શિયાળામાં શરીર જકડાઈ ન જાય એવું ઇચ્છતા હો તો સવાર-સાંજ બે વાર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને દર બે કલાકે પાંચ મિનિટ ચાલવાનો નિયમ ફૉલો કરવા માંડો, શરીરનું કળતર ગાયબ થઈ જશે
પૌરાણિક વિઝડમ
પ્રતીકાત્મક તસવીર
શરીરમાં કળતર ન થવા દેવું હોય તો શિયાળામાં પણ પૂરતું પાણી પીઓ. હાઇડ્રેટેડ બૉડી હોય તો શિયાળાની ડ્રાયનેસ તમને ઓછી અકળાવશે.
સામાન્ય રીતે સાંધાના દુખાવાની તકલીફ ન હોય એવા લોકોને પણ શિયાળામાં એની નાની-મોટી ફરિયાદ થવા માંડે છે. જૉઇન્ટ્સ પેઇન પહેલેથી હોય તેમને માટે વધુ પીડા થવા માંડે છે. જો તમને જૉઇન્ટ્સની તકલીફ હોય તો એ માટેની દવાઓ નિયમિત લેવાનું રાખો. જોકે ઠંડીમાં જ તમને બૉડીમાં ઝીણું-ઝીણું કળતર થતું હોય તો એ તમારી બેઠાડુ લાઇફસ્ટાઇલની દેન હોય એવું બની શકે છે. નવાઈની વાત એ છે કે આ સમસ્યા માત્ર સિનિયર સિટિઝન્સમાં જ નહીં, બેઠાડુ જીવનશૈલી ધરાવતા જુવાનિયાઓ અને ટાબરિયાંઓમાં પણ જોવા મળે છે. માટે આજની વાત માત્ર વડીલમિત્રો માટે જ નથી, બધા માટે છે. હા, વડીલોને એનાથી વધુ ફાયદો થશે.
ADVERTISEMENT
જ્યાં ભારે ઠંડી પડે છે એવા ગુજરાત અને નૉર્થનાં રાજ્યોમાં તો આખો દિવસ તમને રજાઈમાં ગોટમોટ બેસી રહેવાનું મન થતું હશે. જોકે વહેલી સવારે અને સાંજ ઢળવાની હોય એ બે સમયગાળા એવા છે જ્યાં મુંબઈ જેવા શહેરમાં પણ થોડી ગુલાબી ઠંડી પડતી હોય છે. જ્યારે ઠંડીથી બચવા માટે તમે ટૂંટિયું વાળીને ગોટમોટ બેસી રહો છો ત્યારે પણ શરીરમાં એવી જ ઇફેક્ટ ઊભી થાય છે જેવી તમે કામમાં તલ્લીન થઈ જવાને કારણે ખોટી પોઝિશનમાં લાંબો સમય બેઠા હો ત્યારે. નિવૃત્ત વડીલો પણ દિવસનો ખાસ્સો સમય કાં તો ખુરસીમાં બેસીને કાં પથારીમાં આડા પડીને વિતાવે છે એને કારણે પણ સાંધા અને સ્નાયુઓમાં કળતર થાય છે.
સૂર્યોદય-સૂર્યાસ્ત અને સૂક્ષ્મ વ્યાયામ| સૂક્ષ્મ વ્યાયામ એટલે કે સાંધાઓની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. સૂર્યાસ્ત વખતે એટલે કે ઠંડક થવાની શરૂ થાય એ પહેલાં જ ગરદન, આંગળાં, કાંડાં, કોણી, ખભા, ઍન્કલ, ઘૂંટી અને થાપાના જૉઇન્ટ્સની મૂવમેન્ટવાળી સૂક્ષ્મ ક્રિયાઓ કરવી. આ તમામ સાંધાઓને ગોળ ઘુમાવવા. ગોળ ઘુમાવવાની પ્રક્રિયા પણ બૅલૅન્સ્ડ હોવી જોઈએ. દાખલા તરીકે જો તમે ગરદનને એક વાર ડાબેથી જમણે ઘુમાવો તો બીજી વાર જમણેથી ડાબે ઘુમાવો. જો તમે સ્ત્રી હો તો સર્ક્યુલર મૂવમેન્ટમાં પહેલાં ડાબી સાઇડથી ઘુમાવવાનું શરૂ કરવું અને જો તમે પુરુષ હો તો તમારે પહેલાં જમણેથી ડાબે ઘુમાવવાનું શરૂ કરવું. સવારે ઊઠીને અને સાંજ ઢળતી હોય ત્યારે તમામ સાંધાને જગાડતી સૂક્ષ્મ ક્રિયાઓ બૉડીને સ્ટિફ થતું અટકાવશે.
દર બે-અઢી કલાકે પાંચ મિનિટની વૉક | તમે ડેસ્ક જૉબ કરતા હો કે પછી નિવૃત્ત હોવાથી ખાટલેથી ખુરસી અને ખુરસીથી ખાટલે એટલું જ ફરતા હો તો આ નિયમ બનાવી દો. દર બે કલાકે પાંચ મિનિટનું વૉક લેવાનું રાખો. પાણી પીવા ઊઠવું કે બાથરૂમ જવા ઊઠવું એ આમાં ન ગણાય. આ પાંચ મિનિટનું વૉક સળંગ હોવું જોઈએ અને શરીરને હલકું મૂકીને હાથની મૂવમેન્ટ સાથે થતું વૉક હોવું જોઈએ.
આ પણ વાંચો: ગુડવાલી ચાય ખરેખર ગુડ છે?
ભીનો શેક | જો તમને પહેલેથી થોડો જૉઇન્ટ્સનો પ્રૉબ્લેમ હોય જ તો બની શકે કે વૉક કે વ્યાયામથી શરીરમાં સ્ફૂર્તિ આવે, પણ પીડા ઘટે નહીં. આવા સમયે જે-તે દુખતા સાંધા પર તલના તેલની માલિશ કરીને શેક કરવો. માલિશ માટે બલા કે નિર્ગુંડી તેલ પણ વાપરી શકાય. યાદ રહે કે આ શેક ભીનો હોવો જોઈએ. રેતીની પોટલીનો કે ઇલેક્ટ્રિક હીટિંગ પૅડની ગરમીથી થતો શેક સાંધાને વધુ શુષ્ક બનાવશે અને લાંબા ગાળે સાંધાની સમસ્યાને વકરાવશે. ટૉવેલને ગરમ પાણીમાં બોળીને માલિશ કરેલા સાંધા પર મૂકવો. એનાથી તેલ ત્વચાની અંદર ઊતરશે.