એનાથી પાચનશક્તિ સુધરે છે અને લિવર તેમ જ અન્ય ગ્રંથિઓમાંથી જરૂરી પાચકરસોનો સ્રાવ થવાની પ્રક્રિયા પણ સુધરે છે. આજકાલ જે ફૅટી લિવરની સમસ્યા જોવા મળે છે એમાં લીંબુની નિયમિત અને સમજણપૂર્વકની આદતથી જરૂર ફાયદો થશે
પૌરાણિક વિઝડમ
પ્રતીકાત્મક તસવીર
ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા માટે જે લીંબુનું શરબત પીઓ એ ચિલ્ડ ન હોવું જોઈએ. એમાં ખડી સાકર, સિંધવ અને કાળાં મરી નાખશો તો એનાથી પાચન પણ સુધરશે.
ગરમીની સીઝનમાં લીંબુપાણી અને નારિયેળપાણી જેવું અમૃત બીજું કોઈ જ નહીં હોય. ખડી સાકર, સિંધવ અને કાળાં મરી નાખીને બનાવેલું લીંબુનું શરબત ગરમીમાં ડીહાઇડ્રેશનથી પણ બચાવશે અને પાચનની કોઈ સમસ્યા હોય તો એમાં પણ સુધારો કરશે. એક એવી માન્યતા પ્રવર્તે છે કે લીંબુ ખાટાં હોવાથી શરીરમાં તાવ અને જકડાહટ પેદા કરે છે. ઘણાને લીંબુનું શરબત પીવાથી શરદી પણ થાય છે. જોકે આ ઠાલી માન્યતા છે. આ ખોટી માન્યતાઓને કારણે લીંબુનો રોજિંદા જીવનમાંથી વપરાશ ઘટવા લાગ્યો છે પરંતુ હકીકત એ છે કે જ્યારે તમે લીંબુની સાથે ચિલ્ડ બરફવાળું પાણી લો છો ત્યારે બાજી બગડે છે.
ADVERTISEMENT
લીંબુનું પાણી શરીર માટે ડીટૉક્સિફિકેશનની પ્રક્રિયાને શરૂ કરવામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકો કબજિયાત માટે રોજ સવારે ઊઠીને લીંબુનો રસ નાખેલું ગરમ પાણી પીએ છે. નરણા કોઠે પીઓ કે દિવસના કોઈ પણ સમયે, લીંબુના રસને કદી ગરમ પાણીમાં ન લેવું. હંમેશાં પાણી કોકરવરણું જ હોવું જોઈએ.
આયુર્વેદમાં આહારમાં છ રસોનું સંતુલન હોવું જરૂરી મનાયું છે. આપણા ખોરાકમાં આરોગ્યના રક્ષણ માટે ખાટા, ખારા, તીખા, કડવા, મધુર અને તૂરા રસોનું સમતોલપણું જળવાય એવો ખોરાક લેવો જરૂરી છે. કેવળ અમુક જ પ્રકારનો ખોરાક લેવામાં આવે અને ખાટા-કડવા રસોનો વપરાશ કરવામાં ન આવે તો એ રસોની કમીને કારણે કેટલાંય દરદો થાય છે.
ઉનાળામાં લીંબુનું શરબત ઘૂંટડે-ઘૂંટડે પીતા રહેવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે એ વાત હવે કંઈ નવી નથી રહી, પણ પાચન સારું થાય એ માટે જમ્યા પછી પા લીંબુનો રસ પી જવામાં આવે તો એનાથી ખોરાકની પાચનક્રિયા ઝડપી બની શકે છે.
લિવરનું ટૉનિક લીંબુ
ખોરાકના પાચન માટે લિવરમાંથી જરૂરી ખાટા પાચકરસનો સ્રાવ થાય છે. ખોરાકની વિષમતા કે માંદગીને કારણે આ ગ્રંથિઓ પોતાના રસોનો યોગ્ય રીતે સ્રાવ નથી કરી શકતી. એને કારણે લિવર વગેરે ગ્રંથિઓમાં સોજો આવે છે, દુખાવો થાય છે અને ક્યારેક ચાંદું પણ પડે છે. લિવરની નબળાઈ, સોજા કે લિવરમાં ચરબીનો ભરાવો શરૂ થયો હોય તેમના માટે લીંબુ ટૉનિક બની શકે છે. ખોરાક સાથે અથવા ખોરાક ખાધા પછી લીંબુ લેવાથી જે રસોની ખોરાકના પાચન માટે જરૂર પડે છે એ સરળતાથી મળી રહે છે. એનાથી લિવર વગેરે ગ્રંથિઓને આરામ મળે છે અને ધીમે-ધીમે એ તંદુરસ્ત બની જાય છે.
