તો તમે ‘સાઇબરકોન્ડ્રિયા’નો શિકાર હોઈ શકો છે. આ એક એવો ડિસઑર્ડર છે જેમાં વ્યક્તિ સ્વાસ્થ્ય બાબતે જરૂર કરતાં વધુ ઇન્ટરનેટ પર સર્ચ કરે છે.
સાઇબરકોન્ડ્રિયાના શિકાર
તો તમે ‘સાઇબરકોન્ડ્રિયા’નો શિકાર હોઈ શકો છે. આ એક એવો ડિસઑર્ડર છે જેમાં વ્યક્તિ સ્વાસ્થ્ય બાબતે જરૂર કરતાં વધુ ઇન્ટરનેટ પર સર્ચ કરે છે. એ માહિતીથી ઉચાટ પામીને પોતાની તકલીફને સમજવાને બદલે તે ધારી બેસે છે કે તેને કોઈ મોટી બીમારી છે. એ પછી ડૉક્ટર ના પાડે કે લૅબની ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તેની બીમારીની શંકા દૂર થતી નથી. આજે જાણીએ કે ઇન્ટરનેટને કારણે પોતે જ પોતાને અડધા ડૉક્ટર માની બેસનારા દરદીઓ સાથેના કેવા-કેવા અનુભવો ડૉક્ટરોને થતા હોય છે
આજની તારીખે ઇન્ટરનેટ-સર્ચ એ એકમાત્ર મહત્ત્વનો માહિતીનો સોર્સ બની ગયો છે અને આખી દુનિયા એ માહિતીના સહારે જીવનનિર્વાહ કરી રહી છે. એમાં હેલ્થ વિશે સર્ચ કરનારા અઢળક લોકો છે. બીમારી વિશે, બીમારીનાં લક્ષણો વિશે, ડૉક્ટર વિશે, દવાઓ વિશે, જુદી-જુદી ટ્રીટમેન્ટ વિશે બધા સર્ચ કરતા થયા છે જે આજની તારીખે જરૂરી પણ છે; પરંતુ શું આ સર્ચ કરવાની આદત ખુદ એક બીમારી બની શકે? તો એનો જવાબ છે હા. હાસ્યાસ્પદ બાબત એ છે કે એનું નામ પણ ઇન્ટરનેટે જ આપેલું છે જેને ‘સાઇબરકોન્ડ્રિયા’ કહેવાય છે. મેડિકલ થોથાંમાં આ નામ મળતું નથી, પરંતુ આજની પરિસ્થિતિમાં સાઇબરકોન્ડ્રિયા એક પ્રકારનો ડિસઑર્ડર છે.
ADVERTISEMENT
‘સાઇબરકોન્ડ્રિયા’ શબ્દ હાઇપોકોન્ડ્રિયા શબ્દ પરથી આવ્યો છે. એ એક માનસિક બીમારી છે જેમાં વ્યક્તિને બીમારીની બીક રહે છે. એમાં વ્યક્તિને લાગે છે કે તેને કોઈ મોટી બીમારી છે અથવા થઈ જશે. એના પરથી સાઇબરકોન્ડ્રિયા શબ્દ આવ્યો. આજે આ તકલીફનો ભોગ ભલે સામાન્ય લોકો બનતા હોય, પરંતુ એનો સામનો ડૉક્ટરોએ કરવો પડે છે. તેમની પાસેથી જાણીએ કેટલાક રસપ્રદ કિસ્સા વિશે અને સમજીએ કે કઈ રીતે આ તકલીફ વ્યક્તિને હેરાન કરી શકે છે.
નિદાન જાતે જ કરી લે
આજકાલ રેટિંગ જોઈને રેસ્ટોરાં સિલેક્ટ કરતી જનતા ડૉક્ટર પણ રેટિંગ જોઈને નક્કી કરતી થઈ ગઈ છે. એ રિવ્યુ કેવા છે એ પ્રમાણે ડૉક્ટરને જજ કરતી હોય છે. પોતે જ પોતાનાં લક્ષણો ગૂગલ કરીને જોઈ લે છે અને ધારી લે છે કે આમ લખ્યું છે એ મુજબ મને આ બીમારી હોઈ શકે છે અને આવા લોકો ઘણી મોટી સંખ્યામાં છે. આ વાત કરતાં દહિસરમાં પ્રૅક્ટિસ કરતા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘એક વાર મારે ત્યાં એક ભાઈ આવ્યા. તેમણે મને કહ્યું કે ડૉક્ટરસાહેબ, મને ઍપેન્ડિક્સ થઈ ગયું છે, સોનોગ્રાફીની ચિઠ્ઠી લખી આપો. મેં કહ્યું કે ભલા માણસ, મને ચેક તો કરવા દો. તો કહે કે અરે, હું કહું છુંને, ઍપેન્ડિક્સ જ છે; મેં વાંચી લીધું. એક ભાઈ તો ગૂગલ પરથી એક પ્રિન્ટઆઉટનો મોટો થોકડો લઈને આવેલા. મને કહે કે મેં મારા રોગ વિશે બધું જ રિસર્ચ કરી લીધું છે, તમે પણ વાંચી જજો. મેં તેમને કહ્યું કે હા, મેડિસિનમાં તો અમે હજી ઓછું ભણ્યા છીએ એટલે ગૂગલ પરથી ભણવું જરૂરી છે. બીજાં એક બહેન હતાં જેમને પાચનની સમસ્યા હતી. તે મને કહેવા લાગ્યા કે આ દવા મારા પર કામ નહીં કરે, પેલી કરશે. ૩ વર્ષમાં તેમણે પેટની જુદી-જુદી દવાઓ પર પીએચ.ડી. કરી લીધું હતું જેની તેમને બિલકુલ જરૂર નહોતી.’
