મુખ્ય ત્રણેય આર્ટરીમાં આ તકલીફ હોય તો મોટા ભાગે ડૉક્ટર બાયપાસ જ સજેસ્ટ કરે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારો દીકરો ૩૮ વર્ષનો છે હાલમાં તેની ઍન્જિયોગ્રાફી કરાવી તો તેની ત્રણેય આર્ટરીમાં બ્લૉકેજિસ છે એટલે ડૉક્ટર કહે છે કે અમે ઍન્જિયોપ્લાસ્ટી ન કરાવતાં બાયપાસ જ કરાવીએ. બાયપાસ જેવી મોટી સર્જરી આટલી નાની ઉંમરે કરાવાય? એમાં રિસ્ક નથી શું? મને ૭૦ વર્ષે પણ કોઈ તકલીફ નથી અને મારા દીકરાની ત્રણેય આર્ટરી બ્લૉક આવી છે. તેની ઑફિસમાં તેની જ ઉંમરની એક વ્યક્તિને હાર્ટ અટૅક આવ્યો તો તેણે ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. તો એનાથી ન ચાલે?
તમને તકલીફ નથી એ સારી વાત છે, પણ એને કારણે દીકરાને પણ કોઈ તકલીફ નહીં થાય એવું ન હોય. જિનેટિકલી ભલે તેમને હાર્ટ ડિસીઝ ન આવ્યું હોય, પરંતુ લાઇફસ્ટાઇલ તેમની એવી હશે કે આ રોગ આવ્યો છે. ખૂબ સારું છે કે તેને અટૅક આવ્યો નથી અને એની પહેલાં જ આ વસ્તુ સામે આવી ગઈ. ઇલાજ દ્વારા તમે અટૅકને ટાળી શકો છો. હાર્ટ ડિસીઝમાં અટૅક પહેલાં જ જો તમે ઇલાજ કરાવો તો એ વધુ સારો ઑપ્શન ગણી શકાય. અત્યારે કુલ દરદીઓમાંથી ૨-૩ ટકા દરદીઓ આ ઉંમરના અમે જોઈએ છીએ. જ્યારે હાર્ટ ડિસીઝ નાની ઉંમરે થાય છે ત્યારે એમાં મોટા ભાગે એ એક જ નળીમાં તકલીફ હોય એવું મનાય છે. આટલી નાની ઉંમરે જો હાર્ટ પ્રૉબ્લેમ હોય તો એનો અર્થ એ થયો કે હજી પ્રૉબ્લેમ નાના પાયે હોવો જોઈએ, પરંતુ ના, એવું નથી હોતું. આપના હૃદયમાં ત્રણ કૉરોનરી આર્ટરી છે, જેમાંથી એકમાં જ તકલીફ હોય તો ઍન્જિયોપ્લાસ્ટી કરીને બ્લૉકેજ હટાવી દેવામાં આવે છે, જે ખાસ મોટી તકલીફ ન ગણી શકાય, પરંતુ નાની ઉંમરે પણ ૪૦ ટકા દરદીઓમાં ત્રણેય કૉરોનરી આર્ટરીની તકલીફ જોવા મળે છે, જેને કારણે યુવાન વયે બાયપાસની જરૂર પડે છે. ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ એનો નિર્ધાર જ એ બાબત પર છે કે બ્લૉકેજ કેટલી નળીમાં અને કેટલી માત્રામાં છે. જો મુખ્ય ત્રણેય આર્ટરીમાં આ તકલીફ હોય તો મોટા ભાગે ડૉક્ટર બાયપાસ જ સજેસ્ટ કરે. જે પરિસ્થિતિ વર્ણવી છે એમાં બાયપાસથી સારો ઉપાય કોઈ ન હોઈ શકે, કારણ કે બાયપાસ કરાવશો તો ૨૦-૨૫ વર્ષની શાંતિ થઈ જશે. ઍન્જિયોપ્લાસ્ટીમાં એવું નથી થતું. બ્લૉકેજ નળીમાં બીજી કોઈ જગ્યાએ પાછું થાય તો ફરી ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે છે. એક રીતે બાયપાસ ફાયદાકારક ઑપ્શન છે માટે ગભરાવ નહીં.