તો રોમૅન્ટિક થવાની જરૂર નથી. પિન્ક આઇ એટલે કે કન્જંક્ટિવાઇટિસનો વાવર અત્યારે પીક પર ચાલી રહ્યો છે ત્યારે ઇન્ફેક્શન થયું હોય તો ઘરમાં બેસીને એને આરામ આપો અને એ ન થાય એ માટે શું કરવું એ જાણી લો
હેલ્થ ઇઝ વેલ્થ
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા પંદર દિવસમાં કન્જંક્ટિવાઇટિસના કેસમાં ૨૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આંખો લાલ થઈ જાય, પાણી પડે, જાણે કશુંક ખૂંચતું હોય એવું લાગ્યા કરે અને એટલે આંખો ચોળવાનું મન થાય. આમ જુઓ તો બહુ જ સામાન્ય લક્ષણો લાગે અને સાતથી દસ દિવસમાં એ આપમેળે મટી પણ જાય. જોકે ત્યાં સુધીનો ગાળો કેટલાક લોકો માટે બહુ પીડાકારક હોય. અત્યારે બાળકો અને કિશોરો કન્જંક્ટિવાઇટિસની ચપેટમાં વધુ આવ્યાં છે, પણ એવું નથી કે આ ઇન્ફેક્શન માત્ર બાળકોમાં જ લાગે છે. આ એવું વાઇરલ ઇન્ફેક્શન છે જે સંસર્ગથી ફેલાય છે અને એનું પ્રિવેન્શન પણ શક્ય છે એમ જણાવતાં સાંતાક્રુઝના આઇ સર્જ્યન ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘હવે તો કોરોનાના અનુભવ પછી આપણને એટલું તો સમજાઈ ગયું છે કે કોઈ પણ વાઇરલ ચેપને ફેલાતો અટકાવવા માટે એને આઇસોલેટ કરી દેવો જરૂરી છે. બસ, કન્જંક્ટિવાઇટિસમાં પણ આવું જ છે. એડીનોવાઇરસ બહુ જ જિદ્દી છે. એ પ્લાસ્ટિક કે લાકડાની સર્ફેસ પર લગભગ ૩૦ દિવસ સુધી જીવતો રહી શકે છે. મતલબ કે ઘર, ઑફિસ, સ્કૂલ કે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યા પર જો કોઈ ચેપી વ્યક્તિના હાથ થકી આ વાઇરસ પહોંચ્યો હોય તો એ જગ્યાએ ૩૦ દિવસ સુધી એ વાઇરસ ચેપ લગાડી શકે. આ ચેપને અટકાવવા માટે વારેઘડીએ આંખને ટચ ન કરવું એ સૌથી પહેલી શરત છે. તમને ચેપ થયો હોય તો પણ અને ન થયો હોય તો પણ. તમે રિમોટ, ટેબલ, કઠેડો એમ કોઈ પણ જગ્યાએ હાથ લગાડીને એ જ હાથ આંખને લગાવશો તો ચેપ સરળતાથી લાગશે.’
પિન્ક આઇમાં શું કરવું?
ADVERTISEMENT
કન્જંક્ટિવાઇટિસના ઇલાજ માટે શું કરવું એ સમજાવવાની સાથે એ ચેપ વખતે આંખમાં શું થાય એ વિશે સમજાવતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘આંખના ડોળામાં જે સફેદ ભાગ છે એની સૌથી ઉપરના લેયરમાં એડીનોવાઇરસનો ચેપ લાગવાથી એમાં સૂજન આવે છે. સોજો આવે એટલે લાલાશ, બળતરા અને ખંજવાળ આવે. આંખોની રોગપ્રતિકારક શક્તિ આપમેળે જ એની સામે ફાઇટ કરી શકે એમ હોય છે એટલે સાતથી આઠ દિવસમાં લાલાશ અને બળતરા ઘટીને આપમેળે મટી જાય છે. પણ જો એ વખતે ઝડપથી મટાડવાના ચક્કરમાં અથવા તો કોઈકે ફલાણાં ટીપાં નાખ્યાં એટલે હું પણ નાખીને સોજો ઝડપથી ઘટાડી દઉં એવી લાયમાં જાતે જ દવાઓ લેવાનું ડહાપણ યોગ્ય નથી. લુબ્રિકેટિંગ ડ્રૉપ્સ નાખશો તો પણ થોડીક રાહત રહેશે. બાકી જાતે જ ઍન્ટિબાયોટિક્સ કે સ્ટેરૉઇડ્સનાં ટીપાં નાખવાની ભૂલ ન કરવી. છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષમાં આમેય કોઈ નવી ઍન્ટિ-બાયોટિક શોધાઈ નથી અને આ દવાઓના બેફામ ઉપયોગથી શરીરમાં એની સામે રેઝિસ્ટન્સ ઊભો થવા લાગ્યો છે ત્યારે સમજીવિચારીને અને જરૂરી હોય તો જ ઍન્ટિ-બાયોટિક વાપરવી. ઘણા લોકો કૉર્ટિકોસ્ટેરૉઇડનાં ટીપાં પણ જાતે જ નાખે છે. એવું ન કરવું જોઈએ. આ દવાઓ ડૉક્ટર ત્યારે જ આપે છે જ્યારે આંખના અંદરના ભાગ સુધી ચેપની અસર હોય. આ સ્ટેરૉઇડ્સનાં ટીપાંની આડઅસરને કારણે ઘણી વાર કીકીમાં સફેદ સ્પૉટના સ્કાર થઈ જાય છે.’
