થાક કોઈ મોટા રોગનું પ્રાથમિક લક્ષણ પણ હોઈ શકે છે એટલે જાણી લો કે ક્યારે એને ન અવગણવો
હેલ્થ ઇઝ વેલ્થ
પ્રતીકાત્મક તસવીર
વૃદ્ધાવસ્થા સાથે થાક દરેક વ્યક્તિના જીવનમાં આવે જ છે. જુવાની કરતાં ઉંમર થાય એટલે થાક વ્યક્તિનાં શરીર અને મન બંનેને ઘેરે છે. એ સહજ છે પરંતુ અમુક પ્રકારના થાક બિલકુલ સહજ નથી જ. થાક કોઈ મોટા રોગનું પ્રાથમિક લક્ષણ પણ હોઈ શકે છે એટલે જાણી લો કે ક્યારે એને ન અવગણવો
કિસ્સો ૧ ૬૮ વર્ષના ધીરજભાઈ સવાર-સાંજ બંને સમય ૧-૧ કલાક વૉક પર જતા હતા. આ રીતે તેમણે સારો સ્ટૅમિના ભેગો કર્યો હતો પરંતુ અચાનક તેમને લાગવા લાગ્યું કે પગ હવે ઊપડતા નથી. તેમના મિત્રોએ તેમને કહ્યું કે ઉંમર થઈ એટલે આ બધું તો થાય. ધીમે-ધીમે એક મહિનાની અંદર ધીરજભાઈનો સાંજનો તો શું, સવારનો વૉક પણ બંધ થઈ ગયો. કારણ ફક્ત એ જ કે તેમને ખૂબ થાક લાગતો હતો. હવે ધીરજભાઈ ઘરમાં માંડ ચાલી શકે છે. ઘરના લોકોને લાગે છે કે ઉંમર પ્રમાણે આ બદલાવ છે એટલે તેમને કશું અજુગતું લાગતું નથી.
ADVERTISEMENT
કિસ્સો ૨ ૭૦ વર્ષનાં કમળાબહેન ૩૫ વર્ષની ઉંમરથી ટિફિન-સર્વિસ ચલાવે છે. ૧૦-૧૫ જણનું રસોડું તો ૭૦ વર્ષે પણ જાણે કે તેમના માટે ડાબા હાથનો ખેલ. પરંતુ ઘરમાં જ રહીને કુકિંગ જેવું મહેનતનું કામ કરતાં કમળાબહેનની ટિફિન-સર્વિસ છેલ્લા બે મહિનાથી બંધ છે. કમળાબહેન કહે છે કે તેમને ખૂબ પગ દુખે છે. થાક લાગે છે. રસોઈ કરવા લાગે ત્યારે એટલી નબળાઈ પકડાઈ જાય છે કે ગૅસ બંધ કરીને બેસી જવું પડે છે. અત્યારે તે માંડ પોતા પૂરતું બનાવી શકે છે.
ધીરજભાઈ અને કમળાબહેન બંનેને જે થાક લાગે છે એ થાક સામાન્ય નથી એ સમજવું જરૂરી છે. ઉંમર થાય એમ વ્યક્તિને થાક લાગે છે. ૨૦ની ઉંમરે ભાગતો માણસ ૬૦ની ઉંમરે ભાગી ન જ શકે અને ભાગતો હોય તો પણ એ સ્પીડ ન પકડી શકે એ સહજ છે. આમ થકાવટ વૃદ્ધાવસ્થાની નિશાની છે. પરંતુ એમ માનીને ચાલવું કે વૃદ્ધ થયા છીએ થાક તો લાગશે જ એ યોગ્ય નથી. ૬૫ વર્ષે કોઈને પહાડ ચડવાનો થાક લાગતો હોય, કોઈને દાદરા ચડવાનો તો કોઈને એક રૂમમાંથી બીજા રૂમમાં જવાનો. વ્યક્તિએ-વ્યક્તિએ થાકની પરિભાષા અને પરિસ્થિતિ જુદી હોય છે. કયા થાકને સામાન્ય થાક ગણવો અને કયા થાકને અસામાન્ય ગણીને ચેતવું એ જાણવું જરૂરી છે. એના વિશે આજે વિસ્તારપૂર્વક સમજીએ.
