૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે અને મોટા ભાગે દરદીને ખબર પણ પડતી નથી
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચોમાસું એની સાથે કેટલાક ટિપિકલ રોગોને તાણી લાવે છે જેમાંનો એક છે ડેન્ગી. આ એક વાઇરલ ઇન્ફેક્શન છે એટલે કે વાઇરસથી જન્મતું ઇન્ફેક્શન. ૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે અને મોટા ભાગે દરદીને ખબર પણ પડતી નથી એટલી જલદી એ જતું રહે છે એટલે કે દરદીને લાગે કે તેને સામાન્ય વાઇરલ જેવું કંઈક થયું છે જેમાં તાવ આવે કે થોડી કળતર થાય અને ૪-૫ દિવસમાં સ્ટ્રૉન્ગ રોગપ્રતિકારક શક્તિને કારણે તે વ્યક્તિ ઠીક થઈ જાય. ૨૦ ટકા કેસમાંથી ૧૦ ટકા કેસ એવા હોય છે જે થોડા સિરિયસ હોય અને ૧૦-૧૫ દિવસના ઇલાજ પછી એ ઠીક થઈ જાય. બાકીના ૫-૧૦ ટકા કેસ એવા હોય છે જે સિરિયસ કહી શકાય. એ કેસ એવા ગંભીર હોય છે કે આ ઇન્ફેક્શનની અસર તેમના પર ઘાતક સાબિત થાય છે. આમ, એવું નથી કે ડેન્ગી થયો હોય તો એ ઘાતક જ હોય. એવું જરાય જરૂરી નથી, પરંતુ એ વાત સાચી છે કે ડેન્ગી એક ગંભીર રોગ સાબિત થઈ શકે છે. જરૂરી એ છે કે એનાં ચિહ્નોને સમજીને સમયસર એનો ઇલાજ શરૂ થઈ જાય.