સમજાવવું પડે
ડાયાબિટીઝ એક એવો રોગ છે જેમાં લગભગ સૌથી વધુ માહિતીઓ સર્ચ થતી હશે એમ કહી શકાય. જેવી રીતે વાંચીને કોઈ પાઇલટ નથી બની શકતું એમ ફક્ત ઇન્ટરનેટ પર વાંચીને કોઈ ડૉક્ટર બનતું નથી એમ સ્પષ્ટ કહેતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આપણને લાગે છે કે યુવાનો આ બધું વધુ વાંચે છે, પરંતુ એવું નથી. વડીલો સ્માર્ટફોનનો ઉપયોગ વધુ કરે છે અને યુવાનોથી વિરુદ્ધ તેમને નકલી-અસલીની પરખ નથી. પ્રમાણ જાણ્યા વગર તેઓ માની લે છે. ઘણી વાર મારે ત્યાં આવતા આ ઇન્ટરનેટના જ્ઞાની દરદીઓને રમૂજમાં હું કહું છું કે તમને આટલી બધી ખબર છે તો મારે તમને ફી આપવી પડશે. ઘણી વાર કોઈ માનવા તૈયાર ન હોય તો તેમનું જ ગૂગલ ખોલીને તેમને સમજાવવું પડે છે કે તમે ફર્જી સાઇટ પર વાંચેલું, આ ઑથેન્ટિક સાઇટમાંથી વાંચો તો તમને વિશ્વાસ આવશે.’
એને કારણે થાય છે શું?
જ્યારે ચિહનો સાદાં હોય જેમ કે માથાનો દુખાવો તો આ ચિહનમાં નૉર્મલ ટેન્શન હેડેકથી લઈને ટ્યુમર સુધીની કોઈ પણ બીમારી હોઈ શકે છે. જો તમારું અચાનક જ વજન ઓછું થતું હોય તો સ્નાયુઓના લૉસથી લઈને કૅન્સર સુધીની બીમારી હોઈ શકે છે. આમ ફક્ત ચિહનો ખબર પડે તો નિદાન નથી થઈ જતું. જ્યારે વ્યક્તિ સર્ચ કરે છે કે આ ચિહન હોય તો કઈ-કઈ બીમારી હોઈ શકે છે તો એનું એક લિસ્ટ આવી જાય છે. એ લિસ્ટ જોઈને લોકો ક્યારેય એમ માનતા નથી કે આ મને નૉર્મલ ઉધરસ થઈ હશે. તેમને એમ જ લાગે છે કે ટીબી હશે તો? આ ડર દરદીને કઈ રીતે ડરાવે છે અને એની શરીર-મન પર શું અસર હોય છે એ વિશે વાત કરતાં સુશીલ શાહ કહે છે, ‘જે લોકોને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર હોય છે તેમને આ પ્રકારનું સ્ટ્રેસ હેરાન કરી શકે છે. થાય છે એવું કે ગભરાટમાં વ્યક્તિનું બ્લડ-પ્રેશર બધી જતું હોય છે. આ સ્ટ્રેસ અટૅકમાં પરિણમી શકે છે.’
