૨૦ વર્ષના બાળકનું હીમોગ્લોબિન ઓછું થાય તો તેનો ખોરાક સુધારીએ કે દવાઓ આપીએ એટલે એ ઠીક થઈ જાય, પરંતુ જ્યારે મોટી ઉંમરે એનીમિયા આવે છે ત્યારે એ જાણવું ખૂબ જરૂરી બને છે કે એનીમિયા કેમ આવ્યું
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૬૫ વર્ષનો છું. હું રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરાવતો રહું છું, જેમાં હાલમાં ફુલ બૉડી ચેક-અપ કરાવ્યું તો મારું હીમોગ્લોબિન ૯ આવ્યું. આયર્ન પણ ૨૧ જેટલું ઓછું છે. મારું ડાયટ સારું જ છે. શાકભાજી અને ફળો વ્યવસ્થિત ખાઉં છું. બીજું રૂટીન ચેન્જ થયું નથી. ગયા વર્ષે જ્યારે રિપોર્ટ કઢાવેલો ત્યારે હીમોગ્લોબિન ૧૩ આવેલું અને આ વર્ષે ૯ કેમ થયું એ નથી ખબર. શું હું સપ્લિમેન્ટ્સ શરૂ કરી દઉં કે પછી ડાયટમાં ફેરફાર કરું?
૬૫ વર્ષે હીમોગ્લોબિન ઓછું થવું એ કોઈ નૉર્મલ બાબત નથી. ૨૦ વર્ષના બાળકનું હીમોગ્લોબિન ઓછું થાય તો તેનો ખોરાક સુધારીએ કે દવાઓ આપીએ એટલે એ ઠીક થઈ જાય, પરંતુ જ્યારે મોટી ઉંમરે એનીમિયા આવે છે ત્યારે એ જાણવું ખૂબ જરૂરી બને છે કે એનીમિયા કેમ આવ્યું. એનાં ઘણાં કારણો હોઈ શકે છે. એક તો મોટી ઉંમરે ખોરાક તમે લો પણ પચતો ન હોય તો હીમોગ્લોબિન ઘટી જાય. આયર્ન ઍબ્સૉર્બ થાય એ માટે વિટામિન ‘સી’ પણ જો ઓછી હોય તો પણ એની કમી થઈ શકે છે. આ સિવાય, એવું પણ બને કે શરીરમાં ક્યાંકથી બ્લીડિંગ થઈ રહ્યું છે. જો લોહી વહી જતું હોય તો હીમોગ્લોબિન ઓછું થઈ જાય. બહાર વહેતું હોય તો ખબર પડે, પરંતુ ઇન્ટર્નલ બ્લીડિંગ હોય તો ન ખબર પડે, માટે ટેસ્ટ કરાવવી જરૂરી છે. ખાસ તો સ્ટૂલ ટેસ્ટ કરાવવી. એક રૂટીન સ્ટૂલ ટેસ્ટ પછી સ્ટૂલ ઓકુલ્ટ ટેસ્ટ પણ જુદા-જુદા દિવસે ત્રણ વાર કરવી જરૂરી છે, જેના દ્વારા પેટમાં કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ થતું હોય તો અંદાજ મળી શકે છે. આ ઉંમરે ઘણી વાર કૅન્સર હોવાની શક્યતા પણ અવગણી ન શકાય. અંદર કોઈ જગ્યાએ ખાસ કરીને પેટમાં કૅન્સર ડેવલપ થયું હોય તો આ રીતે ખબર પડતી હોય છે. પાઇલ્સ પણ જો અંદરની બાજુએ ડેવલપ થયા હોય તો સ્ટૂલ ટેસ્ટ દ્વારા ખબર પડી જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : એક વાર મિસકૅરેજ થયા પછી શું ધ્યાન રાખવું?
સ્ટૂલ ટેસ્ટમાં પણ જો બ્લીડિંગ છે એમ ખબર પડે તો તમારે આગળ તપાસ કરાવવી જરૂરી છે કે પેટના કયા ભાગમાંથી આ થઈ રહ્યું છે. બને કે સ્ટૂલ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે અને બ્લીડિંગ ન મળે તો આયર્ન સપ્લિમેન્ટ્સ ડૉક્ટરની સલાહ મુજબ લઈ લો અને ફરીથી એક મહિના પછી ‘સીબીસી’ રિપોર્ટ કઢાવો. જો સપ્લિમેન્ટ્સ લેવા છતાં હીમોગ્લોબિન ન વધે તો ફરીથી સ્ટૂલ ટેસ્ટ અને બીજા રિપોર્ટ્સની જરૂર પડશે. જો હીમોગ્લોબિન વધી જાય તો ડૉક્ટર કહે એટલો સમય સપ્લિમેન્ટ્સ ચાલુ રાખો.