વજન ઘટાડવા માટે વપરાતી દવા ઓઝેમ્પિકને ઍપલ રિપ્લેસ કરી શકે છે એવા દાવાઓ ઇન્ટરનેટ પર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે સફરજનનો એમાં શું રોલ છે
પ્રતીકાત્મક તસવીર
વજન ઘટાડવા માટે વપરાતી દવા ઓઝેમ્પિકને ઍપલ રિપ્લેસ કરી શકે છે એવા દાવાઓ ઇન્ટરનેટ પર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે સફરજનનો એમાં શું રોલ છે એ વિશે એક્સપર્ટનો મત જાણીએ
ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં નિતનવા અખતરા થતા હોય છે ત્યારે હાલમાં એક ન્યુટ્રિશનિસ્ટે એવો દાવો કર્યો હતો કે સફરજન આજકાલ વજન ઘટાડવા માટે પૉપ્યુલર બનેલી ‘ઓઝેમ્પિક’ નામની દવા જેટલું કારગત છે, કારણ કે આ દવાથી મળતાં પોષક તત્ત્વો એવાં છે જે ઍપલમાં પણ છે. એક્સપર્ટ દ્વારા કરવામાં આવેલા દાવા બાદ ઇન્ટરનેટ પર એવી ચર્ચા થઈ રહી છે કે સફરજન ખાવાથી ખરેખર વજન ઘટે? સફરજનમાં એટલી તાકાત છે કે એ વજન ઘટાડવામાં મદદ કરે? ચાલો એક્સપર્ટ શું કહે છે એ જાણીએ.
ADVERTISEMENT
શું કહે છે એક્સપર્ટ?
આ મુદ્દે પોતાનો મત આપતાં મુલુંડમાં રહેતાં અનુભવી ન્યુટ્રિશનિસ્ટ પૂજા ટોલિયા કહે છે, ‘સફરજનમાંથી કૅલરી ઓછી હોવાની સાથે એમાંથી ડાયટરી ફાઇબર અને પોટૅશિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે તેથી એ ખાવાથી ફૅટ શરીરમાં જમા થતી નથી અને એમાં રહેલાં પોષક તત્ત્વો શરીરને મળી રહે છે. આ ફળ ખાવાથી વેઇટલૉસ થાય એ દાવો પાયાવિહોણો છે. અને વાત રહી ઓઝેમ્પિક ટૅબ્લેટની, એ વજન ઘટાડવા માટે પૉપ્યુલર ભલે બની છે પણ એનાથી પણ ખાસ વજન ઘટતું નથી. એનું કામ ડાયાબિટીઝના દરદીના બ્લડ-શુગર લેવલને નિયંત્રણમાં રાખવાની સાથે પાચનક્રિયા ધીમી કરવાનું છે જેથી શરીરમાં ફૅટ જમા ન થાય.’
વેઇટલૉસ માટે કોઈ શૉર્ટકટ નથી
વજન ઘટાડવા માટે કોઈ શૉર્ટકટ નથી એવું જણાવતાં પૂજા કહે છે, ‘સફરજન અને ઓઝેમ્પિક ટૅબ્લેટ એ બન્નેનાં ફંક્શન અલગ-અલગ છે અને વજન ઘટાડવા માટે એના પર ડિપેન્ડ રહેવું યોગ્ય નથી. આમ જોવા જઈએ તો વજન ઘટાડવું કે વધારવું એ આપણી ડાયટ પર નિર્ભર રહે છે. વ્યક્તિને પ્રોટીનની સૌથી વધુ જરૂર હોય છે. આ સાથે વિટામિન અને કાર્બ્સનો પણ સમાવેશ જરૂરી છે. જો એનું સંતુલન જાળવીને ડાયટ લેવામાં આવે તો વજન ઘટશે પણ નહીં અને વધશે પણ નહીં. વેઇટલૉસ માટે કોઈ શૉર્ટકટ નથી અને કોઈ દવા કે ફળ એના માટે કામ કરતા નથી. બધાં જ ફળોમાંથી શરીરને ન્યુટ્રિઅન્ટ્સ મળે છે. એ શરીરને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. ફળો કે શાકભાજીમાંથી શરીરને વધુ ફૅટ મળતી નથી તેથી એ ખાવાથી વજન ઘટશે એવું કહેનારા લોકો પર વિશ્વાસ કરવો નહીં. ઇન્ટરનેટ પર છાશવારે આવા પાયાવિહોણા દાવાઓ કરીને લોકોને ભરમાવવાની કોશિશ થતી હોય છે. જો ફૅક્ટ ચેક કર્યા વગર એનું આંધળું અનુસરણ કરવામાં આવે તો શરીર પર વિપરીત અસર પણ થઈ શકે છે. તેથી એક્સપર્ટની સલાહ લીધા વગર ડાયટને લગતા આવા ટ્રેન્ડને ફોલો કરવા નહીં.’
શું છે આઇડિયલ પદ્ધતિ?
વેઇટલૉસ કરવા માટે ઍક્ચ્યુઅલી શું કરવું જોઈએ એ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘વજન ઘટાડવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ તો ડાયટ જ છે. તમારા શરીરને જેટલી કૅલરી, ફૅટ અને વિટામિન્સની જરૂર હોય અને એટલું જ તમે આપો તો તમારું વજન વધશે જ નહીં. ફિગર મેઇન્ટેન રહેશે અને તમે પણ ફિટ રહેશો. ધારો કે તમારું વજન ૭૦ કિલો હોય તો દિવસમાં ૪૦થી ૫૦ ગ્રામ જેટલું પ્રોટીન ડાયટમાં સામેલ થવું જ જોઈએ. ત્રણેય ટાઇમના ભોજનમાં પ્રોટીન હોવું જરૂરી છે. વેજિટેરિયન ડાયટમાં જો તમે ૧૦૦ ગ્રામની કોઈ વાનગી ખાઓ છો તો એમાં ઓછામાં ઓછું બારથી ૧૫ ગ્રામ જેટલું પ્રોટીન હોવું જ જોઈએ. તમે ઍપલ પણ ખાઓ છો તો એમાંથી કંઈ પ્રોટીન મળશે નહીં. દિવસમાં એક વાર કોઈ પણ એક ફ્રૂટ ખાવું જોઈએ. એમાં રહેલી નૅચરલ શુગરને બૉડીમાંથી રિલીઝ કરવા માટે પલાળેલાં ડ્રાયફ્રૂટ્સ અથવા સોક્ડ સીડ્સ (પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ફ્લેક્સ સીડ્સ) ખાવાં જોઈએ. તેથી ઘરે બેઠાં પોતાની રીતે વજન ઘટાડવા માટે ડાયટમાં અખતરા કરવા હિતાવહ નથી. પ્રૉપર વેઇટલૉસ કરવો હોય તો ડાયટિશ્યનની સલાહ લેવી જોઈએ. તેમણે બનાવેલા ડાયટ-પ્લાનને ફૉલો કરશો તો વેઇટલૉસ થશે જ. આ સાથે નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ જેમ કે કસરત, વૉકિંગ અને જૉગિંગ કરવું જરૂરી છે.’