આરામ પછી પણ થાક?
કયા થાકને વ્યક્તિએ ગંભીરતાપૂર્વક લેવો જોઈએ? આ પ્રશ્નનો જવાબ આપતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘પહેલી વાત તો એ કે થાક કોઈ પણ ઉંમરે અને કોઈ પણ વ્યક્તિને લાગે પરંતુ થાકના ચિહ્નમાં એક વસ્તુ મહત્ત્વની છે કે થાક પછી જ્યારે વ્યક્તિ આરામ કરે તો એ થાક મટવો જોઈએ. માણસ ફરી રીજુવિનેટ થવો જોઈએ. જો તમને સૂઈ ગયા પછી કે કશું એનર્જેટિક ખાધા પછી પણ થાક જ લાગતો હોય અને એ પરિસ્થિતિમાં ફરક ન જણાતો હોય તો ચેતવું જરૂરી છે. એનો અર્થ કે તમારે ડૉક્ટર પાસે જવું જરૂરી છે.’
અચાનક આવતો વધુ થાક
થાકનું એક બીજું મહત્ત્વનું લક્ષણ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘વ્યક્તિ દરરોજ પાંચ કિલોમીટર ચાલતી હોય અને એ ૧ કિલોમીટર પણ ચાલી ન શકે એટલી થાકી જાય તો આવો અચાનક આવતો થાક ક્યારેય નૉર્મલ ન હોઈ શકે અથવા તો કહીએ કે ઉંમરને કારણે ન હોઈ શકે. અચાનક જ વગર કારણે, વધુ મહેનત કર્યા વગર તમે થાકી જાઓ તો આ પ્રકારનો થાક સૂચવે છે કે શરીરમાં કોઈ જગ્યાએ કોઈ ખાસ પ્રૉબ્લેમ છે. એમનેમ પણ ઉંમર કારણે આવતો થાક સહ્ય હોય છે, કારણ કે એ ધીમે-ધીમે આવે છે. અચાનક આવતો થાક ઇન્ફેક્શન કે સ્નાયુની તકલીફથી લઈને હાર્ટ પ્રૉબ્લેમ્સ સુધી કંઈ પણ હોઈ શકે છે એટલે એને અવગણો નહીં.’
થાકના પણ પ્રકાર
થાક-થાકમાં ફરક હોય છે એ સમજાવતાં કેમ્પ્સ કૉર્નરના ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટ ડૉ. બહેરામ પારડીવાલા કહે છે, ‘જ્યારે સિનિયર સિટિઝન મારી પાસે આવે અને કહે કે મને ખૂબ થાક લાગે છે ત્યારે હું તેમને પૂછું છું કે થાક એટલે શું? તમને શું થાય છે? કોઈ કહે કે ચાલતાં-ચાલતાં મને શ્વાસ ચડે છે તો તેનું હાર્ટ અને ફેફસાં ચેક કરાવવાં જરૂરી છે, કારણ કે થાક લાગે એ જુદું અને હાંફ ચડે એ જુદું. જો એ કહે કે ચાલતાં-ચાલતાં થાકી જવાય છે, બેસી જવું પડે છે તો તેમનાં હીમોગ્લોબિન, કિડની, લિવર ચેક થાય છે. જો તેમને પરસેવો ખૂબ વળી જતો હોય તો તેમનું હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ પૅરામીટર્સ જોવાં પડે. બ્લડ-પ્રેશર અને શુગર માપવી પડે. આમ થાક તો મહત્ત્વનું લક્ષણ છે જ પણ એની સાથે બીજું શું થાય છે એ જોવું પણ જરૂરી છે.’
વજન ઘટ્યું છે?
