ટીકામાં નિંદા ઉપરાંત ઈર્ષ્યા, દ્વેષ ને એમના મૂળમાં અન્ય કોઈક પ્રત્યેનો મોહ સામેલ હોય છે. આવી વ્યક્તિ સદા કોઈક ને કોઈકના અવગુણની શોધમાં જ લાગેલી રહે છે
પ્રતીકાત્મક તસવીર
અનુભવે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજાની ટીકા કરે છે ત્યારે સૂક્ષ્મ સ્તરે એ ‘ટીકા’ને બદલે એક પ્રકારની ‘નિંદા’ હોય છે અને આવા માણસના મનમાં વધુ નહીં પણ આંશિક ઘૃણા તો અવશ્ય ભરેલી હોય જ છે. ટીકામાં નિંદા ઉપરાંત ઈર્ષ્યા, દ્વેષ ને એમના મૂળમાં અન્ય કોઈક પ્રત્યેનો મોહ સામેલ હોય છે. આવી વ્યક્તિ સદા કોઈક ને કોઈકના અવગુણની શોધમાં જ લાગેલી રહે છે અને એટલે જ તેને ક્યારેય કોઈના ગુણ તો દેખાતા નથી અને જો કદાચ દેખાય પણ, તો એ સાવ અસ્પષ્ટ દેખાય છે. આમ ‘દોષવૃત્તિ’ તેના જીવનનું દર્શન બની જાય છે.
સામાન્યતઃ બીજાની નિંદા કરતા સમયે વ્યક્તિ એ ભૂલી જાય છે કે તેની પોતાની અંદર કેટલી ખામી ભરેલી છે. અને એટલે જ વિદ્વાનો દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ‘જ્યારે તમે કોઈની સામે આંગળી ચીંધો છો ત્યારે ત્રણ આંગળી તમારી તરફ પણ હોય છે એ ભૂલવું ન જોઈએ.’ અર્થાત્ કોઈની નિંદા કરતાં પહેલાં એક વખત પોતાની અંદર ડોકિયું કરીને જોઈ લેવું જોઈએ. વાસ્તવમાં ટીકાને શબ્દોમાં વ્યક્ત કરતાં પહેલાં તો મનુષ્યનું મન સામેવાળી વ્યક્તિના ગુણ-દોષ જુએ છે, જેની ઉપર તેની બુદ્ધિ વિચાર કરે છે અને ત્યાર બાદ તે નિર્ણય કરે છે કે નિંદા કરવી કે ગુણગાન કરવાં. એના પછી તે એમ વિચાર કરે છે કે પેલી વ્યક્તિ જોડે તેનો કોઈ સંબંધ કે પછી કોઈ હેતુ છુપાયેલો છે? અને છેવટે તે એમ વિચારે છે કે શું આ જોયેલા અવગુણની વાત તે અન્યોને કરે કે ન કરે? આ સમસ્ત પ્રક્રિયા બાદ તેનું અંતરમન તેને નિર્ણય આપે છે, જેનો તે અમલ કરે છે. અતઃ જો કોઈ વ્યક્તિ ખરા અર્થમાં કોઈની સમીક્ષા કરવાને બદલે ફક્ત નિંદા જ કરતી ફરે છે તો સમજવું જોઈએ કે તેનો સદવિવેક કામ નથી કરી રહ્યો, દૃષ્ટિ કુદૃષ્ટિમાં પરિવર્તિત થઈ ગઈ છે, તેનું કોઈ મહાન જીવનલક્ષ્ય નથી અને તેની અંદર આધ્યાત્મિક શક્તિનો નાશ થઈ ગયો છે. આવી વ્યક્તિ પછી જ્ઞાની, યોગી અથવા સાચા અર્થમાં પુરુષાર્થી નથી કહેવાતી કારણ કે યોગી યા તો તુલનાત્મક અભ્યાસના ખ્યાલથી ટીકા કરે છે અથવા કોઈ વાસ્તવિકતાને વાજબી ને નિષ્પક્ષ ભાષામાં વ્યક્ત કરવા માટે. આવી યોગયુક્ત વ્યક્તિ ફક્ત બીજાની જ ટીકા નથી કરતી, અપિતુ પોતાની જાતની પણ ટીકા કરે છે. તે અંતર્મુખી બનીને આત્મનિરીક્ષણ કરીને પોતાની જાતને કહે છે કે ‘અરે ભાઈ, તારામાં પણ તો કેટલાય દોષ છે, પહેલાં એને તો બહાર કાઢ. હંસ જેવા નિર્મળ સ્વભાવને છોડીને કાગડાની જેમ કા-કા શા માટે કરે છે? તું વારેઘડીએ કબરમાં શા માટે દાખલ થવા માગે છે? આ કેવો મત, પંથ કે ધર્મ છે? અરે... આ ધરમ નહીં પણ શરમ છે! એટલે છોડ આ નકામાં કામોને, આજે આ વાત નહીં સમજ્યો તો પછી ક્યારેય નહીં સમજે.’
ADVERTISEMENT
-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

