Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

અડદ બનાવે મરદ

Published : 12 December, 2022 02:46 PM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

તાજેતરમાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીએ ઉંદરો પર કરેલા અભ્યાસમાં તારવ્યું છે કે અડદથી સ્પર્મ કાઉન્ટ, એની મોટિલિટી અને ક્વૉલિટી સુધરે છે

અડદ બનાવે મરદ

સ્પેશ્યલ સ્ટોરી

અડદ બનાવે મરદ


તાજેતરમાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીએ ઉંદરો પર કરેલા અભ્યાસમાં તારવ્યું છે કે અડદથી સ્પર્મ કાઉન્ટ, એની મોટિલિટી અને ક્વૉલિટી સુધરે છે. અલબત્ત, આ વાત તો આપણા આયુર્વેદે ચાર હજાર વર્ષ પહેલાં કહી દીધી છે. મૉડર્ન મેડિસિને પણ અડદના બીજા એટલા ફાયદા ગણાવ્યા છે કે આ વાંચીને તમને ભાવે કે ન ભાવે, અડદની દાળ ખાવાનું શરૂ કરી દેશો એ નક્કી


શનિવારે જ ખવાય? 
શનિ એટલે બળના દેવ કહેવાય. શનિનો પ્રકોપ હોય તેમને પિત્તના રોગો થાય. કફવર્ધક આહાર હોય તો પિત્તનું શમન આપમેળે થતું હોવાથી શનિવારે અડદની દાળ ખાવાનું કહેવામાં આવતું હતું



અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો, માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો


જૂના જમાનાની આ કહેવત હવે મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ પણ સ્વીકારવા લાગ્યું છે. અડદ એટલે કે બ્લૅક ગ્રામના સેવનથી મેલ ફર્ટિલિટીમાં સુધારો થાય છે અને સેક્સ્યુઅલ ઑર્ગન્સની હેલ્થ સુધરે છે. જોકે આ દાળ આપણે ત્યાં બહુ જ ઓછી ખવાય છે. અડદની દાળનો ચપટીક વપરાશ મેદુ વડાં, ઢોસા, ઉત્તપ્પા, દહીંવડાં જેવી ચીજોમાં થાય એટલું જ, બાકી રોજબરોજના જીવનમાં મગ અને તુવેરની દાળની જેમ અડદની દાળ બહુ જ ઓછી બને છે. હા, શિયાળામાં કાઠિયાવાડમાં અડદિયા ખાવાનો રિવાજ હજીયે છે. મુંબઈમાં તો અડદિયાનો વપરાશ પણ બહુ ઓછો થાય છે. એનું કારણ કદાચ આપણે ત્યાં એટલી ઠંડી નથી પડતી એ પણ હોઈ શકે છે. 

અડદ વિશે બીજી એક કહેવત છે - 
અડદ કહે હું કઠોર દાણો, 
ચીકાશ મુજબમાં ઝાઝો
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો


કદાચ આ જ કારણોસર સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં જ્યાં શિયાળામાં બાજરાના રોટલાની સાથે અડદની દાળ ખવાય છે એ લોકો ખડતલ અને બળુકાં હોય છે. આયુર્વેદના શાસ્ત્ર આર્યભિષકમાં તો એટલે સુધી કહેવાયું છે કે લકવાના દરદીને પણ જો અડદનાં વડાં ખવડાવવામાં આવે તો એના શરીરમાં પણ બળ આવવા લાગે. તો શું અડદ એ માત્ર શિયાળુ આહાર છે કે પછી બારેમાસ લઈ શકાય? અડદ બધાને પચી શકે? શું ખરેખર પુરુષોને ફર્ટિલિટી તેમ જ સેક્સ્યુઅલ હેલ્થમાં અડદથી ફાયદો થાય છે ખરો? ચાલો, નિષ્ણાત પાસેથી જાણીએ. 

આ પણ વાંચો : પેચોટી ખસી જાય એવું બને?