આયુર્વેદમાં શું કહેવાયું છે?
પિન્ક આઇ માટે આયુર્વેદમાં નેત્રાભિષ્યંદ શબ્દ છે એમ જણાવતાં જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ચોમાસું પિત્ત વિકારોની ઋતુ છે. આંખ પિત્તનું સ્થાન છે. નેત્રમાં સૂજન એટલે કે અભિષ્યંદ થાય એને નેત્રાભિષ્યંદ કહેવાય. આવામાં આંખોને સાફ રાખવા માટે નેત્રધાવન કરવાનું કહેવાયું છે. આંખમાંથી પાણી વહી જાય એવી ઔષધો આંખમાં આંજવાથી નેત્ર સ્વચ્છ રહે છે. સૂરમો, નેત્રપ્રભા કે શુદ્ધ મધ પણ આંખમાં આંજો તો આંખો સ્વસ્થ રહે છે. જોકે એનાથી આંખો બળે છે. નાનાં બાળકોને એનાથી તકલીફ થઈ શકે છે.’
અકસીર આયુર્વેદ ઔષધ
વકરેલા કન્જંક્ટિવાઇટિસ માટે મૉડર્ન મેડિસિન પાસે ઍન્ટિબાયોટિક્સ અને સ્ટેરૉઇડ્સનાં ટીપાં છે એમ આયુર્વેદ પાસે પણ અકસીર ઉપાયો છે. ૧૮ વર્ષ પહેલાં ઔરંગાબાદ અને મરાઠવાડા વિસ્તારમાં કન્જંક્ટિવાઇટિસનો ભયાનક વાવર આવેલો ત્યારે આયુર્વેદનો ઉપાય અકસીર રહ્યો હતો. એ વખતે શોધાયેલી દવા આજે પણ એટલી જ કારગર છે એની વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘એ વખતે ભારે દવાઓથી પણ ચેપ કાબૂમાં આવી જ નહોતો રહ્યો ત્યારે અમે આયુર્વેદિક અર્ક જાતે બનાવીને પ્રયોગ કરેલો. લીંબોડી, ગુલાબનાં પાંદડાં અને ત્રિફળાનો અર્ક બનાવીને આંખમાં આંજવાથી બહુ ઝડપથી ચેપ કાબૂમાં આવ્યો હતો. આજે પણ જો આ પ્રયોગ કરવો હોય તો લોકો જાતે આ પ્રયોગ કરી શકે છે. એ માટે ૩૫ ગ્રામ લીંબોડી, ૩૫ ગ્રામ ગુલાબના ફલની પાંદડી અને ૩૫ ગ્રામ ત્રિફળા લઈને ૧૦૦ ગ્રામ પાણીમાં કુકરમાં ઉકાળવા મૂકવી. સીટી લગાવવાને બદલે પાઇપથી એમાં પેદા થયેલી વરાળને એક સ્વચ્છ અને સૅનિટાઇઝ કરેલી બાટલીમાં ભરી લેવી. આ પ્રક્રિયાથી લગભગ ૫૦થી ૬૦ મિલીલિટર જેટલો અર્ક તૈયાર થશે. નિષ્યંદન પ્રક્રિયા દ્વારા પેદા થયેલો આ અર્ક આંખમાં આંજવાથી બેથી ત્રણ દિવસમાં જ પિન્ક આઇમાં રાહત થશે. સોજો ઘટી જશે અને લાલાશ ચાલી જશે. યાદ રહે, અર્ક કાઢવાનો છે; એનો કાઢો નથી બનાવવાનો. હળવાં કન્જંક્ટિવાઇટિસનાં લક્ષણોમાં માત્ર ગુલાબજળમાં બોળેલું પોતું આંખ પર મૂકવાથી પણ શીતળતા મળશે.’
