મોટા ભાગે માતા-પિતાને કે પરિવારમાં કોઈ વ્યક્તિને કૅન્સર હોય તો બાળક એ જીન્સ સાથે જ જન્મે છે અને તેને કૅન્સર થવાની શક્યતા રહે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
દરેક માતા-પિતા પોતાના બાળકને હેલ્ધી જોવા માગતાં હોય છે, પરંતુ હકીકત એ છે કે ન ઇચ્છવા છતાં બાળક વારસામાં માતા-પિતાના અમુક રોગ લઈને જન્મતું હોય છે. જીન્સમાં આવેલા આ રોગ કઈ ઉંમરે ફૂલેફાલે એ તો કુદરત જ જાણે, પરંતુ જ્યારે બાળકના રોગ માટે જીન્સ જવાબદાર છે એવું કોઈ માતા-પિતાને ખબર પડે ત્યારે તેમની પીડા ખૂબ હોય છે. આવો જ એક રોગ છે કૅન્સર. આમ તો કૅન્સર પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે, પરંતુ બાળકોને થતા કૅન્સર પાછળનું મુખ્ય કારણ છે વંશાનુગત આવતા જીન્સ. જોકે આ સિવાય પણ અમુક કારણો છે જેને લીધે નાની ઉંમરમાં એટલે કે બેથી ૪ વર્ષની ઉંમરથી લઈને ૧૯ વર્ષની ઉંમર સુધીમાં વ્યક્તિને કૅન્સર થાય.
મોટા ભાગે માતા-પિતાને કે પરિવારમાં કોઈ વ્યક્તિને કૅન્સર હોય તો બાળક એ જીન્સ સાથે જ જન્મે છે અને તેને કૅન્સર થવાની શક્યતા રહે છે. બાકી હૉર્મોનમાં કોઈ મોટા ફેરફાર થાય તો પણ બાળકને કૅન્સર થઈ શકે છે. આ બન્ને મુખ્ય કારણો છે. વળી આ બન્ને કારણો એવાં છે જેને રોકવા માટે આપણે કશું કરી શકતા નથી. જોકે અમુક બાહ્ય કારણો છે - જેમ કે નાની ઉંમરમાં જો તે કોઈ રેડિયેશનનો શિકાર બન્યું હોય, ઘણા કેસમાં બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે માતા પોતે સિગારેટ પીતી હોય અથવા તો બાળકને કોઈ પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન થઈ ગયું હોય ત્યારે પણ કૅન્સર થવાની શક્યતા રહે છે.
ADVERTISEMENT
કૅન્સરના ઇલાજની વાત કરીએ તો એક વયસ્કનું શરીર મોટું હોય છે અને બાળકનું નાનું. શરીરના કેટલા ભાગમાં રેડિયો થેરપી કે કીમોથેરપી થાય છે એ મુજબ ઇલાજનો કેટલો ખર્ચ થશે એ નક્કી થતું હોય છે. બીજું એ કે કૅન્સર સામે ટકવાની કે ઝઝૂમવાની ક્ષમતા ભલે બાળકમાં ઓછી હોય, પરંતુ એના ઇલાજની અસર એક વયસ્ક કરતાં બાળકને વધુ થાય છે. કૅન્સરની ટ્રીટમેન્ટમાં અપાતી થેરપી જેમ કે રેડિયો થેરપી કે કીમોથેરપીને એક બાળકનું શરીર ખૂબ સારી રીતે સપોર્ટ કરે છે. એને કારણે બાળકોને થતા કૅન્સરને ક્યૉર કરવું શક્ય બને છે. ફક્ત બ્લડ-કૅન્સર એટલે કે લ્યુકેમિયાની જ વાત કરીએ તો વયસ્કમાં સંપૂર્ણ ક્યૉર થવાની શક્યતા ૩૦-૪૦ ટકા જેટલી રહે છે, જ્યારે બાળકોમાં આ ટકાવારી ૭૦-૮૦ ટકા છે. ફક્ત ૨૦ ટકા બાળકોને જ આપણે ઇલાજ થવા છતાં બચાવી શકતાં નથી. બાકીનાં ૮૦ ટકા બાળકોને આપણે સંપૂર્ણ રીતે સાજાં કરી શકીએ છીએ જે કૅન્સર જેવા રોગ માટે મોટી ઉપલબ્ધિ કહેવાય. હવે બાળકોના કૅન્સરનો સારામાં સારો ઇલાજ છે એટલે માતા-પિતાએ હાર ન માનવી. પૂરા પ્રયત્નો કરવા કે વ્યક્તિ ઠીક થઈ જાય.
- ડૉ. જેહાન ધાબર