ડુંગળીને રાંધવાથી એમાંનાં ઉડ્ડયનશીલ કેમિકલ્સ ઘટી જાય છે અને લૂ અને ગરમીની સમસ્યાઓથી બચાવવાની એની ક્ષમતા ઘટી જાય છે
હેલ્થ બુલેટિન
પ્રતીકાત્મક તસવીર
ક્યારે ન ખાવા? - ચામડીના રોગમાં કાંદા વધુ ખાવા નહીં, કેમ કે એમાં ગંધક વધુ માત્રામાં છે. ક્યારેય કાંદા સાથે દૂધની વાનગીઓ ન લેવી.
કહેવાય છે કે ઉનાળામાં ગરમીને કારણે થતી સમસ્યાઓથી બચવા માટે કાંદો ખાવો જોઈએ. પહેલાંના જમાનામાં રોટલાની સાથે કાચો કાંદો અને મીઠું ખવાતું. અત્યારે આપણે કાંદા ખાઈએ છીએ, પણ મોટા ભાગે એ રાંધેલા હોય છે. કાંદા પકવતી વખતે અત્યંત અસરકારક એવાં ઉડ્ડયનશીલ તત્ત્વો ઊડી ગયાં હોય છે એટલે એની જોઈએ એટલી અસર નથી થતી.
ADVERTISEMENT
ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, શરદી-ખાંસી થાય, માથું દુખે, ઊલટી કે ઊબકા આવે એ લક્ષણો લૂનાં છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે. એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે. યાદ રહે કે લૂથી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે. કાંદા બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે. એનાથી ઊંઘ આવે છે. પાચન અગ્નિ પ્રદીપ્ત થાય છે. આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાથી વધુપડતો પરસેવો અને સોજો પણ ઘટે છે.
લાલ કાંદા કરતાં સફેદ કાંદા વધુ ગુણકારી ગણાય છે. જોકે એ મોટા ભાગે શિયાળામાં જ આવે છે. સફેદ ડુંગળી લાલ કરતાં થોડીક ઓછી તીખી હોય છે. આમ તો કઢી, ભજિયાં, વડી-પાપડનું શાક જેવી ટ્રેડિશનલ આઇટમો હોય કે પછી સૅન્ડવિચ, પાંઉભાજી, પંજાબી સબ્ઝી - કાંદા સ્વાદ વધારવાની સાથે જે-તે વાનગીના ગુણ પણ વધારે છે.
કાંદાની વાસને કારણે આસપાસના જંતુઓનો નાશ થાય છે. એમાં રહેલા ગંધકને કારણે કાંદો સમારતી વખતે વાસ આવે છે અને એને કારણે આંખમાંથી પાણી પણ નીકળે છે. જોકે આ વાસને કારણે પણ એ ઘણા ઉપયોગી છે. પહેલાંના જમાનામાં કાંદા રસોડામાં ઉપર શીકામાં મૂકવામાં આવતા હતા. એમ કરવાથી રસોડાની હવા શુદ્ધ રહેતી હતી. કેટલાક લોકો છોલેલા કાંદા વીજળીના બલ્બ પાસે મૂકતા જેથી પ્રકાશ તરફ આવતાં જીવડાંઓ નાશ પામે.
ખાવામાં જો કાંદાના ઉત્તમ ગુણ મેળવવા હોય તો ઋતુ મુજબ કાંદા ખાવાની પદ્ધતિઓ બદલવી જોઈએ. જેમ કે ઉનાળામાં કાંદાને રાંધીને ખાવા કરતાં કાચા વધુ ખાવા જોઈએ. રાંધેલા કાંદાવાળી વાનગીઓમાં અન્ય તેજાનાઓ પણ આગળ પડતા નખાતા હોવાથી એ પિત્તકર બની શકે છે. ગરમીમાં કાંદાનો કાચો રસ કે પછી કચુંબર બેસ્ટ રહે.
આ પણ વાંચો : વધુપડતી તરસ અને બળતરા હોય તો આ ચમત્કારિક પાણી ટ્રાય કરો
ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરું અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું. એ ખાવાથી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે. એ લેવાથી ગરમ વાયરાને કારણે લાગતી લૂથી બચી શકાય છે. ઉનાળામાં થતા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે.
જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સાથે સૅલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરું પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર થયેલું કાકડી-કાંદાનું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.
કાંદાના ઘરગથ્થુ પ્રયોગો | કબજિયાત હોય, વારેઘડીએ શરદી થતી હોય તો રોજ જમવામાં કાંદાની ઉપર લીંબુ અને કાળાં મરી ભભરાવીને કચુંબર તરીકે સાથે ખાવાથી ભોજન યોગ્ય રીતે પચે છે અને કફ થતો નથી.
કૉલેરાનો રોગચાળો ચાલતો હોય ત્યારે ડુંગળીનો રસ રોજ પીવાથી ફાયદો થાય છે ને કૉલેરા થયો હોય તો એમાં પણ ફાયદો થાય છે.
વાઈ, હિસ્ટીરિયાના દરદીઓ નિયમિત કાંદાના રસમાં મધ નાખીને લે તો સારો લાભ થાય છે.
ગૂમડાં થયાં હોય ત્યારે એને પકવવા માટે છીણેલી ડુંગળીમાં હળદર મેળવીને ગૂમડાં પર બાંધી દેવાથી જલદી પાકીને ફૂટી જાય છે.