લાલાશ કન્જંક્ટિવાઇટિસ નથી
અત્યારે ઘણા લાલ આંખો અને બળતરા થતી હોય એટલે એ કન્જંક્ટિવાઇટિસ જ છે એવું ધારી લે છે. એવું કેમ ન થવું જોઈએ એ સમજાવતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘નાનાં બાળકોની આંખો લાલ થઈ ગઈ હોય તો એ આપમેળે મટી જશે એવું ન માનો. નિષ્ણાતને બતાવો. બધી જ લાલ આંખ પિન્ક આઇ નથી હોતી એટલે જો લક્ષણો ત્રણ-ચાર દિવસમાં શમે નહીં તો ડૉક્ટરને બતાવો. હમણાં એક પેશન્ટ મારી પાસે આવેલો તેને હતું કે તેને કન્જંક્ટિવાઇટિસને કારણે આંખો ખૂંચે છે, પણ હકીકતમાં ફૉરેન પાર્ટિકલ આંખની અંદર ઘૂસી ગયેલો. જો આવામાં કોઈ જાતે સ્ટેરૉઇડ્સ આંખમાં નાખી દે તો ઊલમાંથી ચૂલમાં પડી જવાય.’
કન્જંક્ટિવાઇટિસના ડૂઝ અને ડોન્ટ્સ
- આંખોને વારંવાર ટચ ન કરવું, તમને ચેપ લાગ્યો હોય કે ન લાગ્યો હોય.
- આંખ સાફ કરવા માટે ટિશ્યુનો ઉપયોગ કરો, રૂમાલનો નહીં. બન્ને આંખને સાફ કરવા અલગ-અલગ ટિશ્યુ રાખો અને વાપરીને તરત જ ફેંકી દો.
- ચશ્માં પહેરવાથી તમને સૂરજના તડકાથી કનડગત ઓછી થશે. એનાથી બીજાને ચેપ લાગતો અટકી જશે એવું નથી. ચેપથી બચવું હોય તો હૅન્ડશેક અને જ્યાં-ત્યાં અડવાનું ટાળો.
- બીજા કોઈકને ઍન્ટિબાયોટિક્સ કે સ્ટેરૉઇડનાં ટીપાંથી સારું થઈ ગયું એટલે તમે પણ વાપરો એવી ભૂલ કદી ન કરવી. ધારો કે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવા હોય તો એ પણ શૅર ન કરો. નવી જ વાપરો.
- બળતરા થતી હોય તો આઇઝ કૉમ્પ્રેસ વાપરી શકાય. એનાથી બળતરા અને સોજો થોડાક સમય માટે ઘટશે.
- કૉન્ટૅક્ટ લેન્સ પહેરતા હો તો પિન્ક આઇ કમ્પ્લીટલી મટી ન જાય ત્યાં સુધી ફરી કૉન્ટૅક્ટ લેન્સ ન પહેરો.
- પાણીની છાલક મારીને આંખ સાફ કરવાનું ટાળો. માર્કેટમાં હવે તૈયાર આઇ વાઇપ્સ આવે છે. ટિશ્યુ જેવી આ પ્રોડક્ટ વાપરો અને બન્ને આંખ માટે જુદું-જુદું ટિશ્યુ વાપરજો.
- સૅનિટાઇઝરને ફરીથી હાથવગું કરવાનો સમય આવી ગયો છે. ઘરમાં રોજિંદા વપરાશની ચીજોની સપાટીઓને ૧ ટકા સોડિયમ હાઇપોક્લોરાઇડના સોલ્યુશનથી સાફ કરવાની રાખો. એનાથી એડીનોવાઇરસ તરત મરી જાય છે.