શિયાળામાં શ્રેષ્ઠ આહાર 

અડદનું સેવન શિયાળામાં વધુ કરવાનું કહેવા પાછળનું કારણ સમજાવતાં બોરીવલીના અનુભવી વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ઠંડીની ઋતુ એવી છે કે એમાં સહેલાઈથી વાયુના પ્રકોપ થાય. એને શાંત કરવા માટે બૃહણ ઔષધ લેવામાં આવે. બૃહણ એટલે કે શરીરને પોષણ આપે એવી ચીજો. વાયુને કારણે આ સમયે ભૂખ વધુ લાગે. જે સમયે વધારે ભૂખ લાગતી હોય, મતલબ કે જઠરાગ્નિ પ્રદીપ્ત થયેલો હોય ત્યારે બૃહણ ખોરાક લેવાથી શરીરની સાતેય ધાતુઓને પોષણ મળે છે. અડદની જેમ તલ, ચણા અને સિંગદાણા જેવી ધાતુઓને પોષણ આપતી ચીજો પણ લઈ શકાય.’

સાત ધાતુ એટલે રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર. અડદની દાળ સાતમી ધાતુ એટલે કે શુક્રને પણ પોષણ આપે છે એટલે એને વાજીકર કહેવાય છે. વૈદ્ય પ્રબોધ ગોસ્વામી એ વિશે કહે છે, ‘વાજીકર એટલે સેક્સ્યુઅલ ઑર્ગનને બળવાન બનાવે એવી ચીજો. આમ તો કૌંચાબીજ, વિદારીકંદ અને બીજી ઘણી ચીજો છે જે વાજીકર કહેવાય છે; પરંતુ એ બધી ચીજોને ઔષધની જેમ લેવાય અને એ સરળતાથી ન મળે. જ્યારે અડદ એ દરેક માણસને પોસાય એવી ચીજ છે અને રોજિંદા આહારમાં સમાવી લેવાથી પણ એના ફાયદા થાય છે. આયુર્વેદમાં બૃહણ અને વાજીકર બન્ને ગુણ ધરાવતા ખોરાકમાં અડદ સૌથી શ્રેષ્ઠ છે.’

‘દાળમાં વઘાર મસ્ટ છે. ઘી કે તલના તેલનો વઘાર કરતી વખતે એમાં હિંગ, રાઈ, જીરું જેવાં પાચકદ્રવ્યો વાપરવાં. એમાં નાખવામાં આવતો લીમડો, આદું જેવી ચીજો અગ્નિને તેજ કરવામાં મદદ કરે છે. : વૈદ્ય પ્રબોધ ગોસ્વામી

અડદનું સેવન કઈ રીતે?

શાસ્ત્રોમાં કહેવાયું છે એ મુજબ અડદ બળ આપનાર અને વીર્યવર્ધક હોવા ઉપરાંત વાતહર, ધાવણ વધારનાર, રુચિકર, મળમૂત્ર સાફ લાવનાર તેમ જ પિત્ત-કફ વધારનાર છે. અડદની દાળ બધાને સરળતાથી પચતી નથી એનું કારણ છે એને બનાવવાની રીતમાં ગરબડ. આ બાબતમાં પણ મૉડર્ન ન્યુટ્રિશન અને આયુર્વેદ શાસ્ત્ર સરખું જ માને છે. પ્રોટીનને પાકતાં બહુ વાર લાગતી હોય છે એટલે કોઈ પણ દાળ રાંધતાં પહેલાં ઓછામાં ઓછી ૪૫ મિનિટ માટે પલાળી રાખવાનું ન્યુટ્રિશનિસ્ટો કહેતા જ હોય છે. આ વાતમાં સહમતી દર્શાવતાં વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘કોઈ પણ દાળ હોય એને જો યોગ્ય રીતે પકાવવામાં ન આવે તો એ ગૅસ અને ઍસિડિટી કરવાની જ. આજે કેમ પાચનની સમસ્યાના દરદીઓ વધી ગયા છે? ઝટપટ પકવેલી દાળો એમાંનું એક કારણ છે. દાળ પલાળી-ન પલાળીને ઝટપટ કુકરમાં પાંચ સિટી વગાડી દેવાથી દાળ ગળી જાય છે ખરી, પણ એ સુપાચ્ય નથી બનતી. પહેલાંના જમાનામાં અડદની દાળ બનાવતાં પહેલાં એને એક-દોઢ કલાક પલાળવામાં આવતી. ઊઠીને તરત જ દાળ પલાળી દેવાની. એ પછી ધીમી આંચે દાળને ચડવા દેવાની. દાળ ચડી જાય અને વઘાર થઈ જાય એ પછી પણ એને જમવા બેસો ત્યાં સુધી ચૂલા પર એટલી મંદ આંચ પર રાખવામાં આવતી કે એ ધીમે-ધીમે ઊકળ્યા કરે. આવી ઊકળીને તૈયાર થયેલી દાળ ખૂબ જ સુપાચ્ય બની જાય છે.’

