આ ઉંમરમાં શુગર વધે તો એટલું નુકસાન નથી હોતું, જેટલી ઘટી જવાથી નુકસાન થાય છે. ૫.૧ ઘણી ઓછી શુગર છે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારાં મમ્મી ૬૬ વર્ષનાં છે અને છેલ્લાં ૧૫ વર્ષથી એમને ડાયાબિટીઝ છે. છેલ્લા ૬ મહિનાથી એમનું ઇન્સ્યુલિન ચાલુ થયું છે. દવાઓ ઓછી થાય અને ઇન્સ્યુલિન પણ છૂટી શકે એટલે અમે આયુર્વેદિક દવાઓ પણ શરૂ કરી હતી, જેનાથી એમનો હાલનો ત્રણ મહિનાનો શુગર રિપોર્ટ HbA1C ૫.૧ આવ્યો છે એટલે કે મમ્મી અત્યારે તો નૉન-ડાયાબેટિક રેન્જમાં જતાં રહ્યાં છે. શું એનો અર્થ એ સમજવો કે ડાયાબિટીઝ નથી એમને? તો હવે ઇન્સ્યુલિન કે દવાઓ બંધ કરી શકાય? શું ૧૫ વર્ષથી ડાયાબિટીઝ હોય એ વ્યક્તિનું ડાયાબિટીઝ પાછું જઈ શકે ખરું? જવાબ આપવા વિનંતી.
મેં તમારાં મમ્મીના રિપોર્ટ્સ જોયા અને એમની દવાઓ પણ જોઈ. પહેલાં તો એ સમજવાનું છે કે જેને ૧૫ વર્ષ જૂનું ડાયાબિટીઝ હોય અને ૬૬ વર્ષની ઉંમરે જો HbA1C ૫.૧ આવે તો હરખાવા જેવું નથી, ઊલટું સાવચેત થવા જેવું છે. તમારાં મમ્મી ઘણી મેડિસિન લેતાં હતાં. એની સાથે ઇન્સ્યુલિન પણ ચાલુ થયું હતું અને અચાનક આટલી શુગર ઘટી જાય એનો અર્થ એ થયો કે પહેલાં તો તાત્કાલિક મેડિસિનનો મારો ઘટાડવો પડશે એટલે કે તમે ૧૦ પૉઇન્ટ ઇન્સ્યુલિન લેતા હતા એ લગભગ અડધું કરી નાખવાની જરૂર છે અને દવાઓ પણ ડૉક્ટરની દેખરેખ હેઠળ ઓછી કરાવવી પડશે, પણ દવાઓ કે ઇન્સ્યુલિન એકદમ બંધ ન કરી દેતા, એ યોગ્ય નથી.
ADVERTISEMENT
આ ઉંમરમાં શુગર વધે તો એટલું નુકસાન નથી હોતું, જેટલી ઘટી જવાથી નુકસાન થાય છે. ૫.૧ ઘણી ઓછી શુગર છે. વળી, ત્રણ મહિનાની નહીં, પરંતુ દરરોજની શુગરના શું હાલ છે એ સમજવું જરૂરી છે. એ માટે પહેલા તો ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ કે ઇન્સ્યુલિન ઘટાડ્યા પછી સતત મૉનિટર કરો કે શુગર દિવસના કયા ભાગમાં એકદમ ઘટી જાય છે. બને કે છેલ્લા ૧૦-૧૫ દિવસથી રાત્રે શુગર એકદમ ઘટી જતી હોય તો ચિહ્નો પણ દેખાશે નહીં અને ખબર નહીં પડે. અત્યારે સતર્ક રહેવું, સતત શુગરનું મૉનિટરિંગ કરવું, દવાઓ એ મુજબ જ વધ-ઘટ કરવી જરૂરી છે. એની સાથે-સાથે લિવર, કિડનીની બેઝિક ટેસ્ટ પણ કરાવી લો, કારણ કે ઘણી વખત એવું બને છે કે આ લો-શુગરનું કારણ કિડની કે લિવરની તકલીફ પણ હોય. અત્યારે એકદમ ક્લોઝ મૉનિટરિંગ અત્યંત જરૂરી છે, માટે ગફલતમાં રહેતા નહી. એમનું ધ્યાન રાખો અને દરેક ચિહ્નો ડૉક્ટરને જણાવતાં રહો.