આ એક એવો રોગ છે જેમાં બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડમાં ઇન્ફ્લેમેશન થાય છે અને અંદર રસી ભરાય છે. એને કારણે આખા શરીર પર અસર પડે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
બાળકને વૅક્સિન આપવી કેટલી જરૂરી છે એનું મહત્ત્વ આમ આદમીને કોરોના પછી સમજાઈ ગયું છે. જોકે હજીયે અમુક રોગો માટેની રસીઓ બાબતે પેરન્ટ્સના મનમાં સવાલ હોય છે. જે રસીઓ કમ્પલ્સરી નથી હોતી એનું શું? સમજવા જેવી વાત એ છે કે કેટલાક ગંભીર રોગોની નાબૂદી માટે સરકારે કેટલીક રસીઓ ફરજિયાત કરી છે અને કેટલીક રસીઓ વિશે જાગૃતિ ફેલાવી છે કે એનાથી અતિગંભીર રોગોને નિવારી શકાશે. જો બધી જ રસીઓ કમ્પલ્સરી કરવામાં આવે તો એને સરકારી દવાખાનાંઓમાં ફ્રી કરવી પડે, જેનું બર્ડન સરકારને પોસાય એમ ન હોવાથી કેટલીક રસીઓ બાળકની સેફ્ટી માટે પ્રાઇવેટમાં આપવાની હિમાયત કરવામાં આવે છે. મારે ત્યાં હમણાં એક-બે પેરન્ટ્સના સવાલ આવ્યા કે તેમના પીડિયાટ્રિશ્યન મેનિન્જાઇટિસની રસી આપવાનું કહે છે, પણ એ ખૂબ મોંઘી છે. શું આ રસી ન અપાવીએ તો ચાલે કે કેમ?
હા કે નામાં જવાબ આપતાં પહેલાં એ સમજવું પડે કે મેનિન્જાઇટિસમાં શું થાય. આ એક એવો રોગ છે જેમાં બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડમાં ઇન્ફ્લેમેશન થાય છે અને અંદર રસી ભરાય છે. એને કારણે આખા શરીર પર અસર પડે છે. આ એક જીવલેણ ડિસીઝ છે. એ જો થાય તો એની બધી જ સારવાર કરાવ્યા પછી પણ વ્યક્તિ બચશે કે નહીં એ કહેવું મુશ્કેલ થઈ જાય છે. જીવનમરણનો સવાલ હોય એવા રોગ સામે રક્ષણ મેળવવાનું તમે પસંદ કરશો કે નહીં એ તમારે જ નક્કી કરવાનું છે. છ મહિનાની ઉંમરે મેનિન્જાઇટિસની બે પ્રકારની રસી આપવાની હોય છે. એક ન્યુમોકૉકલ મેનિન્જાઇટિસ છે અને બીજું છે Hib-હિબ. એનું આખું નામ છે એચ ઇન્ફ્લુએન્ઝા બી.
ADVERTISEMENT
આ વૅક્સિન્સ કમ્પલ્સરી નથી હોતી, એનો મતલબ એ નથી કે એ યુઝફુલ નથી. મેનિન્જાઇટિસ ન થાય એ માટે આ રસી ખૂબ જ કામની હોય છે. આ વૅક્સિનથી મગજમાં પસ થતું અટકે છે અને ખૂબ જ ફાયદાકારક છે એ વાતમાં કોઈ જ ના નથી. રસી નહીં લો અને કદાચ બાળકને પાછળથી આવું કોઈ ઇન્ફેક્શન લાગુ પડ્યું તો એ વખતે વસવસો કરવા સિવાય કંઈ હાથ નહીં આવે. એના બદલે જો બાળકને રસી અપાવી લેશો તો એનાથી કોઈ જ નુકસાન નથી થવાનું.
Hib-હિબની વૅક્સિન બહુ મોંઘી નથી. એ ૩૦૦-૪૦૦ રૂપિયાની જ હોય છે, જ્યારે ન્યુમોકૉકલ મેનિન્જાઇટિસની વૅક્સિન ત્રણ-ચાર હજાર રૂપિયાની પડી જાય. પ્રૅક્ટિકલી જોવા જઈએ તો વૅક્સિન ન લીધી હોય તો બાળકને માંદગી અને હેરાનગતિ અનુભવવી પડે છે અને એ પછી આ વૅક્સિન કરતાં અનેકગણો ખર્ચ થઈ જાય છે, જ્યારે વૅક્સિન અપાવી હોય તો આ બધી ચીજો બચી જાય છે.