જે રીતે લિવર વગેરે ગ્રંથિમાંથી લોહી પર અસર થઈને કમળો અને પાંડુરોગથી નબળાઈ લાવતાં દરદો થાય છે એમ આ ગ્રંથિઓ જ્યારે કામ કરતી અટકે છે ત્યારે ખોરાકના પાચન પર પણ અસર થાય છે. ખાધેલો ખોરાક પચ્યા વિના હોજરી અને આંતરડાંમાં પડ્યો રહે છે. ત્યાં એ સડે છે અને એ જ સડામાંથી નાના-મોટા વિકાર કરતાં ઝેર પેદા થાય છે. આવાં ઝેરી તત્ત્વોથી લોહીમાં ગરમી વધે છે અને એની કુદરતી પોષણ આપવાની તાકાત ઘટે છે. પરિણામે લોહીની ખામીમાંથી પેદા થતાં ચામડીનાં નાનાં-મોટાં દરદો અને લોહીવિકારનાં દરદો થાય છે. કાયમી ગૂમડાં નીકળવાં-પાકવાં, શરીર પર નાના-મોટા પ્રકારની ગાંઠો કે ફોલ્લીઓ નીકળવી તેમ જ ખસ-ખરજવું અને દાદર જેવાં લોહીવિકારનાં દરદો લોહીની ખામીથી થાય છે. આવાં દરદો પર લીંબુનો ઉપયોગ ખોરાકની સાથે કે સ્વતંત્ર રીતે કરવાથી લોહીનું શોધન થાય છે અને લોહીમાં વિષમતા લાવતા પિત્તનું શમન કરે છે.
લિવર અને પૅન્ક્રિયાસની અવ્યવસ્થામાંથી જ કમળો, પાંડુ, મીઠી પેશાબની તકલીફ ઊભી થાય છે. આંખો પીળી પડવી, હાથ-પગ અને નખની સાથે આખું શરીર પીળું પડી જવું, પેશાબ પણ પીળો આવવો વગેરે કમળાનાં લક્ષણો છે. ક્યારેક-ક્યારેક એની તીવ્રતા એટલીબધી વધી જાય છે કે પહેરેલાં કપડાં અને પથારી પણ પરસેવાથી પીળાં પડી જાય છે. કમળાના આવા દરદમાં લીંબુનો કડવી-તૂરી વનસ્પતિ સાથે ઉપયોગ કરવાથી તરત જ લાભ થાય છે. લીંબુને શેરડીના તાજા રસ સાથે પીવડાવવાથી પણ દરદમાં રાહત મળે છે.
તાવમાં પ્રયોગ
મલેરિયાનો તાવ આવતો હોય અને એમાં ઊલટી થતી હોય તો મધ-લીંબુનું શરબત પીવાથી કે કાળી દ્રાક્ષને લીંબુના રસમાં લસોટીને ચટણી ખાવાથી આરામ મળે છે અને ઊલટી બંધ થઈ જાય છે.
ટાઇફૉઇડના તાવમાં દિવસમાં ત્રણ-ચાર વાર લીંબુનું પાણી પીવાથી મળદોષનો સડો કે આંતરડાંની બીજી કોઈ તકલીફ નથી થતી. લીંબુથી આંતરડાંને બળ મળે છે. પેટમાં ભેગા થયેલા ઝેરને પેશાબ અને ઝાડા વાટે બહાર કાઢી નાખે છે.
કૉલેરા, ઝાડા, મરડો અને આંતરડાંની ગરમીમાં લીંબુનું પાણી બનાવી એમાં થોડું સિંધવ નમક મેળવીને પીવું. ભૂખ મરી ગઈ હોય, ખાવાની રુચિ જ ન થતી હોય ત્યારે લીંબુને આડું કાપી એમાં મીઠું, મરી અને દિકામારી ભરી અંદરનો રસ ઉપર આવે એટલું ગરમ કરી એ ઠરે એટલે ચૂસી જવું. સાચી અને સારી ભૂખ ઊઘડશે અને પાચન થશે.