તમારી વાત સાચી કે થાઇરૉઇડનો પ્રૉબ્લેમ પુરુષોમાં ઓછો અને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પરંતુ એવું હોતું નથી કે પુરુષોને આ રોગ થતો નથી. જે લોકોને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ છે તેમને પણ થાઇરૉઇડ પ્રૉબ્લેમ આવવાની શક્યતા કે રિસ્ક વધુ રહે છે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
હું ૫૨ વર્ષનો છું અને મને ૧ વર્ષ પહેલાં ડાયાબિટીઝ થયો હતો. દવા ચાલુ છે. ડાયાબિટીઝ ઘણા અંશે કાબૂમાં રહે છે. હું કોશિશ કરી રહી છું કે ડાયાબિટીઝ ના રહે. ડૉક્ટરનું કહેવું છે ડાયાબિટીઝ રિવર્સ થઈ શકે, પરંતુ હમણાં રૂટીન ચેક-અપમાં ખબર પડી કે મને થાઇરૉઇડ પણ છે. થાઇરૉઇડ તો સ્ત્રીઓમાં વધુ હોય છે. મને આ તકલીફ કેમ આવી એ સમજાતું નથી. શું મને ડાયાબિટીઝને કારણે થાઇરૉઇડ થયું છે? ડાયાબિટીઝ પાછું જાય એની હું પૂરી કોશિશમાં છું, પરંતુ હવે થાઇરૉઇડને લીધે ડાયાબિટીઝ પાછું જવામાં કોઈ તકલીફ થઈ શકે ખરી?
તમારી વાત સાચી કે થાઇરૉઇડનો પ્રૉબ્લેમ પુરુષોમાં ઓછો અને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પરંતુ એવું હોતું નથી કે પુરુષોને આ રોગ થતો નથી. જે લોકોને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ છે તેમને પણ થાઇરૉઇડ પ્રૉબ્લેમ આવવાની શક્યતા કે રિસ્ક વધુ રહે છે, કારણ કે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ માટે જે ટ્રિગર્સ કામ કરતાં હોય છે એ ટ્રિગર્સ થાઇરૉઇડ માટે પણ કામ કરતાં હોય છે. આ બન્ને રોગ એક હૉર્મોનલ ડિસઑર્ડર છે. થાઇરૉઇડ પણ એક હૉર્મોન છે અને ઇન્સ્યુલીન પણ. જે વ્યક્તિના શરીરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સર્જાય કે પછી તેને હૉર્મોનલ ડિસ્ટર્બન્સ થવા માટેનાં કારણો પૂરાં પાડવામાં આવે જેમ કે સ્ટ્રેસ, ઓબેસિટી, અપૂરતી ઊંઘ, અયોગ્ય ખોરાક, બેઠાડું જીવન વગેરે તો જે રીતે શરીરમાં ટાઇપ-ટૂ ડાયાબિટીઝ ઘર કરે એ જ રીતે શરીરમાં થાઇરૉઇડ પણ ઘર કરી શકે છે. જે કારણસર વ્યક્તિને ડાયાબિટીઝ થયું એ જ કારણો થાઇરૉઇડ હૉર્મોનની તકલીફ માટે પણ જવાબદાર બની શકે છે. માટે જે વ્યક્તિને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ છે એને થાઇરૉઇડ પ્રૉબ્લેમ થવાની શક્યતા ઘણી વધારે રહે છે.
ADVERTISEMENT
બીજી વાત એ કે થાઇરૉઇડને કારણે મેટાબોલિઝમ ઓછું થાય છે, જેને લીધે ઓબેસિટી વધે છે. એને કારણે તમારા ડાયાબિટીઝના મૅનેજમેન્ટમાં પ્રૉબ્લેમ આવી શકે છે. વળી, તમે રિવર્સ કરવા ઇચ્છો છો તો એમાં એ નડતરરૂપ ન બને એ માટે થાઇરૉઇડનો ઇલાજ શરૂ કરો. જો તમને લાઇફસ્ટાઇલ કારણોસર જ થાઇરૉઇડ આવ્યું છે તો તમે જે ડાયાબિટીઝને રિવર્સ કરવા માટે લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવી રહ્યા છો એ જ પ્રયાસ થાઇરૉઇડમાં પણ કામ કરશે અને બની શકે કે ડાયાબિટીઝની સાથે થાઇરૉઇડ પણ જતું રહે. માટે પહેલાં તો તમે થાઇરૉઇડ તમને કેમ આવ્યું એનાં પાછળનાં કારણો જાણો અને ડૉક્ટરને મળીને એનો ઇલાજ શરૂ કરી દો.