થાકની સાથેનાં લક્ષણોમાં સૌથી મહત્ત્વનું લક્ષણ જણાવતાં બહેરામ પારડીવાલા કહે છે, ‘જે વ્યક્તિને થાક લાગે છે તેનું શું વજન એકદમ ઓછું થઈ ગયું છે? જેમ કે છેલ્લા એક મહિનામાં ૩-૪ કિલ્લો વજન ઊતરી ગયું એમ કોઈ કહે એ પણ ખાસ કોઈ પ્રયત્નો વગર તો એ વ્યક્તિની ટેસ્ટ કરાવવી અને તેમનું ક્લિનિકલ ચેકઅપ કરવું પણ જરૂરી છે. આવાં લક્ષણો પાછળ કૅન્સર જેવી ગંભીર બીમારી પણ હોઈ શકે છે. આ બાબતે તેમનો મળ કાળો છે કે જમવામાં કોઈ તકલીફ પડે છે કે નહીં એ જાણવું જરૂરી છે.’
પેટને લગતી સમસ્યા
ઘણી વખત વ્યક્તિનું રૂટીન ઉપર-નીચે થાય ત્યારે તેને થાક લાગે છે. એમ પણ મોટી ઉંમરે તો રૂટીન અત્યંત મહત્ત્વનું બનતું હોય છે. જો કોઈ વ્યક્તિ રૂટીન ન ફૉલો કરી શકે તો પણ તેને અત્યંત થાક લાગે છે. એટલે કે સૂવાનો સમય કે ખોરાકનો સમય ઉપર-નીચે થઈ જાય તો પણ થાક ઘર કરી જાય છે. આવા સમયે રૂટીનમાં જલદી આવી જવું. ઘણી વખત વૃદ્ધાવસ્થામાં પાચન નબળું પડે એને લીધે ભૂખ ઓછી લાગતી હોય છે. એ વિશે વાત કરતાં બહેરામ પારડીવાલા કહે છે, ‘મોટી ઉંમરે ખોરાક થોડી માત્રામાં ઓછો થાય એ સહજ છે. પરંતુ ઘણી વાર લોકોની ભૂખ જ મરી જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કુપોષણનો શિકાર બને છે અને વ્યવસ્થિત ખોરાક ન લેવાને કારણે માંદી પડે છે. આવું જણાય તો વ્યક્તિને વ્યવસ્થિત ખોરાક ચાલુ કરાવવાથી તકલીફ ઘટે છે. થાક દૂર થાય છે.’
માનસિક
થાક હંમેશાં શારીરિક જ હોતો નથી, માનસિક પણ હોય છે અને એ ઉતારવો વધુ અઘરો છે. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ડિપ્રેશન એક એવી બીમારી છે જે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને આવી શકે છે. ઘણી વાર લોકોને લાગે છે કે વ્યક્તિ તો ખુશ છે, રિટાયર્ડ છે, આરામની જિંદગી જીવે છે પણ તેનાં દુઃખ અને તેની તકલીફ વ્યક્તિ પોતે જ સમજતી હોય છે. વૃદ્ધાવસ્થામાં એકાકી જીવન, ઘર કરી ગયેલા રોગો, શરીરનું લિમિટેશન, ગોળીઓ પર નભતું જીવન જેવી અનેક સમસ્યાઓ હોઈ શકે છે જેને કારણે અથવા તો કોઈ પણ કારણ વગર પણ ડિપ્રેશન આવી શકે છે, જેમાં વ્યક્તિને થાક લાગે છે. એવા લોકો જેમના રિપોર્ટ્સ એકદમ સારા હોય, શરીરથી તે એકદમ ઠીક લાગતા હોય છતાં એક જ તકલીફ જણાવતા હોય કે તેમને થાક ખૂબ લાગે છે એવા લોકોની માનસિક પરિસ્થિતિને ચકાસવી જરૂરી છે અને એનો ઇલાજ પણ.’
અચાનક જ વગર કારણે તમે થાકી જાઓ તો એ સૂચવે છે કે શરીરમાં કોઈ જગ્યાએ પ્રૉબ્લેમ છે. અચાનક આવતો થાક ઇન્ફેક્શન કે સ્નાયુની તકલીફથી લઈને હાર્ટ પ્રૉબ્લેમ્સ સુધી કંઈ પણ હોઈ શકે છે - ડૉ. સુશીલ શાહ, ફૅમિલી ફિઝિશ્યન