આ સામાન્ય લક્ષણો છે જે તમને હોય એનો અર્થ એ નથી કે તમને કૅન્સર છે
પ્રતીકાત્મક તસવીર
આપણે સૌ આજે જાણીએ છીએ કે કૅન્સર એક એવો રોગ છે કે જે શરૂઆતમાં પકડી શકાય તો એનો ઇલાજ સરળ છે. આજે જાણીએ એવાં કેટલાંક સામાન્ય શરૂઆતનાં લક્ષણો જેને અવગણ્યાં વગર તપાસ કરાવવામાં આવે તો કૅન્સરનું નિદાન જલદી થઈ શકે છે. આ લક્ષણોને જાણતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સામાન્ય લક્ષણો છે જે તમને હોય એનો અર્થ એ નથી કે તમને કૅન્સર છે, પરંતુ એ હોવાનો અર્થ એ છે કે કૅન્સરનું રિસ્ક છે માટે તપાસ અનિવાર્ય છે.
તમારી ચામડીમાં કોઈ એવો ડાઘ હોય જેની સાઇઝ, શેપ કે કલર બદલાતા હોય અથવા આખા શરીરમાં કઈક અલગ જ વર્તાઈ આવે એવું નિશાન હોય અથવા તો એવું નિશાન જે સામાન્ય ફોડા કે ડાઘા જેવું દેખાતું ન હોય તો આ ડાઘ કે નિશાન કૅન્સરનું ચિહ્ન હોઈ શકે છે. જે કફ લાંબો સમય રહે એમાં ૮૦-૯૦ ટકા શક્યતા છે કે એ ટીબી હોય અને જો એ ટીબી ન હોય તો કૅન્સર હોય છે. સ્તનની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના નાનકડા ફેરફારને પણ અવગણવો નહીં. આ સિવાય સ્ત્રીમાં જો સતત બ્લોટિંગ રહેતી હોય તો ઓવેરિયન કૅન્સર હોવાની શક્યતા રહે છે. પુરુષોની વાત કરીએ તો યુરિન પાસ કરતી વખતે લીક થઈ જાય, વધુ વખત જવું પડે, રોકી ન શકાય, બરાબર રીતે પાસ ન થાય આ બધા પ્રોસ્ટેટ ગ્રંથિને લગતા પ્રૉબ્લેમ્સ છે. તમારા ગળામાં, બગલમાં કે બીજી કોઈ પણ જગ્યાએ ગાંઠ જેવો ભાગ ઉપસી આવે તો એ લિમ્ફોમાના લક્ષણ હોઈ શકે છે. અંદરથી કોઈ પ્રકારની ઇન્જરી હોય, ઇન્ફેક્શન હોય કે કોઈ મોટી તકલીફ હોય ત્યારે જ મળ કે યુરિનમાંથી લોહી પડે, ખોરાક ગળી ન શકાય તો એ એક મહત્ત્વનું ચિહ્ન છે. સ્ત્રીઓને માસિક દરમ્યાન બ્લીડિંગ થાય છે એ નૉર્મલ છે, પરંતુ માસિક સિવાય જો વજાઇનામાંથી લોહી નીકળે તો એ નૉર્મલ નથી. મોઢામાંથી વાસ આવતી હોય, ચાંદાં થઈ ગયાં હોય કે મોઢું છોલાઈ ગયું હોય, મોઢાની કોઈ પણ તકલીફ મોટા ભાગે એટલી ગંભીર નથી હોતી, પરંતુ મોઢામાં સફેદ કે લાલ પેચ થઈ ગયા હોય, ચાંદાં પડી ગયાં હોય જે ઘણા વખતથી મટતા જ ન હોય તો ડૉક્ટરને દેખાડવું અત્યંત જરૂરી છે. જો અચાનક કોઈ પણ કારણવગર વજન ઊતરવા લાગે તો, જો તાવ ફરી-ફરીને આવ્યા કરે તો, વગર કોઈ ખાસ કારણે જો તમને થાક લાગ્યા કરે તો એ પણ કૅન્સરનાં ચિહ્ન હોઈ શકે છે. આ ચિહ્નો ખૂબ સામાન્ય છે જે બીજા કોઈ રોગનાં ચિહ્નો પણ હોઈ શકે છે, પરંતુ આ ચિહ્નોને અવગણવા યોગ્ય નથી.
ADVERTISEMENT
- ડૉ. જેહાન ધાબર