સાઇકોલૉજી જવાબદાર
આ એક પ્રકારની માનસિકતા છે, પરંતુ એ કયા લોકોને વધુ હેરાન કરી શકે છે? નેટ પર વાંચીને જો તમે ગભરાઈ જતા હો કે તમને કશું થઈ ગયું છે અને આ ડર નૉર્મલ કરતાં ઘણો વધારે છે તો એ ડર પાછળની સાઇકોલૉજી સમજાવતાં ઘાટકોપરના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘આમ જુઓ તો આ તકલીફ ઍન્ગ્ઝાયટી જ લાગે, પણ આ રોગનું નામ એક છે અને એની અંદર એના ઘણા પ્રકાર છે. જે લોકોને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર, હેલ્થ ઍન્ગ્ઝાયટી અને હાઇપરકોન્ડ્રિયા છે તેમને આ તકલીફ થાય છે. વ્યક્તિને જે કારણે એ તકલીફ થતી હોય તેને એ દિશામાં ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. જો કોઈ ખાસ ચિહન જોવા ન મળે તો મૂળભૂત કાઉન્સેલિંગથી ફરક પડી શકે છે. અમારા ફીલ્ડમાં પણ અમને એવા દરદીઓ મળે જ છે. મોટા ભાગે સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સમાં દરદી અને તેના ઘરના લોકો દવાઓ લેવા તૈયાર નથી હોતા. તેઓ અમને ગૂગલ કરીને બતાવતા હોય છે કે આ દવાની આ સાઇડ-ઇફેક્ટ છે અને પેલી દવાની આટલી સાઇડ-ઇફેક્ટ છે એટલે અમે તો ગભરાઈએ છીએ. ત્યારે તેમને ખૂબ સમજાવવા પડે છે કે સાઇડ-ઇફેક્ટ સામાન્ય પૅરાસિટામોલની પણ હોય જ છે, પણ એ તમે ખાઓ છો કારણ કે એની જરૂર છે. અત્યારે સાઇડ-ઇફેક્ટથી ગભરાવાનો નહીં, ઇલાજ કરવાનો સમય છે. આ દવાઓ ખૂબ જરૂરી છે એટલે ખાવી પડશે.’
ક્યારે સતર્ક થવું જરૂરી?
આમ તો હેલ્થ બાબતે સર્ચ દરેક વ્યક્તિ કરતી જ હોય છે અને એ બાબતે દરેક પોતાનું મંતવ્ય બનાવતી હોય છે, પરંતુ આ આદત તમારા માનસને કે શરીરને નુકસાનકર્તા બની ગઈ છે એ કઈ રીતે સમજી શકાય? એ વિશે જણાવતાં ડૉ શ્યામ મિથિયા કહે છે, ‘એક હોય છે કે કોઈ શંકા થઈ અને તમે સર્ચ કરીને જોઈ લીધું. એ ઠીક છે. જોકે જ્યારે એ લૉજિકલ વસ્તુ તમારા માટે કમ્પલ્ઝન બને છે, જેમ કે કોઈએ કંઈ કહ્યું અને તમે તરત જ સર્ચ કરવા લાગો, તમને શરીરમાં કંઈ પણ થયું કે તમે સર્ચ કરવા લાગો, તમને કોઈ દવા હાથમાં ચડી તો એના વિશે વધુ જાણવું તમારા માટે જરૂરી બની જાય આવું ફરજિયાતપણું બીમારી તરફ તમને લઈ જશે. એટલે જો એવું થાય તો તરત ચેતો. આ આદતને બદલો. જો ન છૂટે તો પ્રોફેશનલ મદદ લો.’
કરવું શું?
જો હેલ્થ બાબતે સર્ચ કરવાની આદત હોય તો એને કઈ રીતે હેલ્ધી આદત બનાવવી અને એ તમને નુકસાનકર્તા ન બની જાય એનું કઈ રીતે ધ્યાન રાખવું એ વિશે મહત્ત્વના મુદ્દાઓ સમજીએ બોરીવલી અને ગોરેગામના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે પાસેથી.
જાણી લો કે ઑથેન્ટિક સાઇટ કઈ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, મેડિકલ અસોસિએશન અને સરકારી સાઇટ્સ ઑથેન્ટિક હોય છે.
દરેક યુટ્યુબ વિડિયો કે વૉટ્સઍપ પર આવતા ફૉર્વર્ડને સત્ય માની ન લેવું.
જો તમને કોઈ ચિહન છે તો ગૂગલને પૂછવાને બદલે ડૉક્ટરને મળો. નિદાન જેવું અઘરું કામ ડૉક્ટરનું છે, ગૂગલનું નહીં.
નાના-નાના પ્રશ્નોને લઈને જો તમારા માટે ડૉક્ટર અવેલેબલ ન હોય તો ઘણી હેલ્થલાઇન સેવાઓ છે જેમાં મેડિકલ હેલ્પ ફોન પર અવેલેબલ હોય છે. તેમને પૂછો.
દવાની સાઇડ-ઇફેક્ટ બાબતે જાગરૂક રહેવું, પણ મનમાં ગ્રંથિ ન બાંધો કે મને એ થશે જ. મન એટલું શરીર પર અસર કરે છે કે જો તમે માની લેશો કે મને સાઇડ-ઇફેક્ટ આવશે જ તો ચોક્કસ આવશે.
તમારી હેલ્થની બાબતમાં છેલ્લો શબ્દ ડૉક્ટરનો જ હોવો જોઈએ એટલે તમારા ડૉક્ટર પર તમારે વિશ્વાસ રાખવો જોઈએ. જો ન હોય તો બીજા ડૉક્ટરનો મત લો, પણ ઇન્ટરનેટને ડૉક્ટરની ઉપાધિ ન આપો.