ગુડ કૉલેસ્ટરોલ ૬૦ mg/dlથી વધુ હોવું જોઈએ અને LDL ૧૦૦ mg/dlથી ઓછું હોવું જોઈએ
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૬૬ વર્ષની છું. રૂટીન ચેક-અપમાં મને ખબર પડી કે મારું HDL ૨૫ mg/dl અને LDL ૧૦૦ mg/dl છે. મતલબ કે ખરાબ કૉલેસ્ટરોલ સામાન્ય છે, પરંતુ સારું કૉલેસ્ટરોલ ઓછું છે. આ બાબતે મારે ચિંતા કરવાની જરૂર છે ખરી? શું અટૅક ખરાબ કૉલેસ્ટરોલને કારણે જ આવે? જો મારે સારું કૉલેસ્ટરોલ વધારવું હોય તો શું કરવું?
મેડિકલ સાયન્સ માને છે કે બન્ને પ્રકારનાં કૉલેસ્ટરોલની શરીરને જરૂર છે. LDL જેને બૅડ કૉલેસ્ટરોલ કહેવામાં આવે છે એનું કામ સિમેન્ટ જેવું છે. દીવાલમાં જ્યારે તડ પડી જાય ત્યારે એને રિપેર કરવા માટે સિમેન્ટ ભરવામાં આવે છે. એ રીતે જ શરીરમાં જે લોહીની નસો છે એ નસોની દીવાલમાં કોઈ જાતનો સોજો આવ્યો હોય, કોઈ ક્રૅક હોય તો એ તૂટેલી જગ્યા પર આ LDL ચીપકી જાય છે. સાંધો કરવાનું કામ આ કૉલેસ્ટરોલ કરે છે, જ્યારે HDL એ સફાઈનું કામ કરે છે. દીવાલ પર ચોટતી વખતે જે LDL નીચે પડી ગયું હોય કે વધુ પ્રમાણમાં લાગી ગયું હોય તો એને દૂર કરવાનું કામ HDL કરે છે. આ બધું કૉલેસ્ટરોલ લોહીમાંથી એકત્ર કરી HDL કૉલેસ્ટરોલ એને લિવરમાં પાછું લઈ જાય છે અને લિવર એને શરીરની બહાર ફેંકી દે છે.
ADVERTISEMENT
ગુડ કૉલેસ્ટરોલ ૬૦ mg/dlથી વધુ હોવું જોઈએ અને LDL ૧૦૦ mg/dlથી ઓછું હોવું જોઈએ. અહીં સમજવા જેવી વાત એ છે કે LDLની માત્રા વધારે હોય તો એ લોહીની નળીમાં વધુ ભરાય અને બ્લૉકેજ બનવાનું રિસ્ક ઘણું વધી જાય, પરંતુ એની સાથે-સાથે એ નળીમાં ભરાયેલા કૉલેસ્ટરોલને સાફ કરતું ગુડ કૉલેસ્ટરોલ ઓછું હોય તો LDLને ભરાતું અટકાવી શકાય નહીં એટલે પણ બ્લૉકેજ થવાનું રિસ્ક તો એ રીતે પણ વધે જ છે.
બૅડ કૉલેસ્ટરોલ ઘટાડવાની કે એને કન્ટ્રોલમાં રાખવાની દવાઓ છે, પરંતુ ગુડ કૉલેસ્ટરોલને વધારવાની દવાઓ હજી સુધી બની નથી. જો દવા ન હોય તો વ્યક્તિએ પોતાના ગુડ કૉલેસ્ટરોલને વધારવું કઈ રીતે? આ પ્રશ્નના જવાબમાં એક જ તોડ આવે છે અને એ છે લાઇફસ્ટાઇલમાં સુધારો. માટે જો તમારું ગુડ કૉલેસ્ટરોલ ઓછું હોય તો વેજિટેરિયન લોકો અળસીનાં બીજ, અખરોટ અને પિસ્તા ખાઈ શકે છે. આ સિવાય ૮ કલાકની રાતની ઊંઘ અનિવાર્ય છે. દરરોજ એક કલાક એક્સરસાઇઝ કરો. વજન એકદમ કન્ટોલમાં રાખો અને સતત નિયમિત રૂટીન ચેક-અપ કરાવી ડૉક્ટરને મળતા રહો એ જરૂરી છે.