ ચલાવવાનો શોખ હવે બાળપણ સુધી સીમિત નથી રહ્યો. આજની લાઇફસ્ટાઇલમાં રોગોને ભગાડવા માટે તેમ જ પૃથ્વી પર વધી રહેલા પ્રદૂષણ વિશે લોકોમાં આવેલી સભાનતાના કારણે વધુને વધુ લોકો સાઇકલનો ઉપયોગ કરવા લાગ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ અને આઉટડોર ઍક્ટિવિટીનો ક્રેઝ વધતાં સાઇક્લિંગ માટેનાં અઢળક ગ્રુપ પણ બની ગયાં છે. વિશ્વના અનેક દેશોમાં સાઇક્લિંગ માટે અલગ ટ્રૅક છે અને ભારતમાં પણ આ દિશામાં કામ થઈ રહ્યું છે. એક તરફ સાઇક્લિંગને એક્સરસાઇઝના બેસ્ટ માધ્યમ તેમ જ ઑલ્ટરનેટિવ ટ્રાન્સપોર્ટ તરીકે પ્રમોટ કરવામાં આવે છે તો બીજી તરફ સાઇકલ ચલાવતા પુરુષોમાં યુરિનરી ઇન્ફેક્શન અને પ્રોસ્ટેટ કૅન્સર થવાનું જોખમ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. 


 

અમેરિકા અને યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડન દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મ‍ળ્યું છે કે સાઇકલ ચલાવનારા પુરુષોમાં વંધ્યત્વ, એલિવેટેડ PSA, ઇરેક્ટાઇલ ડિસફંક્શન (ED), લોઅર યુરિનરી ટ્રૅક્ટ સિમ્પ્ટમ્સ (LUTS), પ્રોસ્ટેટાઇટિસ (પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો) અને પ્રોસ્ટેટ કૅન્સર થવાની સંભાવના રહેલી છે. યુરોલૉજિક અને પ્રજનનક્ષમતા પર સાઇક્લિંગની અસર વિશેના ડેટા પણ રજૂ કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાઇકલ ચલાવતી વખતે સૅડલના એટલે કે સીટના પ્રેશરથી પુરુષોનાં જાતીય અંગોને નુકસાન થાય છે. સાઇકલ ચલાવવાના એકંદર આરોગ્ય લાભો જબરદસ્ત છે ત્યારે ચિંતા કરાવે એવા આ રિપોર્ટ વિશે એક્સપર્ટ્સ સાથે વાત કરીએ. 
 

રિપોર્ટમાં કેટલો દમ? 
 
અંધેરી અને ઘાટકોપરમાં ક્લિનિક ધરાવતા સેક્સોલૉજિસ્ટ ઍન્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા ઉપરોક્ત રિપોર્ટ સંદર્ભે સ્પષ્ટતા આપતાં કહે છે, ‘આવા અઢળક સ્ટડીઝ થયા છે ખરા. ઉપરોક્ત રિપોર્ટને પાર્શિયલી કરેક્ટ કહી શકાય, પરંતુ ભય ઉપજાવે એવું કશું નથી. મોટા ભાગે આવી કોઈ સમસ્યા આવતી નથી. એક અભ્યાસમાં યુરિનરી ટ્રૅક્ટ, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, પ્રોસ્ટેટ રિલેટેડ ઇશ્યુ વગેરે ઍથ્લીટ્સ અને સાઇક્લિસ્ટમાં સરખાં જોવા મળ્યા હતા. મતલબ કે આ સમસ્યાઓ માત્ર સાઇકલ ચલાવવાથી નથી થતી. કેટલાક રૅર કેસમાં બીમારી આવી છે એનાં જુદાં કારણો છે. સાઇકલ ચલાવતી વખતે પૉશ્ચર બરાબર ન હોય તો સમસ્યા આવી શકે. બેસતી વખતે સીટના બટક્સ પર પ્રેશર વધારે આવે ત્યારે પ્રાઇવેટ પાર્ટના એરિયામાં નમ્બનેસ જોવા મળે. દાખલા તરીકે આપણે હાથ પર માથું ટેકવીને સૂઈ જઈએ તો થોડી વાર માટે હાથ સુન થઈ જાય એવી રીતે સીટ કમ્ફર્ટ ન હોય તો તકલીફ આવી શકે. પ્રોસ્ટેટ ગ્રંથિ પર વારંવાર દબાણ આવે તો ઇન્ફેક્શન થવાના ચાન્સ છે. રિપીટેડ ઇન્ફેક્શનથી કૅન્સર થવાનું જોખમ રહે છે. જોકે પ્રોબેબિલિટી ઘણી ઓછી છે.’
 
સેક્સ્યુઅલ પર્ફોર્મન્સને અસર થાય એવા રિસર્ચમાં પણ દમ નથી એવી સ્પષ્ટતા આપતાં ડૉ. શ્યામ કહે છે, ‘સતત છ કલાક સાઇકલ ચલાવીને ઘરે આવો અને પત્ની સાથે સેક્સનો આનંદ લેવાનો વિચાર કરો તો શક્ય છે કે તમે નિષ્ફળ જાઓ. એક વાર નિષ્ફળ જાઓ એટલે મનમાં ડર બેસી જાય. બે-ત્રણ વાર આવું થાય એમાં કૉન્ફિડન્સ જતો રહે એવું બની શકે, પરંતુ પર્ફોર્મન્સ ખરાબ થઈ ગયો એ માન્યતા ખોટી છે. ઇન ફૅક્ટ એક્સરસાઇઝ કરતા પુરુષોની સ્ટૅમિના વધારે હોય. અહીં રેસ્ટ લેવો મહત્ત્વનું છે. સાઇકલ ચલાવવાથી ક્યારેક ઇન્જરી થઈ શકે છે. જોકે રનિંગ કરતી વખતે, જિમમાં કે અમસ્તા ચાલતાં-ચાલતાં પડી જવાથી પણ ઈજા થાય. સાઇકલ ચલાવીશ તો મને બીમારી આવશે એવું વિચારીને ઍક્ટિવિટી બંધ નથી કરવાની.’ 
 
 
પ્રભાવિત થાય?
 
ઇન્ટરનેટના કારણે આજકાલ આ પ્રકારના અભ્યાસ કૉમનમૅન સુધી જલદી પહોંચી જાય છે તેથી સાઇકલ ચલાવવાનાં સ્વાસ્થ્ય લાભો અને જોખમો બન્ને વિશે જાણકારી હોવી જરૂરી છે. ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ યુરોલૉજિસ્ટ ડૉ. સંતોષ પાલકર આવી વાત કરતાં કહે છે, ‘સાઇકલ ચલાવવાથી શરીરનાં તમામ અંગો ઍક્ટિવેટ થાય છે. વ્યાયામ તરીકે દરરોજ એકાદ કલાક સાઇકલ ચલાવવાથી નુકસાન થયું હોય એવા કોઈ પુરાવાઓ સામે આવ્યા નથી. વાસ્તવમાં યુરિનરી ઇન્ફેક્શનને સાઇકલ સાથે કોઈ લેવાદેવા જ નથી. સાઇક્લિંગ તમારી રૂટીન ઍક્ટિવિટીનો પાર્ટ હોય અને અમુક કિલોમીટર સુધી ચલાવતા હો ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. સ્પર્મ કાઉન્ટિંગ પ્રભાવિત થાય એવા પણ કોઈ ડાયરેક્ટ એવિડન્સ નથી. કેટલાક કિસ્સામાં લૉન્ગ ડિસ્ટન્સ સાઇક્લિંગ કરવામાં સમસ્યા આવી શકે છે. દાખલા તરીકે મુંબઈથી સુરત સુધી સાઇકલ ચલાવવાની હોય ત્યારે જાતીય અંગો પર દબાણ આવે છે. યુરિન પાસ ઑન કરવામાં વિલંબ થવાથી લાંબા ગાળે કિડનીની સમસ્યા ઊભી થઈ શકે. ટાઇટ પૅન્ટ પહેરીને ચાર-પાંચ કલાક કન્ટિન્યુઅસ સાઇક્લિંગ કરવાથી મસલ્સ બ્રેકડાઉન થઈ શકે છે. ક્યારેક પેટમાં દુખાવો પણ થાય છે. જોકે ડરીને સાઇકલ ચલાવવાનું બંધ નથી કરવાનું. સામાન્ય પ્રિકૉશન લેવાથી પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય છે.’
 
શું ધ્યાન રાખશો?
 
લૉન્ગ ડિસ્ટન્સ સાઇક્લિંગ કરનારા તેમ જ ૪૫ પ્લસની એજના સાઇકલસવારોએ કેટલીક તકેદારી લેવી જોઈએ એવી ભલામણ કરતાં ડૉ. સંતોષ કહે છે, ‘જેમ-જેમ ઉંમર વધે પેશાબની સમસ્યા ઊભી થાય છે. એલ્ડરલી પુરુષોએ બે-ત્રણ કલાકે યુરિન પાસ કરવું જોઈએ. લાંબા અંતરના સાઇકલ પ્રવાસ દરમિયાન પેશાબ કરવા હોલ્ડ લેવો જોઈએ. વધુ સ્પીડમાં સાઇકલ ચલાવવાનું ટાળવું. ગરમી અને ગતિના લીધે બૉડી ડીહાઇડ્રેટેડ થઈ જાય છે તેથી સતત પાણી પીતાં રહો.  જાતીય અંગોના સ્વાસ્થ્ય માટે વૉટર ઇન્ટેક અને યુરિન પાસઑનમાં ગાફેલ ન રહેવું. સાઇકલની સીટ વધારે હાર્ડ ન હોવી જોઈએ. સીટ પ્રૉપર હોય તો પ્રાઇવેટ પાર્ટને ઈજા પહોંચવાના ચાન્સ નથી. ગરમીમાં લૉન્ગ ડિસ્ટન્સ સાઇક્લિંગ ઍક્ટિવિટીમાં ભાગ લેવાનું ટાળો અને બૉડીને ઓવર પુશ ન કરો. સાઇકલ ચલાવતી વખતે કમ્ફર્ટેબલ ફીલ થાય એવાં વસ્ત્રો પહેરવાં. તમામ તકેદારી બાદ યુરિનમાં કોઈ સમસ્યા જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. યુરિન ઇન્ફેક્શનનાં લક્ષણો અને કારણો સાઇક્લિંગ સાથે રિલેટ નથી કરતાં. બિન્દાસ સાઇકલ ચલાવો અને ફિટ રહો.’
 
 યુરિનરી ઇન્ફેક્શન, સ્પર્મ કાઉન્ટિંગ ઘટી જવા, પ્રોસ્ટેટને લગતી સમસ્યાઓ સાઇકલ ચલાવવાથી આવી છે એવા કોઈ ડાયરેક્ટ એવિડન્સ નથી. સાઇકલની સીટ, વૉટર ઇન્ટેક અને સાઇક્લિંગ દરમિયાન યુરિન પાસઑનમાં ધ્યાન રાખવાથી જાતીય અંગોને નુકસાન થતું નથી. ડૉ. સંતોષ પાલકર
Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 05:06 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK