જોકે એના માટે તમારી લાઇફ-સ્ટાઇલ યોગ્ય હોવી જરૂરી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જે લોકોનું વજન વધારે છે એવા લોકોને શરીર જલદી સુડોળ કેવી રીતે બને એનું ટેન્શન રહેતું હોય છે. જાડા લોકો તેમના શરીરમાં જમા ચરબી બળી જાય એવું ઇચ્છતા હોય છે અને ઘણા ઉપાયો અજમાવતા હોય છે. શરીરમાંથી વધારાની કૅલરીને બાળી નાખવા માટે ઘણી પ્રયુક્તિઓ છે જેમના દ્વારા ઊંઘમાં પણ કૅલરી બાળી શકાય છે. આ પ્રયુક્તિઓને અજમાવવામાં આવે તો ચોક્કસ પરિણામ મળી શકે છે. સૌથી મહત્ત્વની વાત પાચનતંત્રની છે. જે ખાધું છે એ પચી જવું જોઈએ અને આ કામ સારા મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયાનું છે. મેટાબોલિઝમને વેગ આપે એવી અને સ્વસ્થ ઊંઘને પ્રોત્સાહિત કરતી ઘણી વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊંઘતી વખતે પણ શરીરમાંથી કૅલરીને બાળી શકાય છે. આ પ્રયુક્તિઓમાં નિયમિત કસરત, સ્ટ્રેસનું મૅનેજમેન્ટ, સારો પોષક ખોરાક, કૅફીન ધરાવતાં પીણાંઓના સેવનમાં ઘટાડો અને મહિલાઓમાં સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ મુખ્ય છે.
આપણું શરીર હંમેશાં કૅલરી બાળે છે; ભલે એ સક્રિય હોય, ઊંઘતું હોય કે બેઠું હોય. જોકે નિષ્ણાતો જણાવે છે કે વ્યક્તિઓનાં ઊંઘ, આહાર, કસરત અને અન્ય જટિલ પરિબળોની આંતરપ્રક્રિયા પર એ આધાર રાખે છે. જાગ્રત અવસ્થામાં જેટલી કૅલરી બળે એના કરતાં ૧૫ ટકા ઓછી કૅલરી ઊંઘતી વખતે બળે છે. એક સામાન્ય વ્યક્તિમાં દર કલાકે પચાસથી ૭૦ કૅલરી બળી જતી હોય છે. ડૉક્ટરો કહે છે કે સારી ગુણવત્તાવાળી ઊંઘ અને યોગ્ય માત્રામાં ઊંઘ લેવાથી મેટાબોલિઝમ સક્રિય થાય છે અને એકંદરે વજન ઘટાડવામાં મદદ મળે છે. ઊંઘ લેતી વખતે શરીરમાંથી કૅલરી બાળી શકાય છે અને એ નીચે દર્શાવેલાં ઘણાં પરિબળો પર આધારિત છે.
ADVERTISEMENT
કસરત જરૂરી
માત્ર શરીરને ફિટ રાખવા જ નહીં, એકંદર સુખાકારી માટે કસરત કરવી મહત્ત્વપૂર્ણ છે. નિષ્ણાતો જણાવે છે કે નિયમિત સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ લેવાથી બેઝલ મેટાબોલિક રેટ (BMR) એટલે કે આરામ કરતી વખતે શરીરને જરૂર પડતી મિનિમમ એનર્જીમાં વધારો થાય છે. વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે મહિલાઓમાં પ્રતિકાર-તાલીમ તેમની ઊંઘ પર વધુ અસરકારક સાબિત થાય છે.
વધારે ઊંઘ
તમને એ જાણીને નવાઈ લાગશે કે વજન ઘટાડવા માટે ઊંઘ અત્યંત મદદરૂપ છે, પણ એ હકીકત છે. સારી ગુણવત્તા ધરાવતી ઊંઘ લેનારા અને વધુ કલાકો સુધી ઊંઘનારા લોકોનું વજન વધુ ઘટે છે. નિષ્ણાતો જણાવે છે કે જેમની ઊંઘ પૂરી થઈ નથી અથવા ઊંઘમાં જેમને ખલેલ પડી હોય એવા લોકોને વધારે ભૂખ લાગી શકે છે અને તેથી ભૂખ મિટાવવા તેઓ જન્ક અથવા પ્રોસેસ્ડ ફૂડ ખાય છે અને એના પરિણામે તેમનું વજન વધી જાય છે.
સાંજે વહેલું જમી લેવું
તમે શું ખાઓ છો અને ક્યારે ખાઓ છો એ પણ તમારું વજન અને કૅલરી કેટલી બળશે એ નિર્ધારિત કરે છે. નિયમિત ઇન્ટરવલ બાદ તમે ખાઓ અને સાંજે સાત વાગ્યા પહેલાં તમે છેલ્લું ભોજન પૂરું કરી લો તો એ કૅલરી બર્ન કરવામાં વધારે મદદરૂપ થાય છે. નિષ્ણાતો પણ કહે છે કે જો તમે દિવસ દરમ્યાન વહેલા જમી લેશો તો તમને મોડા જમવા કરતાં ઓછી ભૂખ લાગશે. ઉપરાંત જે લોકો મોડું જમે છે તેમના શરીરમાં ચરબીના વધુ કોષનો સંગ્રહ થાય છે.
કૅફીન ધરાવતા પદાર્થોનું સેવન
વિવિધ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કૅફીન મેટાબોલિઝમમાં થોડો વધારો કરે છે, પણ તમારે યોગ્ય સમય અને માત્રા શું હોવાં જોઈએ એ જાણવું ઘણું મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો તમે વજન ઘટાડવા માગતા હો તો લાંબા ગાળા સુધી કૅફીનનું સેવન તમારા માટે સારું નથી. રાતે સૂતાં પહેલાં કૅફીનયુક્ત પીણાં લેવાથી સારી ઊંઘ મેળવવી મુશ્કેલ બને છે.
સારી ઊંઘ મેળવવાની શ્રેષ્ઠ રીત
મોટા ભાગે ડૉક્ટરો ઓછામાં ઓછા સાતથી ૮ કલાકની અવિરત ઊંઘની ભલામણ કરે છે. જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય તો નીચેની ટિપ્સ અજમાવો.
નિયમિત સમય બનાવો : દરરોજ રાત્રે એક જ સમયે સૂવાનું રાખો અને દરરોજ સવારે એક જ સમયે જાગવાનું રાખો. રાત્રે સૂતાં પહેલાં સ્નાન, યોગ કે ધ્યાન જેવી પ્રવૃત્તિ કરો જેનાથી તમને થોડું રિલૅક્સ ફીલ થાય.
સૂતાં પહેલાં નો સ્મોકિંગ
ઘણા લોકો ધૂમ્રપાન કરતા હોય છે અને સૂતાં પહેલાં એકાદ સિગારેટ પીએ છે, પણ સારી ઊંઘ માટે સૂતાં પહેલાં સ્મોકિંગ ટાળો. આ સિવાય શરાબનું સેવન ન કરો અને કૉફી પણ ન પીઓ, એનાથી ઊંઘ આવવામાં વાર લાગે છે અને એ બીજા દિવસે મુશ્કેલી ઊભી કરી શકે છે.
મોબાઇલ બંધ કરો
સૂવા જતાં પહેલાં તમારાં મોબાઇલ ફોન, કમ્પ્યુટર, લૅપટૉપ, ટીવી કે બીજાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બંધ છે એની ખાતરી કરો.