ધીમી આંચે અડદની દાળ પકાવવામાં કેટલો સમય લાગે તો એ સ્વાદિષ્ટ અને સુપાચ્ય બને? એનો જવાબ આપતાં હોમ શેફ અનુરાધા જોશી મેધોરા કહે છે, ‘લગભગ સાતથી આઠ કલાક અડદની સફેદ દાળને અત્યંત ધીમી આંચે પકવો તો દાળની ચીકાશ સાવ ઘટી જશે.’

દાળ પર વઘારસંસ્કાર 

દાળને ધીમી આંચે ઉકાળવા ઉપરાંત એમાં સ્નેહદ્રવ્યનો ઉમેરો પણ એટલો જ મહત્ત્વનો છે. દાળમાં વઘાર કરવાની ક્રિયાને સંસ્કારક્રિયા કહેવાય છે એમ જણાવતાં વૈદ્ય પ્રબોધ કહે છે, ‘દાળમાં વઘાર મસ્ટ છે. ઘી કે તલના તેલનો વઘાર કરતી વખતે એમાં હિંગ, રાઈ, જીરું જેવાં પાચકદ્રવ્યો વાપરવાં. એમાં નાખવામાં આવતો લીમડો, આદું જેવી ચીજો અગ્નિને તેજ કરવામાં મદદ કરે છે. ક્યારેય અડદને તેલ કે ઘી વિના ન જ લેવાય. તમે જોશો તો અડદિયામાં પણ અડદના લોટને ભરપૂર ઘીમાં ધીમે-ધીમે શેકવામાં આવે છે. હળવો ગુલાબી થાય ત્યાં સુધી લોટ શેકાય એને કારણે એ સુપાચ્ય બને છે. વળી અડદની દાળ અને બાજરીનો રોટલો ખાતા હો તો એમાં પણ ગાયનું ઘી ભરપૂર માત્રામાં વપરાય છે. એમ થાય તો જ એ સુપાચ્ય બને.’

અન્ય શું ફાયદા થાય?

 અડદની દાળથી ગ્લુકોઝ લેવલ કન્ટ્રોલમાં રહેતું હોવાથી ડાયાબિટીઝના દરદીઓ એ ખાઈ શકે છે. 

 અડદમાં ભરપૂર કૅલ્શિયમ, આયર્ન, વિટામિન બી હોવાથી બોન હેલ્થ સુધારવાનું કામ કરે છે. ઑસ્ટિઓપોરોસિસ પ્રિવેન્શન માટે બોન મિનરલ ડેન્સિટી જાળવી રાખવાનું કામ કરે છે.  

 અડદમાં મૅગ્નેશિયમ, ફાઇબર, પોટૅશિયમ હોવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને રક્તવાહિનીઓની અંદરની દીવાલને ડૅમેજ થયેલું હોય તો સુધરે છે. 

 કુદરતી રીતે જ અડદ ડાયયુરેટિક છે એટલે ટૉક્સિન્સ, યુરિક ઍસિડ અને વધારાની ફૅટ વગેરે ફ્લશ આઉટ કરીને કિડનીમાં સ્ટોન થતા અટકાવે છે. 

 બ્રેસ્ટ-ફીડિંગ કરતી સ્ત્રીઓ અડદની દાળનું સેવન કરે તો એનાથી ધાવણ છૂટથી આવે છે. પ્રસૂતિને કારણે આવેલી નબળાઈમાંથી જલદી ઊભરી શકાય છે અને બાળકને પણ પોષણ મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 02:46 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK